Columns

અભિમાન સમુદ્રનું

એક દિવસ સમુદ્રને અભિમાન થયું કે મારા સમાન કોઈ નથી. તે પોતાના તરંગો ઉછાળી ઉછાળી ને પોતાના ઘમંડના ગાણા ગાવા લાગ્યો. ચારે તરફ તેણે કિનારાની બહાર મઝા મુકવાની શરુ કરી.પૃથ્વીએ શાંતિથી વિનંતી કરતાં કહ્યું, ‘સાગર, તમારી માઝામાં રહો તમે માઝા છોડો તે તમને શોભતું નથી.’ સમુદ્રને પૃથ્વીની સાચી વાત સાંભળવી ન ગમી.તેણે ગુસ્સે થઇ પૃથ્વીને રુઆબથી કહ્યું, ‘પૃથ્વી તારા ૭૦ ટકા ભાગ પર મારો કબજો છે.મોટા મોટા હિમાલય પર્વત મારી અંદર સમય જાય એટલી મારી ઊંડાઈ છે.મારી ઊંડાઈ તાગ કોઈ મેળવી શકતું નથી.મારી અંદર કેટલાય રત્નો અને ખનિજોનો ભંડાર છે.કરોડો પ્રાણીઓને હું આશરો આપું છું.મારે કારણે વરસાદ પડે છે અને મારમાંથી જ સ્વાદ આપતું સબરસ.બોલ છે કોઈ મારા જેવું…અને મારા પાણીમાં એટલી તાકાત છે કે કોઈપણ પ્રાણી અને મનુષ્યને ડુબાડી શકું…મોટા મોટા જહાજોને ઘડીમાં ડુબાડી દઉં.એટલે પૃથ્વી હું આજથી તારા ઉપર મારું આધિપત્ય જાહેર કરું છું અને હું જેમ કહું તેમ જ તારે અને તારી પર રહેતા બધા જ સજીવ નિર્જીવ તત્વોએ કરવું પડશે.નહિ તો હું મારા તરંગોની તાકાતથી સુનામી ફેલાવી તારા પરની આખી જીવ સૃષ્ટિને  ડુબાડી દઈશ.’

પૃથ્વીને થયું આ સમુદ્રના અભિમાનને દુર કરવા કૈંક કરવું પડશે.બરાબર તે જ સમયે એક માછીમાર અને તેની પત્ની આવ્યા આજે તેઓ નવી નાવનો ઉપયોગ શરુ કરવાના હતા એટલે નાવની પૂજા કરી અને સમુદ્રની પૂજા કરી અને પ્રાર્થના કરી.પૃથ્વીને તક મળી તેણે સમુદ્રને કહ્યું, ‘જુઓ બધા તમને કેવા પૂજે છે જાળવવાની પ્રાર્થના કરે છે અને તમે ડુબાડવાની ધમકી આપો છો આ અભિમાન ખોટું છે.’

સમુદ્રે કહ્યું, ‘મારું અભિમાન ખોટું નથી સાચું છે હું બધાને મારી અંદર ડુબાડી દેવાની તાકાત ધરાવું છું.’ પૃથ્વીએ ચાલાકીથી કહ્યું, ‘ના, તમરુ અભિમાન ખોટુ છે તમે બધું જ ડુબાડી શક્તા નથી….’આમ બોલતા પૃથ્વીએ માછીમારની પત્નીની પૂજા થાળીમાં જે તેલનો દીવો હતો તેમાંથી બે ટીંપા તેલ સમુદ્રમાં નાખ્યું.તેલના ટીંપા સમુદ્રના પાણીની સપાટી પર તરવા લાગ્યા.સમુદ્ર તેને ડુબાડી શક્યો નહિ.પૃથ્વી ધીમું હસી અને બોલી, ‘સાગર નાહક અભિમાન ન કરો બધાને ડુબાડવાની વાત પછી કરજો આ બે તેલના ટીંપા તો ડુબાડી બતાવો.’

સમુદ્ર ચુપ થઇ ગયો, સમજી ગયો કે પોતે ગમે તે કરશે આ તેલના ટીંપાને ડુબાડી નહિ શકે.સમુદ્રની અફાટ જળરાશી બે ટીંપા તેલને ડૂબાડવા સક્ષમ ન હતી.તેનું અભિમાન કરવું ખોટું હતું.ક્યારેય અભિમાન કરવું જોઈએ નહિ. જીવનમાં ક્યારેય કોઈ આવડત કે શક્તિનું અભિમાન કરવું નહિ.નાના માં નાની વ્યક્તિ પણ આપનાથી વધુ આવડત અને શક્તિ ધરાવતી હોય શકે છે.અભિમાન કોઈનું ટકતું નથી અને અભિમાન સદા હાનીકારક સાબિત થાય છે.

Most Popular

To Top