નવી દિલ્હી : ભારતમાં (India) ODI વર્લ્ડ કપ (World Cup) રમાવાનો છે. જેની પુરજોશમાં તૈયારી ચાલી રહી છે. આ દરમિયાન એવા સમાચાર સામે આવ્યા છે કે બે વખતની વર્લ્ડ ચેમ્પિયન બનનાર ટીમ આ વર્ષની વર્લ્ડકપ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી આવુ ક્યારે પણ નથી બન્યુ કે કોઈ વર્લ્ડ ચેમ્પિયન બનનાર ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ હોય. આ ટીમ વેસ્ટ ઈન્ડિઝની ટીમ છે. વેસ્ટ ઈન્ડિઝે (West Indies) 1975 અને 1979નો વર્લ્ડ કપ જીત્યો હતો. જો કે ત્યાર પછી ક્યારે પણ વેસ્ટ ઈન્ડિઝની ટીમે ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો નથી. પરંતુ આ પ્રથમ વખત છે કે વેસ્ટ ઈન્ડિઝ વર્લ્ડકપ રમ્યા વગર જ આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ છે.
વેસ્ટ ઈન્ડિઝ અને સ્કોટલેન્ડ વચ્ચેની મેચ ઝિમ્બાબ્વેમાં ODI વર્લ્ડ કપ માટે ક્વોલિફાયર મેચ રમાઈ હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમ માટે આ ‘કરો યા મરોની’ પરિસ્થિતી વાળી મેચ હતી. પરંતુ આ મેચમાં સ્કોટલેન્ડે તેમને 8 વિકેટે હરાવ્યું હતું. સ્કોટલેન્ડ સામેની હાર બાદ તેની ટીમ ટોપ 2ની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ODI વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરવા માટે તેણે ક્વોલિફાયર્સમાં ટોપ 2માં સ્થાન મેળવવાનું હતું. પરંતુ હવે તે આવું કરી શકશે નહીં. ક્લાઇવ લોયડ, વિવિયન રિચર્ડ્સ, માઇકલ હોલ્ડિંગ, માલ્કમ માર્શલ, કર્ટની વોલ્શ, બ્રાયન લારા, શિવનારાયણ ચંદ્રપોલ અને ક્રિસ જેવા દિગ્ગજોથી ભરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમની હાલત જોઈને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વનડે ફોર્મેટમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ પહેલી વાર સ્કોટલેન્ડ સામે હારી છે.
સ્કોટલેન્ડની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો
હરારેના હરારે સ્પોર્ટ્સ ક્લબમાં સ્કોટલેન્ડની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં સ્કોટલેન્ડની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં વેસ્ટ ઈન્ડિઝને 43.1 ઓવરમાં 181 રનમાં આઉટ કરી દીધું હતું. ત્યાર બાદ સ્કોટલેન્ડની ટીમે 43.3માં ત્રણ વિકેટના નુકસાન પર 185 રન બનાવીને મેચ જીતી લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેસ્ટમેનો સ્કોટલેન્ડ જેવી નબળી ગણાવામાં આવતી ટીમ સામે નિષ્ફળ રહ્યા હતા. આ જીત સાથે સ્કોટલેન્ડના સુપર સિક્સમાં ત્રણ મેચમાં ચાર પોઈન્ટ થઈ ગયા હતા. તે હવે ત્રીજા સ્થાને પહોંચી ગયી છે. આ સાથે વેસ્ટ ઈન્ડિઝની ટીમ ત્રણ મેચમાં ત્રણ હાર બાદ પાંચમા સ્થાને છે.
શમરાહ બ્રુક્સે એક પણ રન બનાવ્યો ન હતો
જોન્સન ચાર્લ્સ અને શમરાહ બ્રુક્સે એક પણ રન બનાવ્યો ન હતો. બ્રેન્ડન કિંગે 22 અને કાયલ મેયર્સ 5 રન બનાવ્યા હતા. કેપ્ટન શાઈ હોપે નિકોલસ પૂરન સાથે મળીને આશા જગાવી હતી પરંતુ હોપે 13 અને પુરને 21 રન બનાવીને આઉટ થયા હતા. સન હોલ્ડરે 45 અને શેફર્ડે 36 રન બનાવ્યા હતા. કેવિન સિંકલેર 10 અને અલ્ઝારી જોસેફ 6 રન બનાવીને આઉટ થયા હતા. બેટ્સમેનોના ખરાબ પ્રદર્શન બાદ વેસ્ટ ઈન્ડિઝે બોલરો પાસેથી થોડી આશાઓ રાખી હતી. જેસન હોલ્ડરે ઈનિંગ્સના પહેલા જ બોલ પર ક્રિસ્ટોફર મેકબ્રાઇડને આઉટ કર્યા હતા. એવું લાગતું હતું કે વિન્ડીઝનો બોલર ખતરનાક ઈરાદા સાથે ઉતર્યો હતો. પરંતુ તેમની ખુશી અલ્પજીવી રહી. મેથ્યુ ક્રોસ અને બ્રેન્ડન મેકમુલેને બીજી વિકેટ માટે 125 રનની ભાગીદારી કરીને વેસ્ટ ઈન્ડિઝને મેચમાંથી સંપૂર્ણપણે બહાર કરી દીધું હતું. મેકમુલન 106 બોલમાં 69 રન બનાવીને આઉટ થયા હતા. જ્યોર્જ મુન્સીએ 33 બોલમાં 18 રન બનાવ્યા હતા. આ પછી મેથ્યુ ક્રોસે 107 બોલમાં 74 રન ફટકારીને ટીમને જીત અપાવી હતી. આ મેચમાં મેકમુલનને તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.