સુરત: સુરત (Surat)માં એક ચોંકાવી દેનારી ઘટના સામે આવી છે. બારીમાંથી પોટલા નીચે ફેંકતી વખતે એક વૃદ્ધે સંતુલન ગુમાવતા નીચે પટકાયા હતા. જેના કારણે વૃદ્ધનું મોત (Death)થયું છે. વૃદ્ધા બારીમાંથી રો મટીરીયલ લઇ જઈ રહ્યા હતા. એ દરમિયાન આ ઘટના બની હતી. બનાવનાં પગલે આસપાસનાં લોકો દોડી આવ્યા હતા. મોતની ઘટનાના લાઈવ સીસીટીવી(CCTV) સામે આવ્યા છે. મૃતક વૃદ્ધ પોતે રીક્ષા ચાલક છે.
માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત
ઉધના બમરોલી વિસ્તારમાં આ આશ્ચર્યજનક ઘટના બની હતી. બમરોલી વિસ્તારમાં આવેલી પંચશીલ નગર સોસાયટીમાં મનોજ શુક્લા પોતાના પરિવાર સામે રહે છે. તેઓ મૂળ યુપીના રહેવાસી છે અને ઘણા વર્ષોથી સુરત શહેરમાં રિક્ષા ચલાવવાનું કામ કરે છે. ફેક્ટરીમાંથી તેઓ જોબવર્ક માટે પોટલા લઈ જતા હોય છે. જેમાં સાડી અને ડ્રેસ મટીરીયલ હોય છે. સામાન્ય રીતે આ કામ કરતા તમામ લોકો જોબવર્કનાં પોટલા બારીમાંથી જ નીચે ફેંકતા હોય છે જેથી વારંવાર પોટલા લઈને નીચે નહિ આવવું પડે. પરંતુ આ કામ કરતા કરતા મનોજભાઈએ પોતાનો જીવ ગુમાવ્યો. મનોજ ભાઈ ફેક્ટરીમાં ત્રીજા માળે બારીમાંથી પોટલા નીચે ફેંકી રહ્યા હતા. આ દરમિયાન તેઓએ સંતુલન ગુમાવતા બારીમાંથી સીધા નીચે પટકાયા હતા. ઘટનાના પગલે આસપાસનાં લોકો દોડી આવ્યા હતા. તેમજ મનોજ ભાઈને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે માથામાં ગંભીર ઈજા પહોંચતા તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ઘટનાના લાઈવ સીસીટીવી સામે આવ્યા
આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મનોજભાઈ બારીમાંથી પોટલા ફેંકી રહ્યા છે. એક પોટલું ફેંક્યા બાદ તેઓ બીજું પોટલું લઇ ફેંકવા જતા બેલેન્સ ગુમાવ્યું હતું. જેથી તેઓ પોટલાં સાથે જ ત્રીજા માળેથી નીચે પટકાયા હતા. જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મનોજ ભાઈ પોટલાં ફેંકી રહ્યા હતા તે દરમિયાન આસપાસ મહિલાઓ કચરો લેતી હતી. જેથી તેઓને દુર ઉભા રહેવા પણ જણાવ્યું હતું મનોજભાઈની વાત માનીને મહિલા થોડા સમય માટે દૂર ઊભી રહી હતી. ત્યારબાદ તેઓએ પોટલા ફેંકવાનું શરુ કર્યું . એ દરમિયાન બારીમાંથી તેઓનું શરીર વધુ પડતું બહાર આવી ગયું અને બેલેન્સ ખોરવાતા સીધા નીચે પટકાયા હતા.
ભાજપના કાર્યકર્તા છે મનોજ શુક્લા
મૃતક મનોજ શુકલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પણ હતા. તેઓ હાલ વોર્ડ નંબર 23 ઉધના- બમરોલીમાં બુથ પ્રમુખ હતા. તેઓ નિયમિત રીતે આ પ્રકારનું કામ કરતા હતા. પરંતુ એકાએક બનેલી ઘટનાને કારણે તેમના પરિવારજનો પણ શોકમાં ડૂબી ગયા હતા.