લંડનના એક સામયિકે ત્યાંનાં રાણી એલીઝાબેથ દ્વિતીયને ‘oldie of the year’ કહ્યાં તે એમને નહિ ગમ્યું. રાણી ૯૫ વર્ષીય છે અને સૌથી લાંબા સમયથી સત્તારૂઢ છે અને સિંહાસનની શોભા છે. અગાઉ પૂર્વ વડા પ્રધાન જ્હોન મૈજર, સીને તારિકા ઓલિવિયા દ હેવિલેન્ડ અને ડેઈવ હોકનીને ‘ઔલ્ડી ઓફ ધી ઈયર’થી નવાજાયાં હતાં. બકિંગહામ પેલેસના સ્પૌક્સ પર્સને કહ્યું કે, રાણી કહે છે કે, આપ એટલાં જ વૃદ્ધ છો જેટલાં આપ માનો છો. વાત તો સાચી જ છે.
૨૦૧૧ માં આવેલ એક હિન્દી અમિતાભ અભિનીત એક કોમેડી ચલચિત્રનું નામ જ ‘બુઢા હોગા તેરા બાપ’ હતું. ઔલ્ડ મન, બુઢા, ઘરડાં, કાકા, માસી કહેવડાવવાનું કોને ગમે? રાણીની વાત સાચી, પરંતુ ભારતમાં કોઈ પણ વ્યક્તિ કોઈને પણ વૃદ્ધ બનાવી દે. અનેક વાર તો સ્પષ્ટપણે સામેની વ્યક્તિ આધેડ વયની હોય અને અન્યને કાકા કે માસી કહી બેસે. કોઈને પણ સર કહેવાનો રિવાજ ક્યારે શરૂ થશે? સાંભળનારને જરા લાગે. અંગેજીમાં કહેવાય છે, શ્વેત કેશ આદરના અધિકારી છે પરંતુ કાકા કે માસી કહેતાં લોકો વળી કોઈને આદરથી નથી બોલાવતાં હોતાં. આધુનિક દાક્તરી વિદ્યાશાખાએ એટલી પ્રગતિ કરી છે કે, ૬૦ વર્ષનો માનવી ૫૦ વર્ષનો લાગે.
અમે ૧૦ મા, 12 મા માં હતાં ત્યારે શાળાનાં શિક્ષક નિવૃત્ત થતાં તો ખરેખર ઘરડાં લાગતાં. આજે વસ્ત્રો, કેશકલાપ, કસરત, ઔષધ ઈ.ને કારણે વ્યક્તિની વય ઓછી લાગે છે. ભારતમાં બહુમતી યુવક-યુવતીઓની છે. એટલે ૩૦ થી વધુ વયની વ્યક્તિને ડગલે ને પગલે અંકલ કે આંટીનું લેબલ લાગવાનો ડર રહે છે. આ તો ઠીક છે, કેટલાંક વર્ષો પશ્ચાત્ કોઈ બેન કાકીને બદલે માતાજી પણ બની જાય છે. બદનસીબે કાકાનું પિતાજી થતું નથી એટલે સ્ત્રીઓને પક્ષે તકલીફ વધી જાય છે. આ રાષ્ટ્રીય રોગનું કોઈ નિરાકરણ આવવું રહ્યું. નહિતર યુવા પેઢી બળી બળીને અડધી થઇ જશે. આમાંથી બચવાનો એક માર્ગ છે. કોઈએ સ્વને વૃદ્ધ માનવું નહિ. એક અમેરિકનની ટી શર્ટ પર લખાણ હતું; ‘હું ૩૦ વર્ષોનો અનુભવ ધરાવતો ૧૮ વર્ષીય તરુણ છું’. આ રીતે જીવતાં મન યુવા રહેશે અને સૌ આનંદમાં રહી શકશે. બાળપણનું નિખાલસપણું જાળવી રાખતાં વય ખરી પડે છે. ફ્રેંચ ફિલસૂફ વિક્તર હ્યુગોએ સુંદર કહ્યું છે, ૪૦ વર્ષ યુવાનીની વૃદ્ધાવસ્થા છે અને ૫૦ વર્ષ વૃદ્ધાવસ્થાની યુવાની.
બારડોલી – વિરલ વ્યાસ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.