Comments

કેન્દ્રિય બજેટમાં સરકારની આકરી કસોટી થશે

દેશના હાલના જોગ અને સંજોગો જોતાં અત્યારે કોઇ ઠોસ બાબત નક્કી કરી શકાય એમ નથી પણ તેમ છતાં તે વિશે થોડું વિચારમંથન અને સરકારી કામગીરી અને યોજનાઓના આધારે બજેટ અંગેની સંભાવના કરી શકાય! દેશના અનેક વહીવટીતંત્ર અને ઉદ્યોગને કોરોનાની મહામારીને કારણે અને તે થકી દેશના અર્થતંત્રને માઠી અસર થઇ હોઇ તેને ફરી મજબૂત સ્થિતિએ લઇ જવા માટેનાં પગલાં આ બજેટનો મુખ્ય વિષય બનવાની સંભાવના છે. આજે અબજો રૂપિયાની જોગવાઇ લોકો અને પ્રજાનાં હિત અને રક્ષણ માટે થવાથી દેશનો ફાયનાન્શ્યલ પોર્ટફોલિયો નાજુક દિશા તરફ ગયો હોઇ તેને ફરી પાટા પર લાવવા માટેનાં સક્રિય પગલાંની આવશ્યકતા પર ભાર રહેશે! કોરોનાના રોગને લીધે લોકો અને પ્રજાની જે આર્થિક પ્રવાહિતા ખોરવાઇ ગઇ છે તેને પ્રભાવિત કરવા માટે લોકોની ખરીદશકિતમાં વધારો થાય એ માટે રાહતનાં પગલાં આ બજેટમાં સામેલ કરવા રાજકારણીઓ અને પ્રજાની માંગણીઓ છે. તેનો સ્વીકાર આ બજેટમાં થવાની પૂરેપૂરી શકયતાઓ છે કારણ કે આ વર્ષના કેન્દ્રિય બજેટની દશા અને દિશા ગત વર્ષો કરતાં કંઇક વિશેષ પ્રકારની રહેશે એના કારણમાં વર્ષ 2024માં આવનાર ઇલેકશનના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને રાજકીય બજેટ બનવાની શકયતાઓ નિવારી શકાય એમ નથી.

વળી દેશની રાજનીતિમાં નવો ઓપ અને બદલાવની પરિસ્થિતિથી આ બજેટના અર્થતંત્ર પર પોઝિટિવ અસર થવાના સંજોગો છે. આ બજેટ માટે વિરોધ પક્ષ પાસે કોઇ ચોક્કસ મુદ્દો હોય એવું વાતાવરણ સાંપ્રતમાં દેખાતું નથી. ચીન તેમજ બીજા દેશો સાથે સરહદ બાબતે ઝગડો હોવા છતાં યુધ્ધની શકયતા રહેશે નહિ કારણ કે દેશો સાથે વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રે ખૂબ મોટે પાયે જોડાયેલ હોવાની બાબત આ બજેટમાં કદાચ જાહેર થઇ શકે! ઉદ્યોગ મેન્યુફેકચરીંગ ક્ષેત્રે દુનિયામાં ચીન પછી ભારતનો બીજો નંબર છે. તેને જાળવી રાખીને વધુ આગળ લઇ જવાના પ્રયત્નો પણ આ બજેટમાં જોવા મળવાની વાતો ચર્ચાય રહી છે.

સરકાર લોકોની છે તેથી લોકોની ઉન્નતિ અને વિકાસની જવાબદારી જો કે સરકાર સાથે પ્રજાની પણ છે. આ બાબતનું ધ્યાન સરકારના બજેટનાં પાનાં પર ચમકતું હશે જ એટલે આ બજેટમાં લોકોની વાચાને પૂરો સહયોગ આપવાની માંગણીઓ રાજકારણી અને દેશના અર્થતંત્રના નિષ્ણાતો કરી રહ્યા છે. તેનો પડઘો અનુમોદનના માર્ગે જવા માટે નકારી શકાય એમ નથી કારણ કે લોકોની આર્થિક સ્થિતિ સધ્ધર રીતે પ્રવાહી રહે તો તેનો સબળ ટેકો ઉદ્યોગની કાર્યવાહીને મળે આ વાત સર્વવિદિત છે. ઉદ્યોગને નડતા અને અવરોધ થતા કેટલાક નીતિનિયમો અને માંગણીઓની ઉદ્યોગકારની વાતો અને ચર્ચાના દોરથી તેમાં મોટા ફેરફારને અવકાશ રહેશે.

દુનિયાના રોકાણકારો ભારતનો વિકાસ અને આર્થિક બાબતે સક્રિયતા જોઇને તેઓ ભારતમાં જ રોકાણને અગ્રીમતા આપે છે. જેથી તેનો આર્થિક અને ઉદ્યોગ ક્ષેત્રે સારો પ્રભાવ પડી રહ્યો છે. આ બાબતે અનેક દેશો સાથેના સંબંધો અને વ્યવહારોમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહયોગ અને પ્રયત્નોના પરિણામે નાના મોટા આર્થિક કરારોના કારણે દેશના અર્થતંત્ર અને ઉદ્યોગો પર સારી અસર લોકો જોઇ રહ્યા છે. તેની નોંધ આ બજેટમાં લેવાના ઉજળા સંજોગો છે. દેશના ઉદ્યોગોને વધુ તેજીલા બનાવવા માટે ખાસ કરીને કેમિકલ, ફાર્મા, આઇટી અને ખેતીવિષયક અને ટેક્સટાઇલ ઉદ્યોગ ક્ષેત્ર માટે જે જરૂરી રો-મટીરિયલથી માંડીને તેના રીનોવેશન મોડર્નાઇઝેશન માટેના રાહતના મોટાં પગલાં આ બજેટમાં આવવાની શકયતાઓ છે એટલે ઉદ્યોગોમાં જે સ્થિતિ હાલમાં છે તેનાથી બહાર નીકળી નવી ટેકનોલોજીની દિશામાં લઇ જવાની ભલામણો થઇ રહી છે. તેનો સ્વીકાર થવાથી દેશનું ફાયનાન્સ ક્ષેત્ર ઊંચી કક્ષાની હકારાત્મક દિશાએ જશે એવું લાગી રહ્યું છે.

દુનિયામાં દેશની સધ્ધરતા અને તેનું વજન દેશના ઉદ્યોગ ઉત્પાદનના એક્ષપોર્ટ ક્ષેત્ર પર હોય છે. આજે દેશનું એક્ષપોર્ટ ક્ષેત્ર ટકાવારી દ્રષ્ટિએ જોઇએ તો દુનિયામાં તે 2 %થી પણ ઓછું છે. તે રૂંધાયેલ હોઇ તેને પ્રમોટ કરી તેજીલું બનાવવા માટે સહાય તેમજ છૂટછાટ અને રાહત જેવી બાબતોનો નિર્દેશ આ બજેટમાં થવાની વકી છે. હાલમાં મંદીનો માહોલ હોવા છતાં શેરમાર્કેટ વધુ પ્રભાવિત થતા ઉદ્યોગકારો શેરમાર્કેટમાં જઇ રહ્યા છે. આ બાબતે ફરી ઉદ્યોગ ક્ષેત્ર તરફ આકર્ષવા માટેના નિર્ણયો સરકારે આ બજેટમાં કરવાની જરૂર છે. આ બાબતે જો કે ભારતના ફાયનાન્સ મિનિસ્ટર નિર્મળા સીતારમણે એક મીટીંગમાં પોઝિટિવ પ્રતિભાવ આપ્યો છે. વિદેશમાં વસતા ભારતીયો પોતાની મૂડી ભારતમાં ઠાલવતા તેની અસર દેશની તિજોરી ભારે બનતા વિદેશી અનામત ભંડોળ વધી રહ્યું છે આ માટેના કાયદા સરળ અને લાભદાયી બનાવવાની જોગવાઇ થવાની વાત છે જે દેશના અર્થતંત્ર માટે આશીર્વાદરૂપ બની રહેશે!

દેશના અર્થતંત્રને પાંચ અબજ ડોલર સુધી વધારવા માટેનાં પગલાંમાં દેશની સહકારી સંસ્થાઓ જે વિશ્વની દ્રષ્ટિએ સૌથી મોટું ક્ષેત્ર છે તેના ઉત્થાન માટે ડિજિટલ ડેટા બેઝ ઊભો કરવાના વિચારો આ બજેટમાં રજૂ થશે તેની સરકારી રાહે જાહેરાત થઇ ચૂકી છે. સરકારે અનેક ક્ષેત્રે આર્થિક પ્રોવિઝનની ઘોષણા કરેલ છે તેને ફુલફીલ કરવાની સ્પષ્ટતા આ બજેટમાં સામેલ કરવામાં આવશે એવી અટકળો હાલમાં ચાલી રહી છે. આ વખતે આ બજેટ સરકારની આકરી કસોટી કરનાર બની રહેશે એવું ભાસી રહ્યું છે. તેથી પ્રજામાં બજેટલક્ષી બાબતોની ચર્ચાનો દોર એરણ પર છે. જેમાં પ્રજાની વાચાને અને ઉદ્યોગ ક્ષેત્રને વધુ પ્રાધાન્ય આપીને તેને સધ્ધરતાના રસ્તે લઇ જવા માટેની સક્રિયતા રહેશે જેથી આ બજેટ પ્રજાલક્ષી બજેટ કહી શકાય!
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top