Gujarat

ઓબીસી સમાજનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવાનો ભાજપનો મનસુબો: કોંગ્રેસ

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં (Election) ઓબીસી (OBC) સમાજને અનામતની માંગ સહિતના વિવિધ મુદ્દાઓને લઈ સોમવારે કોંગ્રેસ (Congress) દ્વારા ગાંધીનગર ખાતે સમર્પિત આયોગ સમક્ષ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી તેમજ સમર્પિત આયોગ સમક્ષ રજૂઆત- સુચનો કરવા માટે સમય મર્યાદા વધારીને 20 દિવસની કરવા કોંગ્રેસે માગણી કરી છે. કોંગ્રેસે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે ઓબીસી સમાજનું રાજકીય અસ્તિત્વ ખતમ કરી નાખવા માટે ભાજપ સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 10 ટકા અનામત કાઢી નાખ્યું છે.

ઓબીસી સમાજને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનામત આપવાના મુદ્દે પ્રદેશ કોંગ્રેસનું પ્રતિનિધિત્વ મંડળ ગાંધીનગર ખાતે આયોગની કચેરીએ મળીને રજૂઆત કરી હતી કે ગુજરાતની 52 ટકા વસ્તી ધરાવતા ઓબીસી સમાજને લાંબા સમયથી અન્યાય થઈ રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વસ્તી પ્રમાણે 27 ટકા થી વધુ અનામત મળવી જોઈએ, આ માંગણી ઘણા વર્ષોથી પડતર હોવા છતાં આજદિન સુધી આ દિશામાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.

પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા 30 મી જુલાઈ 2022ના રોજ અખબારમાં જાહેર નિવિદા દ્વારા ગુજરાત રાજ્યના અન્ય પછાત વર્ગનું રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે સ્વરૂપ અને અસરો અંગે તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અનામતનું પ્રમાણ નક્કી કરવા અંગે સરકારને ભલામણ કરવા માટે સરકાર દ્વારા સમર્પિત આયોગની રચના કરવામાં આવી છે. આ સમર્પિત આયોગમાં રજૂઆત-સુચનો જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસમાં કરવા જણાવવામાં આવ્યું છે, ત્યારે સરકારે આ મુદતમાં વધારો કરવો જોઈએ અને વીસ દિવસ કરવી જોઈએ. જાહેરાત પ્રમાણે દસ દિવસમાં પોતાની રજૂઆતો અને સૂચનો મોકલવાના છે. પરંતુ તેમાંથી ત્રણ દિવસો તો જાહેર રજાના દિવસો છે. તેથી સૂચનો અને રજૂઆત કરવા માટે માત્ર સાત દિવસ જ મળે છે. આ જો હુકમી કહેવાય કારણ કે દસ દિવસ પછી રજૂઆત સ્વીકારવામાં આવનાર નથી. આવા સંજોગોમાં મુદતમાં વધારો કરવામાં આવે.

અમિત ચાવડાએ સમર્પિત આયોગમાં રજૂઆત કરતા કહ્યું હતું કે સમર્પિત આયોગ સમક્ષ રજૂઆત કરવા માટે સમય મર્યાદા 20 દિવસની કરવામાં આવે. તમામ જિલ્લાઓમાં કેમ્પ કરીને લોકોનો સંપર્ક કરી સમાજના આગેવાનો, સામાજિક સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, પછાત વર્ગના સભ્યો, ધારાસભ્યો, સંસદસભ્યો, તથા આયોગને જરૂરી લાગે તેવા વ્યક્તિઓના સમૂહને સાંભળવા યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે, આ ઉપરાંત સમર્પિત આયોગે સરકાર દ્વારા અન્ય પછાત વર્ગોના કલ્યાણ માટે બનાવાયેલું આયોગ હોવાથી રાજકીય વિચારધારા છોડી સમાજના હિતમાં નિર્ણય કરવા કોંગ્રેસે વિનંતી કરી છે.

Most Popular

To Top