Charchapatra

કે.બી.સી.ના મંચ પર ‘ગાઈડ’ ફિલ્મની પુરાણી યાદ તાજી થઈ

ભૂપેન ચૌધરી નામનો  એક મધ્યમ વર્ગનો યુવાન કે.બી.સી.ના મંચ પર છવાઈ ગયો. 50 લાખના આ વિજેતાએ આખા એપિસોડમાં અમિતાભ બચ્ચન સહિત સૌ કોઈને પેટ ભરીને હસાવ્યા. એની હરકત એવી હતી કે ટી.વી. પર આ શો જોનારાં પણ ખૂબ હસ્યાં. એની સામે ગુરુવારના એપિસોડમાં 25 લાખનો સવાલ દેવઆનંદ વહિદા રહેમાનની ‘ગાઈડ’ ફિલ્મ વિશે હતો. અંગ્રેજીના આ ફિલ્મના લેખક કોણ? ચાર નામ હતાં. આ ફિલ્મના સવાલથી એ જરા મૂંઝાઈ ગયો હતો. એને ફિફટી ફિફટી લાઈનનો ઉપયોગ કર્યો. નસીબનો બળીયો એવો કે એનો એ જવાબ સાચો પડયો. એ ફિલ્મથી અમિતાભ બચ્ચન પણ ખૂબ પ્રભાવિત હતા.

એમના મુખેથી એક એવી વાત જાણવા મળી કે 2007ના કાન્સ ફેસ્ટીવલમાં આ ફિલ્મ ફરી બતાવવામાં આવી હતી. અહીં એક વાત કરવાનું આ ‘ગાઈડ’ પ્રેમીને મન થાય છે. હિન્દી ફિલ્મ કંઈ કેટલી વાર જોઈ હશે એનો કોઈ હિસાબ નથી. પરંતુ 1965ની આ ફિલ્મ અનેક વાર અમે કોલેજના મિત્રોએ જોઈ હતી. મને કહેવાનું મન થાય છે. આ ફિલ્મનું અંગ્રેજી વર્ગ જોવાનો લાભ મને મારા મિત્ર સાથે આજથી 5 વર્ષ પહેલાં ‘ગુજરાતમિત્ર’ લાભ અખબારના વડીલ મિત્ર જાણીતા પત્રકાર, સંપાદક નરેન્દ્ર જોષીના નિવાસસ્થાન પર જોવા મળી હતી. હિન્દી ફિલ્મની સરખામણીમાં સંગીત વિનાની આ અંગ્રેજી ફિલ્મ ફિક્કી લાગી હતી. નવકેતનની વિજય આનંદ દિગ્દર્શિત આ ફિલ્મ ક્લાસિક ફિલ્મનો દરજ્જો હાંસિલ થયો હતો. કદાચ નવી પેઢીના યુવાનો હિન્દી ફિલ્મ જોવાથી વંચિત રહી ગયા હોય તો એકવાર આ ફિલ્મ જરૂર જોવી જોઈએ. આ યાદગાર ફિલ્મથી મન પ્રસન્ન થઈ જ રહે.
સુરત     – જગદીશ પાનવાલ         – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

એ જમાનાના સુરતના 9 થિયેટરો
એ જમાનાના સુરતના 9 થિયેટરો લેખ વાંચી ખરેખર ખૂબ આનંદ થયો. ભરત દવે લિખીત આ લેખ વાંચી મને મારો ભૂતકાળ યાદ આવી ગયો. તેમણે એ બધી ટોકીઝોના નામો આપ્યા તે વાંચી મને ખરેખર આનંદ થયો. આજે તો ટી.વી. અને મોબાઇલના યુગમાં ઘણાં થિયેટરો બંધ થઇ ગયા છે. હવે એ થિયેટરોને તોડીને ત્યાં ફલેટો બની ગયા છે. આ બધા થિયેટરોમાં મેં અનેક પિકચરો જોયા છે. એ ભવ્ય ભૂતકાળની યાદોને વાગોળતા ખૂબ આનંદ થાય છે. આવા સુંદર લેખો પ્રગટ કરીને ગુજરાતમિત્ર અખબારે તેની ઉચ્ચતમ ગરીમા જાળવી રાખી છે તે બદલ હું ગુજરાતમિત્રને તથા ભરત દવેને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આવનારા વર્ષોમાં ગુજરાતમિત્ર તેની આ ગરીમા જાળવી રાખશે એવી શુભેચ્છા.
બીલીમોરા  – રમેશભાઇ એસ. ગાંધી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top