આપણી સૂર્યમાળાના એક ગ્રહનું નામ છે, પૃથ્વી. આપણે અત્યારે આ પૃથ્વી ઉપર શ્વસી રહ્યાં છીએ. હમણાં જ બહાર પડેલા વસતીના આંકડાઓ ઉપરથી આપણે પૃથ્વીવાસીઓ આઠ અબજ જેટલાં થઇ ગયાં છીએ. સૂર્યમાળાના બીજા ગ્રહો ઉપર માનવવસતી છે કે કેમ એની હજુ સુધી પાકી ખાતરી આપણને નથી. પણ પૃથ્વી ઉપરના આપણા વૈજ્ઞાનિકો એ દિશામાં કામગીરી કરી રહ્યા છે. હાલ પૂરતા તો આપણે પૃથ્વીવાસીઓ જ આ બ્રહ્માંડમાં માનવ વસતી રૂપે વિચરી રહ્યા છીએ. એનો આપણે ગર્વ લઇ શકીએ ખરા. પણ આપણે આઠ અબજને આંકડે પહોંચી ગયા છીએ એ કાંઇ ગર્વ લેવા જેવી બાબત તો નથી જ. આજે આપણા આ વસતીવધારાને કારણે આપણે ત્યાં પાણી, અનાજ, રહેઠાણો તથા બીજી જરૂરી સગવડોની અછત વર્તાતી પણ જોઇ શકાય છે.
આપણે મીઠું પીવાલાયક પાણી એટલી હદે પી જઇએ છીએ અને વાપરી નાંખીએ છીએ કે પાણીની અછતની સમસ્યા વધતે ઓછે અંશે દુનિયાના બધા જ દેશોમાં વર્તાવા લાગી છે. વસતી વધવાથી ગરીબી અને બેકારી વધવા લાગે છે. આ બે સમસ્યાઓ ખાસ કરીને આફ્રિકા અને પૂર્વ દક્ષિણ એશિયાના દેશોમાં મોટે પાયે પેદા થતી રહે છે. આ વિસ્તારોમાં માનવવસતી ઘણી ઝડપથી વધતી જોઇ શકાય છે એટલે ત્યાં પાણી, ખોરાક, શિક્ષણ તથા આરોગ્યના પ્રશ્નો વધુ પ્રમાણમાં સંકુલ અને જટિલ બનતા જાય છે.
ઘર આંગણે એટલે કે આપણા ભારત દેશમાં વસતી સૌથી વધુ પ્રમાણમાં વધી રહી છે. આંકડાઓ અનુસાર આપણે વસતીવધારાની બાબતે ચીનને પણ પાછળ પાડી રહ્યાં છીએ. વસતીવધારો એક પ્રકારનું પ્રદૂષણ જ ગણી શકાય. આ પ્રદૂષણને કાબૂમાં રાખવું જ પડશે. હવે પછી વધુ બાળકો પેદા ના થાય એ માટે ખુદ સરકારોએ અને પ્રજાએ રાષ્ટ્રધર્મ સમજીને કાળજી રાખવી પડશે. આપણે ત્યાં આમ ને આમ વસતી વધતી જશે તો ભવિષ્યે આપણને પાણી, ખોરાક, પોષક અને રહેઠાણોની ભયંકર તંગી પડી શકે છે. માટે જાગ્યા ત્યાંથી સવાર સમજીને સંતતિનિયમન ઉપર પ્રકીર્ણ અને ઘનિષ્ઠ વિચાર કરીને એના અમલમાં લાગી જવું પડશે.
સુરત – બાબુભાઇ નાઇ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
બજેટ અંગે સૂચન
નાણા મંત્રી સાંસદો અને ધારાસભ્યોના પેન્શન નાબૂદ કરી 1 લાખ કરોડ ગરીબોને મદદ કરે. નેતાઓ ચૂંટણીમાં કરોડો રૂપિયા ઉઠાવે છે તેથી તેઓ ધનિક છે. માટે તેમને પેન્શનની જરૂર નથી. જે ગરીબ છે તે સાંસદ થતો નથી, સાંસદ કદી ગરીબ હોતો નથી. ચૂંટણીમાં એક વ્યકિત એક જ બેઠક પરથી ચૂંટણી લડી શકે તેવો કાયદો બનાવો. રાજયસભાની મુદત 6 વર્ષથી ઘટાડી 5 વર્ષ કરો. વિધાન પરિષદો નાબૂદ કરો. જંગી લોન લઇ વિદેશ ભાગેલા ઉદ્યોગપતિઓએ રાજકીય પક્ષોને આપેલા ફંડ પરત લઇ બેંકોમાં જમા કરો. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજના સહમતિ બનાવો. ખાનગીકરણને વેગવંતુ બનાવો.
વલ્લભ વિદ્યાનગર – જગદીશ ડી. ઉપાધ્યાય- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.