વડોદરા : વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.તો બીજી તરફ આ કામગીરીમાં કેટલીક બેદરકારી જોવા મળી છે વરસાદી ડ્રેનેજોમાંથી સાફ-સફાઈ કર્યા બાદ કાઢવામાં આવતી ગંદકીને ગટર પાસે જ ઢગ કરી દેવાયો છે.જેના કારણે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. વડોદરા મહાનગર પાલિકા દ્વારા પ્રિમોન્સૂન ની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે.દર વખતે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય છે.વરસાદી ગટરોમાં સાફ-સફાઈ નહીં થતી હોવાથી પાણીના નિકાલ નહીં થતાં પાણી ભરાઈ રહેતા હોય છે.
ત્યારે પ્રિમોન્સૂનની કામગીરીના ભાગરૂપે શહેરના ચોખંડી થી પ્રતાપનગર તરફ જતા માર્ગ પર વરસાદી ગટરોની સાફ-સફાઈ કરવામાં આવી રહી છે.જોકે ગટરમાંથી સાફ-સફાઈ દરમિયાન કાઢવામાં આવેલી મલિન જળ સહિતની ગંદકીને ગટર પાસે જ ઢગ કરી દેવામાં આવતા સ્થાનિક દુકાનદારો તેમજ રાહદારીઓને ઘણી મુશ્કેલી પડી રહી છે.હાલ આ ગંદકી સુકી થઈ જવાથી માટીના ઢગ ખડકાયા છે.જેના કારણે ફરીથી આ જ કચરો સહિતની ગંદકી ગટરમાં પડે તો નવાઈ નહીં.અને ફરીથી ગટરો ચોકઅપ થશે તો સ્થાનિકોની બુમો ઉઠવાની શકયતા સેવાઈ છે.