ઉત્તરાખંડ દૂર્ઘટનામાં (uttarakhand glacier disaster) અત્યાર સુધી 32 લોકોનાં મોત થયા છે અને હજી પણ 206 લોકો ગુમ છે. આ આખી દૂર્ઘટનામાં એક હકીકત જે બહાર આવી છે કે આ દૂર્ઘટનામાં માર્યા ગયેલા અને ગુમ લોકોમાંથી ઘણા લોકો ઉત્તરપ્રદેશના (UttarPradesh) એક જ ગામના છે. અમને મળતી માહિતી મુજબ રવિવારે ઉત્તરાખંડમાં બનેલી ગ્લેશ્યિર પડવાની દૂર્ઘટનામાં ઉત્તરપ્રદેશના લખીમપુર જિલ્લાની નિઘાસન તહસીલમાંથી 33 લોકો ગુમ છે. જેમાંથી 16 ઇચ્છાનગર ગામના છે. તેમાંથી પાંચ એક જ પરિવારના છે.
ઉત્તરપ્રદેશના લખીમપુર જિલ્લામાં નિઘાસનથી આશરે 25 કિમી દૂર ઇચ્છાનગર ગામ છે. અહીં ના એક જ પરિવારના પાંચ-છ લોકો ઉત્તરાખંડમાં ફસાયેલા છે. પરિવારના એક વ્યક્તિનું કહેવું છે કે આ છ લોકોમાંથી તેમનો એક વ્યક્તિ સાથે સંપર્ક થયો છે. બાકીના પાંચ લોકોના ક્યાં તો મોત થયા છે ક્યાં તો તેઓ હજી ગુમ છે. રવિવારે આ સમાચાર સાંભળ્યા પછી પરિવાર પર જાણે મુસીબતોનું આભ તૂટી પડ્યો હતો. વધુમાં જાણવા મળ્યુ છે કે અહીં એક ઘરમાંથી પિતા અને પુત્ર બંને દૂર્ઘટના સ્થળે હાજર હતા. હાલમાં બંને ગુમ છે. કહેવાઇ રહ્યુ છે કે થોડા સમય પહેલા જ અહીં તેમના પુત્રના લગ્ન નક્કી થયા છે.
અહીં ગુમ થયેલા લોકોમાંથી કોઇનું દોઢ મહિનાનું બાળક છે, જેનું તેણે મોઢું નથી જોયુ. તો કોઇએ પોતાનો 19 વર્ષનો નવયુવાન દીકરો ગુમાવ્યો છે. કોઇએ પોતાના ઘરે ફોન કરીને કહ્યુ કે તે જલ્દી જ ઘરે આવશે. તો કોઇના ઘરે ત્રણ નાની બહેનો છે. આ ગામમાં લોકો સાથે જાણવા મળ્યુ છે કે ઉત્તરાખંડથી મૃતકોના શબને ગામમાં લાવવા માટે બધાએ મળીને 25,000 જેટલા રૂપિયા ભેગા કર્યા છે. અને બે એમ્બ્યુલન્સો ભાડે લીધી છે. લોકોનું કહેવુ છે કે આ મદદ તંત્રએ કરવી જોઇતી હતી પણ સરકારી માણસો અહીં આવીને પીડિત પરિવારોને ફક્ત થોડું રાશન જ આપીને ગયા છે.
વધુમાં આ લોકોને જે કોન્ટ્રાક્ટર ઉત્તરાખંડ લઇ ગયો હતો, તેણે આ કામદારોનો એક મહિનાનો પગાર અટાકવી રાખ્યો હતો. અને જ્યારે તેઓ પોતાના વતન પાછા ફર્યા હતા, ત્યારે તેણે આ લોકોને તરત પગાર થઇ જશે એ લાલચે કામ પર પરત બોલાવ્યા હતા.