તહેવારો આપણાં જીવનમાં નવો પ્રાણ પૂરે છે. આપણે ત્યાં દરેક તહેવારોમાં ઉજવણીની સાથે જ તેનું ધાર્મિક મહત્વ પણ રહેલું જ છે એટલે ઘણા તહેવારો તો હજારો વર્ષોથી ઉજવાતા આવ્યા છે, જો કે સમયાંતરે તેની ઉજવણીની રીતો બદલાઈ છે પણ ઉત્સાહ તો એવો જ છે. ઉતરાયણની જોરશોરથી તૈયારી સાથે જ તેને ઉજવવા માટે થનગની રહેલાં સુરતીઓ માટે પહેલાના પ્રમાણમાં હવે તો ઘણી વેરાયટીઓ પણ ઉપલબ્ધ થઈ છે તો આવો જાણીએ હાલમાં એસેસરીઝમાં કેટલો ચેન્જ આવ્યો છે અને લોકોએ તેને કેમ અપનાવી છે.
ફીરકી
વર્ષો પહેલાં લાકડાની ફીરકી જ અસ્તિત્વમાં હતી અને જ્યારે ફીરકીમાં દોરી ખૂટી પડતી ત્યારે દોરીઓ એકઠી કરીને તેને દડાની જેમ વીંટીને પણ ઉપયોગમાં લેવાતી. પરંતુ ધીમે ધીમે એ તૂટી જવાની સમસ્યા કે પછી કઈક નવું કરવાના આશયે સ્ટીલની તથા પ્લાસ્ટિકની ફીરકીનું ચલણ વધ્યું અને હવે તો આ વર્ષે તો ઇલેક્ટ્રીક ફીરકી પણ આવી ગઈ છે એટલે લપેટવાની ઝંઝટ વગર ફૂલ મસ્તી એન્જોય કરી શકાય છે.
ગોગલ્સ
ઉત્તરાયણની ઉજવણી કરવા માટે ઉત્સવપ્રેમીઓ સજીધજીને સવારથી ધાબે પહોંચી જતાં હોય છે. જોકે પવન અને તડકામાં આખો દિવસ સુધી ધાબા પર ટકી રહેવા માટે ગોગલ્સ ઓલટાઇમ ફેવરિટ છે. અગાઉના સમયમાં તો ફકત તડકા સામે રક્ષણ આપે અને થોડા સ્ટાઇલિસ દેખાવાના હેતુથી કોઈપણ સદા ગોગલ્સ પહેરી લેતા હતા. જોકે આજના ફેશનપરસ્ત લોકો હવે તો ફેશન અને ટ્રેન્ડને વધારે મહત્ત્વ આપે છે એટલે હાલમાં માર્કેટમાં ઇઝીલી અવેલેબલ એવા અવનવા સ્ટાઇલના અને શેપના ગોગલ્સને પોતાના ચહેરાના આકારને ધ્યાનમાં લઇને એની પસંદગી કરે છે.
કેપ
પતંગ ચગાવવાનું ઘેલું લાગ્યું હોય એટલે તડકાની પરવા કરવી તો કેમ પોસાય? જેથી અગાઉ તડકાના કારણે પતંગ ચગાવવામાં અવરોધ ઊભો ન થાય એ માટે જેને જરૂર જણાય એ સાડી કેપ પહેરીને પતંગ ઉડાડવાની મજા લઈ લેતા હતા પણ આજકાલ તો સન હેટ, કાઉબોય હેટ, પનામા હેટ, બેઝબોલ કેપ, બોટર હેટ, બકેટ હેટ, પંખાવાળી કેપ અને ન્યૂસબોય કેપ જેવી સ્ટાઇલ પતંગ ચગાવતી વખતે પહેરવા માટે બહુ લોકપ્રિય બની છે. આ સિવાય હાલમાં હેન્ડપેઇન્ટિંગ કરેલી હેટ્સ પણ બહુ લોકપ્રિય બની છે.
દોરી
પહેલા હાથથી દોરી ઘસાતી હતી અને રેટિયોથી દોરી વીટવામાં આવતી હતી. જેમાં એક વ્યક્તિ હાથથી દોરી ફેરવે છે અને એક વીંટે છે. આમ કુલ 4 લોકો આ પ્રક્રિયામાં જોડાતા હતા. જો કે સમયની સાથે ટેકનોલોજી આવી અને હવે મશીનનો ઉપયોગ થાય છે. સાથે જ પહેલાં ફકત કાચી દોરી અને પાકી દોરી જ આવતી અને એ પણ ખાસ કરીને ગુલાબી કલરમાં જ. પણ આ વર્ષે તો ઘણા બધા કલરો સાથે જ તિરંગો કલર ફેવરિટ બન્યો છે. જો કે આજે તો જાણે લોકોને કાપવામાં જ રસ હોય એમ ચાઇનીઝ દોરી ઉપરાંત નાયલોન દોરી પણ અસ્તિત્વમાં આવી છે જેનો પ્રતિબંધ હોવા છતાં કેટલાક લોકો ઉપયોગ કરે છે જે ક્યારેક મનુષ્યો અને પશુ પક્ષીઓ માટે જીવલેણ પણ સાબિત થાય છે.
પીપૂડી
આશરે થોડા વર્ષ પહેલાની વાત કરીએ તો ખાસ કરીને બાળકો જ મનોરંજનના હેતુસર પિપૂડીનો ઉપયોગ કરતાં હતા જ્યારે મોટેરાઓ તો ચીસ પાડીને જ પોતાનો ઉત્સાહ જાહેર કરતાં હતા પરંતુ તેમના ઉત્સાહમાં વધારો કરવા હવે તો અવનવા અવાજ સાથેના પતંગ રસિયાઓ માટે પિપૂડાઓ બજારમાં આવી ગયા છે.
માસ્ક
ઉતરાયણ દરમિયાન ગમે તેમ દોરીઓ પડતી હોય છે અને ક્યારેક ગંભીર ઇજાના કારણે જીવ પણ ગુમાવવો પડતો હોય છે તો ક્યારેક ચહેરા પર ઇજા થવાના કારણે હંમેશા માટે નિશાન રહી જાય છે જેથી માસ્ક પહેરવામાં આવતા હતા જેમાં જે કેરેક્ટર ટ્રેન્ડમાં હોય એના પ્લાસ્ટિકના માસ્ક પહેરવામાં આવતા હતા જ્યારે હાલમાં મટિરિયલમાં તો ફેરફાર થયો જ છે સાથે જ બાળકો અને યંગ સ્ટર્સને ધ્યાનમાં રાખીને માસ્કમાં ઘણીબધી વેરાયટીઓ ઉપલબ્ધ છે.
પતંગ
પહેલાના સમય કરતા આજે પતંગમાં પણ નવી-નવી વેરાયટી જોવા મળે છે. આજે પહેલા કરતા પતંગોમાં સાઇઝથી માંડીને રંગ, ડિઝાઇન અને બીજી ઘણી વેરાયટીઝ જોવા મળે છે. હવે તો અલગ-અલગ શેપના પતંગ અને ફૂગ્ગા બજારમાં જોવા મળે છે. અસલના જમાનામાં ભાતથી ચોંટાડાતા ફાટેલા પતંગ તો હવે ગુંદરથી પણ લોકો ચોંડાકતા થયા છે.
સેફ્ટી પટ્ટી
શરીરના અન્ય ભાગ કરતાં હાથની જરૂર વધુ પડતી હોય છે અને સતત દોરી ઘસાતી રહેતી હોવાથી હાથમાં ઇજા નિવારવા માટે સેફ્ટી ટેપનો ઉપયોગ કરવામાં આવતો હતો પણ હાલમાં હાથમાં પહેરવાના સેફ્ટી ગ્લવ્સ, મોજા વગેરે ઉપલબ્ધ બન્યા છે જે પહેલાના પ્રમાણમાં સારી સેફ્ટી આપે છે.