સંતરામપુર : કડાણા અને સંતરામપુર તાલુકામાં 134 જેટલા ગામોમાં પીવા માટે પાણી ન પહોંચતાં ભારે હોબાળો મચ્યો છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે એક એક ટીપા માટે ગ્રામજનોને કિલોમીટર દુર ભટકવું પડી રહ્યું છે. આ સ્થિતિમાં પાણી પુરવઠા વિભાગે ટેન્કર દોડાવવાનો નિર્ણય કર્યો છે. પરંતુ અણઘણ આયોજનના કારણે ત્રણ દિવસમાં માત્ર 30 ગામ સુધી પહોંચ્યું છે. આ સ્થિતિમાં 134 ગામને પખવાડિયે એક વખત પાણી મળે તેવી સ્થિતિ સર્જાઇ છે.
કડાણા-સંતરામપુર તાલુકાના 134 ગામોમાં પાણીની સમસ્યા હલ કરવા પાણી પુરવઠા સંતરામપુર દ્વારા ત્રણ દિવસમાં 12 ટેન્કરોના સહારે 30 જેટલા ગામોમાં પીવાનું પાણી પહોંચાડ્યું છે અને અન્ય ગામડાઓમાં પણ ટેન્કર દ્વારા પીવાનું પાણી વિતરણ ચાલુ છે. કડાણા જુથ પાણીપુરવઠા યોજના હેઠળના ગામડાઓમાં પાણી અનિયમિત અને વિતરણમાં મુશ્કેલી સર્જાતા પાણીના પોકારો ઉઠતાં તંત્રને પાણી પુરવઠાના સત્તાધીશો સફાળા જાગી ટેન્કર દ્વારા ગામડાઓમાં પાણીનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.
સંતરામપુર અને કડાણા તાલુકાના 134 જેટલા ગામોમાં છેલ્લા એક માસથી પીવાના પાણી માટે પ્રજા વલખા મારી રહી છે. જ્યારે ઉનાળો આકરો બન્યો છે, હવે આ ગામોમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થઇ રહી છે, હાલ પાણીના ટીપે ટીપાં માટે લોકો અને પશુ વલખા મારી રહ્યા છે. પીવાના પાણી માટે રઝળપાટ કરતા લોકોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઘર આંગણે પાણી મળી રહે તે માટે ટેન્કરો મારફતે પીવાનું પાણી પહોંચાડવાની વૈકલ્પિક વ્યવસ્થા પાણી પુરવઠા (સિવિલ) વિભાગ દ્વારા કરવામાં આવી છે. છેલ્લા એક માસથી પીવાના પાણી માટે વલખાં મારી ત્રાહીમામ પોકારી ગયેલ પ્રજા માટે આખરે પાણી પુરવઠા વિભાગ દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે 12 જેટલા નાના મોટા ટેન્કરો મારફતે છેલ્લા કેટલાક દિવસોથી ચૂંથાના મુવાડા, ગોધર, નાની ખરસોલી, લપણીયા, ખેરવા, લીમડી, વાયોના મુવાડા મળી 30 જેટલા ગામોમાં પીવાનું પાણી પહોંચાડવામા આવી રહ્યું છે. જેમાં 22 હજાર લીટર ક્ષમતા વાળા 5 અને 5 હજાર લીટર ક્ષમતા વાળા 7 ટેન્કર દ્વારા રાત-દિવસ પાણી પુરું પાડવામાં આવી રહ્યું છે.
જે ગામોમાં છેલ્લા એક મહિનાથી પીવાનું પાણી નથી મળ્યું તેવા ગામોમાં પહેલા પાણી પુરુ પાડવા માટે આયોજન કરવામાં આવ્યું છે. પાણી પુરવઠા (યાત્રિક) વિભાગ દ્વારા પાછલા એક માસમાં માત્ર એક મોટર જુથ પાણી પુરવઠા યોજના હેઠળની તૈયાર કરતાં પાણી પુરવઠો વિતરણ કરવામાં મુશ્કેલી સર્જાઇ રહી છે. તેથી સંતરામપુર અને કડાણા તાલુકાની પ્રજાને આ સ્થિતિમાં પાણી પુરું પાડવું અશક્ય બનતાં પાણીની સ્થિતિ વિકટ બનતાં આખરે કોઈ વિકલ્પ ન બચતા પાણી પુરવઠા (સિવિલ) વિભાગ દ્વારા પોતે ગામે ગામ ટેન્કરો મારફતે પીવાનું પાણી પહોંચાડવાનું આયોજન કર્યું છે. જ્યાં સુધી અન્ય મોટરો રીપેરીંગ નહીં થાય ત્યાં સુધી બે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની વિકટ સમસ્યાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ટેન્કરો મારફતે પીવાનું પાણી પહોંચાડવામાં આવશે.
મારુંવાડા કેનાલ પાસે આવેલ સ્ટેશન ઉપરથી વિના મૂલ્યે પાણી ભરી આપવામાં આવશે
પાણી પુરવઠા (સિવિલ)ના કાર્યપાલક ઇજનેર પ્રતિક પીઠવાએ જણાવ્યું હતું કે, હાલમાં એક મોટર ચાલુ છે આ સ્થિતિમાં પાઈપ લાઈન દ્વારા પાણી પુરું પડવું અશક્ય છે અમારા મુખ્ય ઈજનેર અને અધીક્ષક ની સૂચનાથી અત્યારે આ ગામોમાં જ્યા સુધી મોટર રીપેરીંગ નહિ થાય ત્યાં સુધી ટેન્કરો મારફતે પાણી પહોંચાડવામાં આવશે. અત્યાર સુધી 30 જેટલા ગામોમાં પીવાનું પાણી પહોંચાડવા માટે 7 ટેન્કરો મારફતે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. આમ છતાં કોઇ ગામમાં ટેન્કરની વ્યવસ્થા હોય અને પાણી લઈ જવા માંગતા હોય તો મારુંવાડા કેનાલ પાસે આવેલા સ્ટેશન ઉપરથી વિના મૂલ્યે પાણી ભરી આપવામાં આવશે.