કર્ણાટકના આમરાજનગર જિલ્લાના મુખ્ય મથકથી 6 કિ.મિ. દૂર હરદાનહલ્લી ગામમાં 500 વર્ષ જૂનું વેણુ ગોપાલ સ્વામીનું મંદિર હતું. ગામના લોકોએ આ મંદિરને વધુ ખંડિયર બનતું અટકાવવા સરકાર અને પુરાતત્વ વિભાગને મદદ માટે ઘણી વિનંતી કરી. જ્યારે સરકાર તરફથી કોઇ મદદ ન મળી ત્યારે ગામના બાળકો અને યુવાનોએ સાથે મળીને મંદિરનું જાતે જ નવીનીકરણ કરવાનો સંકલ્પ કર્યો. તેમણે ભેગા મળીને મંદિરની સફાઇ કરવાનું શરૂ કર્યું. દરરોજ સવારે 6 વાગ્યે બાળકો અને યુવાનો ભેગા થઇને 2 કલાક સુધી સફાઇકામ કરતાં.ખંડિયેર થઇ ગયેલા મંદિરનું રીપેરીંગ કરવા ગામના અને આસપાસના લોકોએ 22 લાખ રૂા. એકઠા કર્યા. મંદિરના ફ્લોરીંગ માટે ઘણા લોકોએ ટાઇલ્સ, સિમેન્ટ, રેતી અને પથ્થરો દાનમાં આપ્યા.
મંદિરનું સંપૂર્ણપણે નવીનીકરણ થયા બાદ પણ બાળકો સવારે 6 વાગ્યે ભેગા થતા અને સાફસફાઇ કરતાં. આ જોઇને કર્ણાટક પોલિસમાં કામ કરતા મધુસુદન નામના પોલીસે આ બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. ગામના એક શિક્ષક આર. ચંદ્ર કહે છે કે બાળકો દ્વારા શરૂ થયેલા આ આંદોલનમાં અન્ય પોલીસ કર્મચારીઓ, શિક્ષકો તથા ગામના અન્ય લોકો પણ આ શિક્ષણકાર્યમાં જોડાયા. આમ આ મંદિર એક સંપૂર્ણપણે મોર્નીંગ સ્કૂલ બની ગઇ. આપણા દેશના અંતરિયાળ ગામોમાં તો આવા કંઇ કેટલાય જીર્ણ થઇ ગયેલા મંદિરો હશે. આ બધા જ જીર્ણ થઇ ગયેલા મંદિરો, શાળામાં રૂપાંતરિત થાય તો અંતરિયાળ ગામોના બાળકો શિક્ષણ પ્રાપ્ત કરી શકે!
અમેરિકા – ડો. કિરીટ એન. ડુમસિયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.