આપણા દેશની પ્રજા ઉત્સવપ્રિય છે. હિન્દુ પ્રજા તહેવારો તો ધામધૂમથી ઉજવે જ છે જેનાથી આપણે સૌ પરિચિત છીએ. આપણો દેશ બિનસાંપ્રદાયિક હોવાથી અન્ય ધર્મના તહેવારોની ઉજવણી પણ આપણે ધામધૂમથી કરીએ છીએ. નાતાલ આમ તો ખ્રિસ્તીઓનો મુખ્ય તહેવાર છે પરંતુ દરેક ધર્મનાં લોકો એને ધામધૂમથી ઉજવે છે. ડિસેમ્બર મહિનાનો પ્રારંભ થતાં જ લોકો દ્વારા ક્રિસમસની ઉમંગભેર તૈયારી શરૂ કરી દેવામાં આવે છે. ભારત સહિત દુનિયાના અન્ય દેશોમાં ક્રિસમસનો તહેવાર ઉજવવામાં આવે છે.
ઈસુ ખ્રિસ્તના અંતિમ સમયે તેમના વિરોધીઓએ તેમને કાંટાળો તાજ પહેરાવ્યો , તેના ઉપર પથ્થરો ફેંક્યા અને અંતે ક્રોસ પર ચઢાવી શરીર પર ખીલા ઠોકી દીધા ત્યારે અંતિમ સમયે ઈસુ ખ્રિસ્તના શબ્દો હતા : “ હે પ્રભુ એમને માફ કરજો કારણ કે તેઓને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે. “ 21 મી સદીમાં પણ ભ્રષ્ટાચારીઓ , લૂંટફાટ કરનારાઓ , બળાત્કારીઓ , આતંકવાદીઓ વગેરેને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે. અલબત્ત તેમને માફ કરી શકાય નહીં. ક્રિસમસના આ પવિત્ર તહેવાર પર પ્રેમ ,દયા , કરુણા , ક્ષમા જેવા પાયાનાં જીવન મૂલ્યોનો સંદેશ ફેલાય તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના. આપણે સૌ આશા રાખીએ કે ક્રિસમસનો જાદુ આપણા સૌના હૃદયને આનંદથી ભરી દે. નાતાલના પવિત્ર પર્વની સાચા દિલથી તમામને શુભેચ્છાઓ.
નવસારી – ડો. જે. એમ. નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.