ઓડિશાના ગ્રામીણ વિકાસ વિભાગના મુખ્ય ઇજનેર ઘરમાં એટલી બધી રોકડ રકમ રાખતા હતા કે જ્યારે તેમના ઘરે વિજિલન્સ ટીમના દરોડા પડ્યા ત્યારે તેમણે ફ્લેટમાંથી ચલણી નોટોના બંડલ બારીની બહાર ફેંક્યા હતા. આ ઘટનાનો કોઈકે વીડિયો ઉતારી લીધો હતો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિજિલન્સની ટીમે બાદમાં ઘરની બહાર ફેંકેલી ચલણી નોટો પણ કબ્જે લીધી હતી.
એન્જિનિયરના ઘરમાંથી એટલી રોકડ મળી હતી કે તેની ગણતરી કરવા માટે વિજિલન્સની ટીમને 7-8 કર્મચારીઓને પણ ફરજ પર મૂકવા પડ્યા હતા. રૂપિયા ગણવા માટે મશીન પણ મંગાવવું પડ્યું હતું. સૂત્રો અનુસાર ચીફ એન્જિનિયરના ઘરેથી 2.1 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી.
વિજિલન્સ ટીમે 7 સ્થળોએ દરોડા પાડ્યા
ઓડિશાની વિજિલન્સ ટીમને ચીફ એન્જિનિયર બૈકુંઠનાથ સારંગી વિરુદ્ધ તેમની આવક કરતાં વધુ સંપત્તિ ધરાવવાની ફરિયાદ મળી હતી. ઈન્ફોર્મેશનના આધારે સ્પેશિયલ જજ (વિજિલન્સ) એ સર્ચ વોરંટ ઈશ્યુ કર્યું હતું. દરોડામાં 8 ડીએસપી, 12 ઇન્સ્પેક્ટર અને છ આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટરની ટીમ બનાવવામાં આવી હતી.
શુક્રવારે વિજિલન્સ ટીમે સારંગીના સાત સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. કાર્યવાહી દરમિયાન મુખ્ય ઇજનેર ભુવનેશ્વરમાં તેમના ફ્લેટમાં હતા. જ્યારે તેને તકેદારી ટીમના આગમનની ખબર પડી ત્યારે તેણે પુરાવાનો નાશ કરવા માટે ફ્લેટની બારીમાંથી 500 રૂપિયાની નોટોના બંડલ ફેંક્યા હતા.
નોટો ગણવા માટે મશીન મંગાવ્યું
વિજિલન્સ વિભાગના જણાવ્યા અનુસાર સારંગીની જે મિલકતોની તપાસ કરવામાં આવી હતી તેમાં કરાડાગડિયા (અંગુલ) ખાતેનું બે માળનું ઘર, ભુવનેશ્વરના ડમડુમા ખાતેનો એક ફ્લેટ અને પુરીના સિઉલા ખાતેનો બીજો ફ્લેટનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલી કુલ રોકડ રકમમાંથી ભુવનેશ્વરમાં સારંગીના ફ્લેટમાંથી 1 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા . જ્યારે અંગુલ સ્થિત તેમના નિવાસસ્થાનમાંથી 1.1 કરોડ રૂપિયા મળી આવ્યા હતા.
અધિકારીઓએ નોટો ગણવા માટે ચલણ ગણતરી મશીનોનો ઉપયોગ કર્યો. વિજિલન્સ વિભાગના મતે દરોડા દરમિયાન આટલી મોટી રકમની રોકડ રિકવરી ભ્રષ્ટાચારનો ગંભીર મામલો છે. વિભાગ હવે આ મામલાની વધુ તપાસ કરી રહ્યું છે. હવે સારંગીએ આ મિલકત કેવી રીતે મેળવી તે શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.