સુરત: વિયર કમ કોઝ-વેના પાળા ઉપરના હાઈટેન્શન ઈલેક્ટ્રિક ટાવર ઉપર મંગળવારે સાંજે એક યુવતી સ્યુસાઈડ કરવા માટે ચડી જતાં ભારે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી તે યુવતીને સમજાવી પટાવી ફાયર લિફ્ટ કરી તેને સલામત રીતે રેસ્ક્યુ કરી લીધી હતી.
- સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલા સુરતના યુવાનને દિલ્હીથી યુવતી મળવા આવી હતી
- વિયરકમ કોઝવે ઉપર હાઈટેન્શન લાઈટના ટાવર ઉપર સ્યુસાઈડ કરવા ચડેલી યુવતીનો હાઈ વોલ્ટેજ ડ્રામા
- ફાયર બ્રિગેડની ટીમે કાઉન્સેલિંગ કરી નીચે ઊતરવા સમજાવી લેતાં આપઘાતનો વિચાર માંડી વાળ્યો
ફાયર ઓફિસર ધવલ પટેલે જણાવ્યું હતું કે, આ યુવતી સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલા સુરતમાં રહેતા યુવકના પ્રેમમાં હતી. તેને મળવા માટે અડાજણ ખાતે હોટલમાં રોકાઈ હતી. તેના બોયફ્રેન્ડે તેને દગો આપી ચાલી નીકળ્યો હતો. આથી આઘાત લાગતાં યુવતી સ્યુસાઈડ કરવા માટે નીકળી હતી. જો કે, ફાયરના જવાનોએ ટાવર ઉપર ચડ્યા બાદ પહેલાં તેનું હળવું કાઉન્સેલિંગ કર્યુ હતું અને બાદમાં તેને સમજાવી પટાવી નીચે ઉતારી લેવામાં સફળ રહ્યા હતા.
પ્રાપ્ત જાણકારી મુજબ મૂળ ઓરિસ્સાની અને હાલ દિલ્હીમાં રહી નોકરી કરતી 20 વર્ષીય જ્યોતિ ભરોડ નામની યુવતી મંગળવારે સાંજે 4:05 કલાકે વિયર કમ કોઝવે ઉપરના પાળા ઉપર બનાવેલા હાઈટેન્શન ઈલેક્ટ્રિક ટાવર ઉપર સ્યુસાઈડ કરવા માટે ચડી ગઈ હતી. દરમિયાન તેની સાથે આવેલી તેની મિત્રએ ફાયર કંટ્રોલને જાણ કરી હતી.
આથી મોરા ભાગળ ફાયર સ્ટેશનની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ઓફિસર ધવલ પટેલે જણાવ્યું હતું કે, યુવતી ટાવરના ચોથા પિલર ઉપર ચડીને નીચે કૂદવાની તૈયારી કરી જ રહી હતી. દરમિયાર ફાયરના જવાનો ઝડપથી ટાવરની ઉપર ચડી ગયા હતા. એ પછી યુવતીના કમર ઉપર બેલ્ટ બાંધી તેને ફાયર લિફ્ટ કરી નીચે ઉતારી લીધી હતી.
