નવી દિલ્હી : પછી ભલે તે ઘણા કિલોમીટર સુધી ટેકરીયાળ વિસ્તારો પર ચડવાનું હોય, નબળી નેટવર્ક કનેકટીવીટી ( network connectivity) સામે ઝઝૂમવાનું હોય અથવા રસી ( vaccine ) મૂકાવવા માટે લોકોની આનાકાની સાથે કામ પાર પાડવાનું હોય, દૂર સુદુરના આદિવાસી વિસ્તારોમાં રસીકરણ ( vaccination) અભિયાનના કાર્યમાં જોડાયેલી ટીમો તેમનાથી શક્ય બધું કરી છૂટે છે જેથી દરેક નાગરિકને કોવિડ ( covid) ની રસીનો ડોઝ આપી શકાય.
અરૂણાચલ પ્રદેશ રાજયના એક રસીકરણ અધિકારી દીમોંગ પાડુંગ પાસે પાંચની ટીમ છે જેમાં હમાલ, નર્સો અને સ્વયંસેવકોનો સમાવેશ થાય છે, તેમણે રસીકરણ કરવા માટે દુર્ગમ વિસ્તારોની મુલાકાત લેવી પડે છે. આવું એક દુર્ગમ સ્થળ છે તવાંગ જિલ્લાનું લુગુથાંગ ગામ. આ ગામ તેના સૌથી નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર( phc) થી પણ ૬૦ કિમી દૂર છે અને ત્યાં પહોંચવું ખૂબ મુશ્કેલ છે. મોટર વાહન જઇ શકે તેવા રસ્તાના અભાવે થોડે દૂર સુધી વાહનમાં ગયા બાદ આ ટીમે બેથી ત્રણ દિવસ ચાલવું પડ્યું.
જો કે આવા દુર્ગમ ગામ સુધી પહોંચ્યા બાદ પણ રસીકરણ ટીમ માટે અડધા વિજય જેવી જ સ્થિતિ હોય છે કારણ કે તેમણે ત્યાં રસી મૂકાવવા માટે લોકોની આનાકાનીનો સામનો કરવો પડે છે. લોકોને સમજાવવા માટે તેમણે સ્થાનિક આશા કાર્યકરો અને સ્વયંસેવકોની મદદ લેવી પડે છે. ક્યારેક કોઇ અવનવી ટ્રીક પણ કામ કરી જાય છે. જેમ કે માગો નામના એક ગામના લોકો રસી લેવા ખચકાતા હતા. તેમને સમજાવવા ટીમ ઘરે ઘરે દલાઇ લામાનો ફોટો લઇને ગઇ અને આ ટ્રીમ કામ કરી ગઇ! લોકો રસી મૂકાવવા તૈયાર થઇ ગયા.
ઘણી જગ્યાએ નબળા ઇન્ટરનેટ નેટવર્કની સમસ્યા હોય છે. જયાં નેટવર્ક નહીં હોય ત્યાં ઓફલાઇન રસીકરણ કરવું પડે છે અને પછી ડેટાને કોવિન પર ચડાવવા કેટલાયે કિલોમીટર દૂરના નેટવર્ક વાળા વિસ્તારમાં જવું પડે છે.