એક માણસ જીવનમાં પૈસા પાછળ દોડી રહ્યો હતો. બધી જવાબદારીઓ પૂરી કરવા ભાગી રહ્યો હતો ત્યાં અચાનક દેખાયું કે આ રહ્યો સામે જિંદગીના રસ્તાનો અંત.બસ હવે જરાક જ દૂર છે.પેલો માણસ ગભરાઈ ગયો, મૂંઝાઈ ગયો.તે બોલ્યો, ‘અરે સાંભળ મારી જિંદગી, હજી તો હું તને પૂરી રીતે જીવ્યો જ નથી ત્યાં તો તું પૂરી થઈ જશે.અરે આમ કેમ? આવો અન્યાય કેમ? હજી તો જીવવાનું બાકી છે.હજી તો ઘણાં કામ બાકી છે.હજી તો ઘણી ઇચ્છાઓ બાકી છે.તું આમ આટલી જલ્દી પૂરી થઈ જાય તે કેમ ચાલે?’
માણસ આમ બોલતો જતો હતો પણ હજી પણ બોલતાં બોલતાં દોડ્યે જતો હતો. અટકવાનું નામ લેતો ન હતો.જિંદગી હસતાં હસતાં બોલી, ‘ભાઈ હું તો અહીં જ છું અને મારી ઝડપે ધીમે ધીમે જ ચાલુ છું.તારી સાથે જ છું.પણ તને ભાન નથી.તને જ જિંદગી જીવવામાં રસ નથી.જયારે જયારે હું તને સતત કોઈ ને કોઈ ક્ષણ માણવાનો મોકો આપું છું,પછી તે કોઈ ખાસ દિવસ હોય કે તહેવાર કે પછી બસ સુંદર સાંજ, પણ …તે કંઈ પણ માણવાને બદલે તું તો તારા ભૂતકાળની યાદોમાં ખોવાયેલો હોય કે પછી ભૂતકાળમાં આ દિવસે આમ થયું હતું તે યાદ કરીને રડતો હોય છે.ઘણી વાર તું એમ કહે છે કે મારી પાસે કંઈ ઉજવણી કરવાનો સમય થોડો હોય, કેટલાં કામ છે ભૂતકાળમાં કરવાનાં રહી ગયેલાં કામ પૂરાં કરવાનાં છે.પહેલાં જે ભૂલો થઈ ગઈ તે હવે નથી કરવી.એમ વિચારવામાં તું તે ક્ષણ ન માણીને હજી વધુ એક ભૂલ કરે છે.અને હું તો ધીમે ધીમે તારી બાજુમાંથી જ જીવ્યા વિના પસાર થઇ જાઉં છું……’
માણસ બોલ્યો, ‘પણ સાંભળ મારી જિંદગી…હજી મારે ઘણું કરવાનું છે…મનમાં ઘણી ઇચ્છાઓ છે, જે પૂરી કરવાની છે.’જિંદગી બોલી, ‘મારા દોસ્ત, હું તો તારી સાથે જ છું ..તારી વાત હંમેશા સાંભળું જ છું ..તને જે કરવું હોય તે કરવા માટે રોજ એક નવો દિવસ આપું છું…પણ તું તે નવા દિવસનો ઉપયોગ કંઈ કરવાને બદલે ભવિષ્યની ચિંતા કરવા લાગે છે અને આવતી કાલની ચિંતામાં આજ ગુમાવી દે છે.
નથી આજમાં જીવતો, નથી મનને આનંદ મળે તેવું કંઈ કરતો..નથી મને જીવતો…અને મને કહે છે કે તું આટલી જલ્દી કેમ પૂરી થાય છે.તમે માણસો સતત પૈસા પાછળ દોડવામાં ..ભૂતકાળની યાદ કે પસ્તાવામાં કે આવતી કાલની ચિંતા કરવામાં મને જીવતા જ નથી અને હું ધીમે ધીમે પૂરી થવા આવું ત્યારે ફરિયાદ કરો છો.’માણસ વિચારી રહ્યો હતો કે ‘હવે તો જિંદગી થોડી રહી. લાવ થોડું વધુ દોડી લઉં!’જિંદગી ધીમેથી પસાર થતી રહે છે. જિંદગીને કહો,’સાંભળ જિંદગી, આઈ લવ યુ. હું તારી આપેલી એક એક ક્ષણ માણીશ..જ્યાં છું ..જે છું અને જે પાસે છે તેમાં ખુશ રહીને …ફરિયાદ નહિ કરું.’
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.