આણંદ : કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની રેશમાબહેન વચ્ચે ચાલી રહેલી લડાઇમાં દરરોજ નવા ફણગાં ફુટી રહ્યાં છે. તેમાંય બુધવારના રોજ ભરતસિંહ સોલંકીના આણંદ ખાતેના મકાનમાં 24 વર્ષિય યુવતી સાથે હોવાની વાત મળતાં રેશમાબહેન ત્યાં પહોંચી ગયાં હતાં અને બન્નેને રંગેહાથ પકડી પાડી હોબાળો મચાવ્યો હતો. આ અંગેના વિડીયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ હતી.
આણંદ ખાતે આવેલા મકાનમાં પૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકી એક 24 વર્ષિય યુવતી સાથે હોવાની વાત મળતાં તેમના પત્ની રેશમાબહેન પટેલે કેટલાક ટેકેદારો સાથે આણંદ આવ્યાં હતાં અને સીધા રૂમ સુધી પહોંચી ગયાં હતાં. આ સમયે યુવતી તેમની નજર સામે જ આવતા તેને ફટકારવાનું શરૂ કરી દીધું હતું. જેનો વિડીયો પણ વાયરલ થયો હતો. આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને દિવસભર ચર્ચાનો વિષય બન્યો હતો.
કોંગ્રેસના નેતાઓ પણ બંગલે પહોંચ્યાં
આણંદના મકાનમાં ભરતસિંહ અને 24 વર્ષિય યુવતી સાથે મળી આવતાં તેમના પત્ની કેટલાક માણસો સાથે પહોંચી હોબાળો મચાવ્યો હતો. આ વાતની જાણ ભરતસિંહની નજીકના નેતાઓને થતાં તેઓ તુરંત બંગલે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.
દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની રાજકીય કારકિર્દી પર પ્રશ્નાર્થ લાગ્યો
ગુજરાત રાજ્યના રેકર્ડ બ્રેક મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકી પણ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાના એક છે. યુપીએમાં તેઓ કેન્દ્રિય રેલવે મંત્રી તરીકે પણ રહી ચુક્યાં છે. જોકે, છેલ્લા દસકા દરમિયાન રાજકીય કારકિર્દીમાં સતત પછાડ મળી રહી છે. બે વખત લોકસભા હાર્યા બાદ તેઓએ 2022માં વિધાનસભા પર ધ્યાન કેન્દ્રિય કર્યું હતું. આ સંદર્ભે જનસંપર્ક પણ તેજ બનાવ્યો છે. જોકે, તેમના પત્ની સાથેના અણબનાવને લઇ વારંવાર પાઘડી ઉછળતાં તેમની રાજકીય કારકિર્દી સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે.
યુવતીને માલિકે ઓફિસમાં બોલાવી હાથ પકડી લીધો
વડોદરા : શહેરના અકોટા વિસ્તારમાં આવેલા કલશ સર્કલ પાસેની એમ્બ્રોઈડરીની દુકાનમાં કામ કરતી એક યુવતીને દુકાન માલીકે તેની ઓફીસમાં બોલાવી હાથ પકડી લઈ બળજબરી કરવાનો બનાવ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. પોલીસે છેડતી સહિતની કલમો હેઠળ ગુના નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના અકોટા વિસ્તારમાં આવેલા કલશ સર્કલ પાસેની એક એમ્બ્રોઈડરીની દુકાનમાં છેલ્લા દસ મહિનાથી એક યુવતી નોકરીએ જોડાઈ હતી. મંગળવારે બપોરના સમયે દુકાન માલીક ધર્મેન્દ્ર નટવરલાલ ચૌહાણ(રહે, રાજનગર સોસાયટી અકોટા સ્ટેડીયમ પાસે)એ તે યુવતીને દુકાનની ઉપર આવેલી ઓફિસમાં બોલાવી હતી.
યુવતી ઓફિસમાં જતા ધર્મેન્દ્રએ સારી-સારી વાતો કરી એકલતાનો લાભ ઉઠાવી યુવતીનો હાથ પકડી લીધો હતો. જેથી યુવતી ગભરાઈ ગઈ હતી. આટલુ જ નહી ધર્મેન્દ્રએ ઉભા થઈને યુવતીને પોતાની તરફ ખેંચતા તે યુવતી પોતાનો હાથ છોડાવી ઓફિસની બહાર નીકળી ગઈ હતી. યુવતીએ પોતાના મંગેતરને જાણ કરી હતી. અને તેની સાથે ઘરે જતી રહી હતી. અને યુવતીએ પોતાના પરિવાર સાથે વાત કરી સમગ્ર બનાવ અંગે જાણ કરી હતી. જોકે આ બાદ યવતી સહિત તેનો પરિવાર ગોત્રી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. અને આ મામલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છેડતી સહિતની કલમો હેઠળ ગુના નોંધી ધર્મેન્દ્રની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.