Comments

ઓરિસ્સાના મુખ્યમંત્રી મોહન ચરણને ઓળખવા જેવા છે

ઓરિસામાં ભાજપે પહેલી વાર સત્તા મેળવી છે. નવીન પટનાયક ૨૪ વર્ષથી સત્તા પર હતા. હવે ભાજપને ગાદી મળી છે અને ગાદી પર મોહન ચરણ માઝી બિરાજમાન થયા છે. આ નેતા બહુ નીચેથી ઉપર આવ્યા છે અને ભાજપે કે પછી મોદીએ એમની પસંદગી કરી આશ્ચર્ય પણ સર્જ્યું છે. જેવું આશ્ચર્ય ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરી કે,ગુજરાત અને હરિયાણામાં આખું મંત્રીમંડળ બદલીને આપ્યું હતું એમ જ મોહન ચરણ પણ આશ્ચર્ય આપનારી પસંદગી છે.  મોહન ચરણ આદિવાસી નેતા છે. આમ તો અહીં દેવેન્દ્ર પ્રધાનથી માંડી સંબિત પાત્રાનાં નામો ચર્ચામાં હતાં. અરે, ગુજરાતમાં માહિતી નિયામક રહી ચૂકેલા ગિરીશચન્દ્ર મુર્મુ પણ ચર્ચામાં હતા પણ નરેન્દ્ર મોદીએ મોહન ચરણ પર પસદંગી ઉતારી છે.

મોહન ચરણ ખનિજનાં ભંડાર જ્યાં છે એ કેદુઝારમાંથી આવે છે અને ગરીબ સ્થિતિમાંથી અહીં સુધી પહોંચ્યા છે. એમના પિતા ચોકીદાર હતા. મોહન ચરણ સ્નાતક થયા, એલએલબી કર્યું.  ઉપરાંત ટેકનોલોજી અને સાયન્સના અનુસ્નાતક પણ છે. એમણે સંઘ સંચાલિત સરસ્વતી શિશુ મંદિરમાં શિક્ષકની નોકરી પણ કરી છે. બહુ પહેલેથી તેઓ સંઘ સાથે સંકળાયેલા છે. પછી સરપંચ થયા અને વિધાનસભામાં સતત ચાર વાર ચૂંટાયા છે. મોહન ચરણ વિધાનસભામાં વિપક્ષના નેતા રહ્યા અને ૨૦૨૩માં ૭૦૦ કરોડના કથિત દાળ કૌભાંડમાં એમણે વિધાનસભામાં પરાક્રમ કર્યું હતું. દાળ સાથે લાવી સ્પીકર પર ફેંકી હતી અને એ કારણે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જો કે, એમણે માત્ર પ્રદર્શન માટે દાળ લાવ્યા હતા એમ કહ્યું હતું.

એ ભાજપના એસસી એસટી સેલમાં પણ કામ કરી ચૂક્યા છે, આદિવાસીઓમાં એમનું વર્ચસ છે. એટલું જ નહિ, આ વર્ષના અંતમાં ઝારખંડમાં ચૂંટણી થવાની છે ત્યાં પણ આદિવાસીઓના સંપર્કમાં છે. એટલે ચૂંટણીમાં ભાજપ એમનો ઉપયોગ કરી શકશે. એમને ધારાસભ્ય તરીકે ક્વાર્ટર ફાળવવામાં વાર લાગી તો એમણે ફૂટપાથ પર સૂવાનું પસંદ કર્યું હતું. એમ તો એમની કાર પર ૨૦૨૧માં બોમ્બ ફેંકાયો હતો. એમની પત્ની ત્યારે સાથે હતાં. એ બચી ગયેલાં. મોટર બાઈક પર બે યુવાનોએ આવી આ બોમ્બ ફેંકેલો એવું એમણે કહેલું હતું.

૨૦ વર્ષથી એ રાજકારણમાં છે એટલે એમની પાસે અનુભવ છે. ૨ કરોડની સંપત્તિના માલિક છે. એટલે હવે એવા ગરીબ નથી, પણ એમના માથે ૯૬ લાખનું દેવું પણ છે. તેઓ મુખ્યમંત્રી તરીકે કેવા નીવડશે એ તો સમય જ કહેશે. પણ ભાજપે અહીં પણ બે ઉપમુખ્યમંત્રી બનાવ્યા છે. એક મહિલા છે પ્ર વતી પરીડા ને બીજા છે કનક વર્દન. યુપીથી જે શરૂઆત કરી એ રીતી બની ગઈ છે એવું લાગે છે. ઘણાં બધાં રાજ્યોમાં ઉપમુખ્યમંત્રીનો ચીલો પડી ગયો છે.

અજીત પવાર ભાજપ માટે ગળાનું હાડકું
મહારાષ્ટ્રમાં ભાજપની મોરચા સરકારમાં ગાબડાં પડે એવી શક્યતા  વધતી જાય છે. આર એસ એસ દ્વારા મહારાષ્ટ્રમાં ભાજપે અજીત પવારને સાથે લાવી મોટી ભૂલ કરી છે અને ભાજપની બ્રાંડને પણ નુકસાન થયું છે. આવી ટિપ્પણી બાદ ભાજપની સ્થિતિ ખરાબ થઇ છે. ચૂંટણીમાં તો બહુ માર ખાધો અને પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસ નારાજ થઇ રાજીનામું આપી ચૂક્યા છે, એમણે હારની જવાબદારી લીધી છે પણ કેન્દ્રીય નેતાગીરીએ એમનું રાજીનામું સ્વીકાર્યું નથી. અજીત પવારને તો એક જ બેઠક મળી છે. બીજી બાજુ એકનાથ શિંદેનો દેખાવ સારો રહ્યો છે.

સંઘ પણ માને છે કે, શિવ સેના સાથેનું ભાજપનું જોડાણ કુદરતી છે. બંને હિંદુ વિચારધારામાં માને છે. પણ શિવ સેના બે ફાડિયા થયા બાદ પણ ઉદ્ધવ ઠાકરેનું વર્ચસ્વ છે એ ચૂંટણીનાં પરિણામો બતાવે છે. આ સ્થિતિમાં ભાજપ અજીત પવારનો સાથ છોડે એ શક્ય છે? કારણ કે, ઓક્ટોબરમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી થવાની છે. એમાં અજીત પવાર જૂથના કારણે ભાજપને નુકસાન થઇ શકે છે  અને હવે એ ભાજપને પોસાય એમ નથી.

એટલું જ નહિ અજીત પવાર પણ નબળા પડ્યા છે અને એમના ૨૦ જેટલા ધારાસભ્યો શરદ પવાર પાસે પાછા જાય એવી શક્યતા પૂરી છે. આ સ્થિતિમાં અજીત પવાર સાથે કેવો વ્યવહાર કરવો એ વિષે ભાજપ ગડમથલમાં છે. કારણ કે, અજીત પવારને પડતા મૂકે તો છાપ એવી પડે કે, સત્તા માટે ભાજપે અજીત પવારનો ઉપયોગ કર્યો. એટલે ચૂંટણી સુધી અજીતને સાચવવાની જવાબદારી થઇ પડી છે. એ મજબૂરી છે. અજીત પવાર હવે ભાજપના ગળાનું હાડકું બની ગયા છે. એ ગળા નીચે ઉતારી શકાય એમ નથી અને બહાર કાઢી શકાય એમ પણ નથી. સામા પક્ષે ઉદ્ધવ , શરદ પવાર અને કોંગ્રેસ ત્રણેય મજબૂત બન્યા છે. ભાજપ માટે મહારાષ્ટ્ર જીતવું પડકાર બનવાનો છે એ નક્કી.

યુપીમાં હારનાં કારણો શું? : ભાજપનો ટાસ્ક ફોર્સ
યુપીમાં ભાજપને જે કરારી હાર મળી છે એની કળ વળતાં વાર લાગવાની. કારણ કે, બેઠકો તો ઘટી જ છે, ૨૦૧૯ કરતાં અડધી થઇ ગઈ છે પણ વોટ શેરમાં ૯ ટકા જેવો તોતિંગ ઘટાડો થયો છે. આ કેમ બન્યું એ ભાજપ માટે ચિંતાનો વિષય છે. યોગી આદિત્યનાથ દિલ્હી સંસદીય દલની બેઠકમાં આવ્યા અને એમના મોં પર નૂર નહોતું. હવે ટાસ્ક ફોર્સ એક એક બેઠક પર જઈ ચકાસશે કે, આવું કેવું કેમ થયું. આ ટાસ્ક ફોર્સમાં નેતાઓ, પદાધિકારીઓ અને ધારાસભ્યો પણ હશે. ૫૦ -૬૦ લોકોનું ગ્રુપ બનશે. આ જૂથ દરેક વિસ્તારમાં જઈ તલસ્પર્શી તપાસ થશે. યુપીમાં ઓછી બેઠકો મળી એ જ કારણે ભાજપ પોતાના જોરે બહુમતી મેળવી શક્યો નથી. આ રંજ ભાજપને રહેવાનો. ભાજપના મત કોણ ચોરી ગયું અને એવું કેમ થયું એ ભાજપ માટે તપાસનો વિષય છે.
કૌશિક મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top