Charchapatra

અહો આશ્ચર્યમ્ ! સ્વચ્છતા અભિયાનમાં સુરતનો આખા દેશમાં બીજો ક્રમ

સ્વચ્છતાના સંદર્ભમાં સતત ત્રીજે વર્ષે સુરતનો બીજો ક્રમ આવ્યો છે. આમ જોવા જાવ તો આ સમાચાર સુરત શહેર માટે ગૌરવ લેવા જેવા ગણાય. પણ જાણીને આશ્ચર્ય પણ થાય . કારણકે સુરત શહેરની હાલની પરિસ્થિતિ જોતાં તે ખરેખર બીજો ક્રમ મેળવી શકે ખરું ? જો તટસ્થતાપૂર્વક વિચારવામાં આવે તો જવાબ ના માં આવશે. મેટ્રો ટ્રેન માટે જે રીતે ઠેરઠેર રસ્તાઓનું ખોદકામ કરવામાં આવ્યું છે તે અને અનેક જગ્યાઓ પર રસ્તાઓની બદસૂરત હાલત જોયા પછી સ્વચ્છતામાં સુરત શહેરનો બીજો નંબર આવી જ કેવી રીતે શકે ? અને જો આ પરિણામ સાચું હોય તો દેશના અન્ય ભાગોમાં સ્વચ્છતાની શી હાલત હોય ? અત્યંત ગંભીરતાથી વિચાર માગી લે તેવો પ્રશ્ન છે.

તા.૧ ઓક્ટોબર ૨૦૨૨ ને દિવસે એક વર્તમાનપત્રમાં સાચી રીતે જ જણાવાયું છે કે જ્યાં સુધી સ્વચ્છતામાં સુરતની બેસૂરત હશે ત્યાં સુધી નંબર ૧ પણ બેઈમાની ગણાશે. કેટલું સચોટ અવલોકન છે ? કદાચ કોઈને એમ લાગે કે રસ્તા અને સ્વચ્છતાને શું સંબંધ ? રસ્તા ખોદકામ અને ખાબડખૂબડ રસ્તાઓ સ્વચ્છતાના માપદંડને ચોક્કસ જ નકારાત્મક અસર કરે એ નિર્વિવાદ હકીકત ગણાવી જોઈએ.
સુરત     – સુરેન્દ્ર દલાલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top