૧૯૬૦ પહેલાં હાલનું ગુજરાત રાજ્ય બૃહદ મુંબઇનો એક ભાગ હતો ત્યારે દારૂબંધી હતી નહિ. સુરતમાં ઠેર ઠેર દેશી દારૂ અને તાડીનાં પીઠાં હતાં. સુરતમાં જરી અને કાપડના ઘરે ઘરે કારખાનાં ચાલતાં હતાં. કારખાનામાં કામ કરતાં શ્રમિકો સાંજે પીઠામાં બેસી તાડી અને દેશી દારૂનું સેવન કરતાં હતાં. અમુક સુરતી જ્ઞાતિનાં લોકો જાતેજ જરી અને કાપડનાં મશીન ચલાવતાં હતાં. વારે તહેવારે તાડી અથવા દેશી દારૂનું સેવન કરતાં હતાં. સલાબતપુરામાં તાડનું ઝાડ હતું તે વિસ્તાર આજે ‘તાડવાળી શેરી’ તરીકે ઓળખાય છે. બાજુમાં બારડોલીનું પીઠું હતું ત્યાં તાડી અને દેશી દારૂનું વેચાણ થતું હતું.
ખત્રી જ્ઞાતિમાં બનતા નોનવેજ ‘તપેલા’માં જે નાની પુરી બનાવતા હતા તે લોટમાં આથો લાવવા માટે તાડી નાંખવામાં આવતી હતી તે પુરીને ‘તાડીવાળી પુરી’ કહેવામાં આવતી. સાત દાયકા પહેલાં અમુક સુરતી જ્ઞાતિમાં પ્રસંગો અને સામાજિક વ્યવહારમાં દેશી દારૂનું સેવન ચાલતું હતું. દારૂ બે પ્રકારથી ઓળખાતા સફેદ એટલે દેશી અને લાલ એટલે ઈંગ્લીશ. નાના મોટા પ્રસંગે જમણવારમાં રંગ-પાણીને સામાજિક વ્યવહાર ગણવામાં આવતો હતો. અંગ્રેજ શાસનકાળથી સુરતીઓ ખાવા પીવાનાં શોખીન હોવાથી ‘સુરતી લાલા’ તરીકેની ઓળખ ઊભી થઇ હોય એવું માની શકાય.
સુરત – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.