Comments

જૂનાં મકાનો પડશે, નવાં ક્યાંથી ખરીદાશે? આવા પ્રશ્નો હવે અગત્યના બનતા જાય છે

હજુ તો વરસાદ શરૂ થયો છે અને  વરસાદમાં સુરતમાં  એક ઈમારત પડી અને સાત  લોકો માર્યા ગયાં. અમદવાદમાં વરસાદમાં બે ઘર પડ્યાં અને બીજે પણ આવી એક બે ઘટના બની. સમાચારપત્રો નોંધે છે કે જૂનાં મકાન વરસાદમાં બેસી જતામ આમ બન્યું.એક ઘટના યાદ આવે છે. બનાસકાંઠામાં  અત્યંત આઘાતજનક રીતે એક જ પરિવારનાં ૧૭ સભ્યો પાણીમાં ડૂબ્યાં હતાં  અને કહેવાય છે કે પાણી વધી રહ્યું હતું ત્યારે તેઓ પોતાના મકાનના છાપરા પર ચડી ગયાં પણ વરસાદમાં મકાન જ પડી ગયું અને બધાં ડૂબ્યાં.વરસાદ બંધ થયા પછી તો દુર્ઘટનાની ખબર પડી અને આજે પાંચ દિવસ પછી પણ અહીંથી પાણી ઉતરતાં નથી કારણકે પાણી જવાની જગ્યા જ નથી.

કેટલીક ઘટનાઓ અત્યંત  વિરોધાભાસ બતાવે છે કે જ્યાં નજીકમાં નદી વહેતી હોય તે શહેરમાં નદી ખાલી  હોય અને શહેરમાં પાણી હોય.અમદાવાદમાં  તો રીવર ફ્રન્ટ ઉપર જ  પાણી ભરાય છે. બનાસ નદીમાં પૂર ન હતું  અને બનાસકાંઠામાં પાણી છે. ક્યાંક આપણી વિકાસની વાત ફરી વિચારવા આપણને મજબૂર કરે એવી આ ઘટના છે. આપણે મોહેજો દરો અને ધોળા વીરમાં ગટર વ્યવસ્થા હતી એમ કહીએ છીએ, પણ આજે આપણી ગટર વ્યવસ્થાનાં ઠેકાણાં નથી. આત્યારે જે પાણી ભરાયાં તે ફરી નહિ ભરાય એવું કોઈ દાવા સાથે કહી શકતું નથી. આપણે ભવિષ્યનું આયોજન વિચારતાં જ નથી. સરકાર પણ શહેરોને સ્માર્ટ સીટી બનાવવાનું વિચારે છે પણ જ્યાં પાણી જ નથી પહોંચ્યા એ ગામડાંમાં પાણી પહોંચાડવાનું નથી વિચારતી. વરસાદમાં તૂટી ના જાય એવા રસ્તા બનાવવાનું નથી વિચારતી. આવતાં દસ વર્ષ પછીનું શહેર શું માંગશે  તેનું કોઈ આયોજન જ નથી આપણી પાસે.

આ મકાનો પડી ગયાં એમાં જ કેટલા પ્રશ્નો વિચારવા જેવા છે. ગુજરાત જ નહિ, આખા ભારતમાં શહેરોમાં નવાં મકાનોના ભાવ આસમાને પહોંચ્યા છે. મકાન ખરીદવું અને બાંધવું અઘરું થતું જાય છે. એમાં આ બનાસકાંઠા જેવી મુસીબતો ગામડેથી શહેર તરફ લોકોનું પલાયન વધારે છે. પાંચ પચાસ દિવસ સુધી કોઈ તમારી ખબર કાઢવા જ ના આવે.ભરાયેલાં પાણી મહિનાઓ સુધી ઉતરે જ નહિ. રોગચાળા ફેલાય એમાં તો કોઈ મદદ ના કરે, રસ્તા વીજળી ખાવા પીવાના વધ પડે ત્યાં ગામડામાં કોણ ભરાઈ રે …આવે શહેરમાં અને રહે ચાલીઓમાં. કાચાં મકાનોમાં બેદરકારીપૂર્વક ગેરકાયદે બાંધેલાં મકાનોનો ભરોસો કેટલો ?

જો કે આપણે તો આનાથી પણ ગંભીર મુદ્દા તરફ ધ્યાન દોરવું છે અને તે એ કે અત્યારે તમામ નગર અને શહેરમાં ૫૦ વર્ષથી પણ વધુ જૂની સોસાયટી અને વસાહતો છે. મધ્યમ વર્ગ માટે બનેલા હાઉસિંગનાં મકાનો છે અને આ મકાનોમાં રહેનારાં નબળી આર્થિક હાલતવાળાં છે. અત્યારે ભારતમાં મોટા પાયે ખાનગી ક્ષેત્ર અને કોન્ટ્રાકટ સીસ્ટમ ચાલે છે જ્યાં ૭૦ % થી વધુ લોકો ૩૦૦૦૦ માસિકથી ઓછું કમાય છે. આ લોકો આવકમાં પોતાનું ગુજરાન માંડ ચલાવે છે. તે મકાન રીપેર કરવા કે નવાં ખરીદવા માટે આર્થિક હાલત જ ધરાવતાં નથી. આ મકાનો હાલ ૫૦ વર્ષ જૂનાં છે. ૨૦ થી પચ્ચીસ વર્ષ પછી તે સાવ ખંડિયેર બની જશે.

એમાં રહેતાં પરિવારો ઘર હતું માટે શહેરમાં રહી શક્યાં હતાં. હવે તેમની પાસે રૂપિયા નથી કે ૨૫ થી ૩૦ લાખનાં મકાન ખરીદી શકે. થોડાં વર્ષો પછી શહેરો માટે આ જૂનાં મકાનો ગંભીર પ્રશ્નો ઊભા કરશે અને ભારે વરસાદમાં અત્યારે ૪ કે પાંચ મકાન પડે છે તે સંખ્યા વધીને ૪૦ થી ૫૦ દરેક શહેરમાં થશે ને મરનારની સંખ્યા ૮૦ થી ૧૦૦ થશે. ફરી અખબારો સમાચાર બનાવશે પણ આ મકાન મોંઘાં અને પગાર ઓછાનો વિરોધાભાસ  કોઈ નહીં ચર્ચે. સરકારે અત્યારે રી ડેવલપમેન્ટ યોજના શરૂ કરી છે પણ એ માત્ર બિલ્ડર અને સમ્પન્ન કુટુંબો માટે હોય તેવું બન્યું છે.

આપણે મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું ત્યારે આયોજન પાંચની રચના  કરી હતી પણ તે તો સરકારી આયોજન હતું. દેશની વ્યવસ્થાનું વાજબી આયોજન તો આપણે કર્યું જ નહિ અને હવે તો સરકારે આયોજન પંચ જ બંધ કરી દીધું અને નીતિ આયોગ પાસે આ જૂનાં ઘર માટે કોઈ રાષ્ટ્રીય નીતિ હોય તેવું જાણ્યું નથી. આર્થિક આયોજન ભલે બંધ  કર્યું પણ દેશનું આયોજન બંધ ના થાય એ જોજો.સરકાર નહિ પ્રજાએ પણ આવનારા દિવસમાં કેવી રીતે ગુજારો થશે તે જોવું જરૂરી છે. માત્ર દિવસ રાત એક વ્યક્તિ કે એક પક્ષની તરફેણ કે વિરોધ કરવામાં આપણે આપણી વાસ્તવિક તકલીફો ભૂલી જઈએ તે કેમ ચાલે?

છેલ્લાં વર્ષોમાં ભારતની પ્રજાએ ભ્રષ્ટાચારના વિરોધમાં પોતાનો મત આપ્યો છે. ચૂંટણીમાં પણ આ મુદ્દો વધારે આગળ થયો હતો. ભ્રષ્ટાચાર દૂર થાય તો સારું છે. લોકોને તેનાથી પરોક્ષ ફાયદો છે પણ જો શોષણ દૂર થાય તો સીધો ફાયદો છે. આપણાં શહેરોમાં દવાખાનામાં દર્દી પાસેથી હજારો રૂપિયા ફી લેતાં દાક્તરો પોતાના દવાખાનામાં નોકરી કરનારાને પૂરાં ૧૦૦૦૦ પણ પગાર નથી આપતા. સેલ્ફ ફિનાન્સ કોલેજોમાં અધ્યાપકોનો પગાર ૧૦ થી ૧૨ હજાર છે અને પટાવાળા સફાઈ કામદારને તો પૂરા પાંચ પણ નથી અપાતા. મોલ મલ્ટીપ્લેક્ષમાં કામદારોને આ જ પગાર મળે છે. ગુજરાતની સંચાર ચેનલોમાં ઉપરના પત્રકારોને વધારે પગાર મળે છે પણ મોટા ભાગના રિપોર્ટરો ૨૦ થી ૩૦ હજાર જ મળે છે.

આ સ્થિતિમાં વિચારો કે કોઈ નવાં મકાન ખરીદી શકે? નાણાં સંસ્થાઓ લોન આપી આપીને કેટલી આપશે? અત્યારે જેઓ ઓછા પગારે નોકરી કરે છે તે માબાપનાં મકાનોમાં રહે છે. આ મકાનો જૂનાં થાય ત્યારે શું? સરકારે સર્વે કરવો જોઈએ કે દરેક શહેરોમાં ૫૦ વર્ષથી જૂનાં મકાનો કેટલાં છે? તો સરકારને આવનાર વર્ષની ગંભીરતાનો ખ્યાલ આવશે. પણ સરકાર આટલી સંવેદનશીલ ક્યાં બને, દેશના ઉપરના ૧૦ % લોકો સુખી એટલે સરકાર સુખી, બાકીનાં ૯૦% તો પોતે જ ઊંઘી રહ્યાં છે ત્યાં સરકાર શા માટે જાગે ? રાહ જુવો આવનારાં વર્ષોમાં વરસાદ પછી કેટલાં મકાન પડે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top