હમણાં એવોર્ડની સિઝન ચાલી રહી છે. ૨૭મી ફેબ્રુઆરી, ૨૦૨૨ના દિવસે ‘ગ્લોબલ ગુજરાતી ફાઉન્ડેશને’ 10 પ્રતિભાશાળી અસાધારણ આવડત ધરાવનાર વ્યક્તિઓને એવોર્ડ આપ્યા. એમાં કટારના લેખકને પણ ‘ગ્લોબલ NRI સેતુરત્ન એવોર્ડ’ એમણે એનાયત કર્યો. ૮મી માર્ચે મહિલા દિનના દિવસે આ કટારના લેખકની અભિનેત્રી પત્ની સંગીતા જોશીને એમની અભિનયની કારકિર્દી માટે મીરલ ફાઉન્ડેશને ‘લાઈફ ટાઈમ અચિવમેન્ટ’ એવોર્ડ આપ્યો. સાથે સાથે ભારતની ટેરોરીડર અને જ્યોતિષશાસ્ત્રમાં પારંગત એવી મહિલને પણ એવોર્ડ આપીને સન્માનિત કર્યાં. એ જ દિવસે સાંજના ‘હેલ્લો ગુજરાત’ આ TV ચેનલના સ્થાપક સરસ્વતીચંદ્ર આચાર્યે પણ સંગીતા જોશી અને અન્ય સ્ત્રીઓને એવોર્ડ અર્પણ કર્યા. સુરતથી પ્રકાશિત થતાં ‘પેજ 3’ના સ્થાપક નિખિલ મદ્રાસીએ પણ સંગીતા જોશીને એવોર્ડ આપ્યો. એટલું જ નહીં એમણે તો બીજી 120 મહિલાઓને તેઓ જે ઉત્તમ કાર્ય કરી રહ્યા છે એ માટે વખાણીને એવોર્ડ આપ્યા. સંગીતા જોશીને તો એક ચોથો એવોર્ડ પણ એની ટૂંકી ફિલ્મ ‘આઈ વિટનેસ’ માટે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલના સ્ટુડન્ટો માટે આપવામાં આવતા એવોર્ડોમાં ‘જ્યુરી’નો સ્પેશ્યલ એવોર્ડ આપ્યો.
આ સર્વે એવોર્ડ વિજેતાઓ અસાધારણ વ્યક્તિઓ છે. અમેરિકાના ઈમિગ્રેશનના કાયદામાં આવી અસાધારણ વ્યક્તિઓ માટે એક ખાસ પ્રકારના ‘O-1’ વિઝા નિયત કરવામાં આવ્યા છે. જો તમે તમારા વ્યવસાયમાં ખૂબ જ આગળ પડતા હોવ, તમારી જાતને તમે તમારા વ્યવસાયની અસાધારણ વ્યક્તિ તરીકે ગણી શકતા હોવ તો તમે અમેરિકાના અસાધારણ વ્યક્તિઓ માટે ખાસ ઘડવામાં આવેલ ‘O-1’ વિઝા મેળવી શકો છો. જો તમે નીચે દર્શાવેલ નવ યોગ્યતાઓમાંથી કોઈ પણ ત્રણ યા એથી વધુ યોગ્યતા પ્રાપ્ત કરી હોય તો તમે ‘O-1’ વિઝાના હકદાર થઈ શકો છો. અમેરિકાના ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટની કલમ 101 (A) (15) (O) આ પ્રકારના વિઝાની વ્યાખ્યા આપે છે. ‘O-1’ વિઝા મળતાં તમે અમેરિકામાં ત્રણ વર્ષ રહી અને કામ કરી શકો છો. ત્યાર બાદ જો ઈચ્છો તો એ અવધિ અરજી કરીને વારંવાર એ સમય લંબાવી શકો છો. આ માટે તમારા માટે અમેરિકાની કોઈ સંસ્થાએ ‘I-129’ અને ‘O સપ્લિમેન્ટ’ દાખલ કરવાનું રહે છે. અમેરિકામાં તમે જે વ્યવસાયમાં હોવ એના સંગઠનનો રેકમેન્ડેશન લેટર રજૂ કરવાનો રહે છે. પિટિશન પ્રોસેસ થઈને અપ્રુવ્ડ થાય ત્યાર બાદ એમણે અરજી કરીને O-1 વિઝા મેળવવાના રહે છે. O-1 વિઝા મેળવવા માટે નીચેની નવમાંથી કોઈ પણ ત્રણ યા એથી વધુ યોગ્યતા હોવી જરૂરી છે.
(૧) શ્રેષ્ઠતા માટે દેશમાં માન્યતા પામેલ ઈનામ યા એવોર્ડ મેળવ્યો હોય.
(૨) એવી સંસ્થાની મેમ્બરશીપ જે સંસ્થા સભ્યપદ એ જે વ્યવસાય જોડે સંકળાયેલી હોય એમાં ખ્યાતિ પામતી વ્યક્તિને જ આપતી હોય.
(૩) જે વ્યવસાય યા ક્ષેત્રમાં કાબેલ હોય એને લગતાં પુસ્તક એમના લખેલાં પ્રસિદ્ધ થયાં હોય. અખબારોમાં યા મેગેઝિનોમાં એમનાં લખાણો છપાયાં હોય, એમના વિષે લખાયું હોય.
(૪) એમના ક્ષેત્રમાં એમણે કોઈ જજની પેનલ ઉપર કાર્ય ભજવ્યું હોય.
(૫) એમના ક્ષેત્રમાં એમનો કોઈ પણ પ્રકારનો સારો ફાળો હોય.
(૬) એમના ક્ષેત્ર વિષે એમણે લખેલા જ્ઞાન અને વિદ્વત્તા ભરેલાં લખાણો પ્રસિદ્ધ થયાં હોય.
(૭) એમના ક્ષેત્રની ખ્યાતિ ધરાવતી સંસ્થામાં નિર્ણાયક અથવા તો અગત્યના સ્થાન ઉપર નોકરી કરી હોય.
(૮) ઉચ્ચ પગારની નોકરીમાં હોય.
(૯) એમના ક્ષેત્રને લગતા એમણે કરેલા આવાં કાર્યોના અન્ય પુરાવાઓ હોય.
ઉપર જણાવેલ એવોર્ડ મેળવનાર અનેક વ્યક્તિઓ જો ઈચ્છે તો અમેરિકાના O-1 વિઝા મેળવી શકે છે.
જાનનું જોખમ ખેડવું પડે છે ત્યારે જો તમારામાં અસાધારણ આવડત હોય, ઉપર જણાવેલ નવમાંથી ઓછામાં ઓછી ત્રણ આવડતો તમારામાં મોજૂદ હોય તો તમે સહેલાઈથી અમેરિકાના O-1 વિઝા મેળવી શકો છે અને ત્યાર બાદ અમેરિકાનું ગ્રીનકાર્ડ પણ મેળવી શકો છો. O-1 વિઝા લગભગ છ-બાર મહિનાની અંદર મળી શકે છે. તમે બિઝનેસમેન હો, સર્વિસમાં હો, પ્રોફેસર હો, ટીચર હો, કલાકાર હો, ગાયક હો, નૃત્યકાર હો, ધર્મગુરુ હો કોઈ પણ વ્યવસાયમાં હો જો તમે તમારા વ્યવસાયમાં અન્યોથી આગળ હો તો O-1 વિઝા મેળવવાને લાયક હોઈ શકો છો. આપણા અનેક વિદ્યાર્થીઓ જેઓ ભણવામાં ખૂબ જ હોંશિયાર હોય છે અને ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જતા હોય છે ત્યાં એમને એમની કાબેલિયતના કારણે સ્કોલરશીપ મળતી હોય છે એ સઘળા વિદ્યાર્થીઓમાંના અનેક ભણી રહ્યા બાદ O-1 વિઝાની અરજી કરે છે અને એ મેળવીને અમેરિકામાં કામ કરે છે અને પછી એ દેશનું ગ્રીનકાર્ડ મેળવીને ત્યાં કાયમ રહે છે.
અમેરિકાના ઈમિગ્રેશનના કાયદામાં આવા અનેક પ્રકારના જુદી જુદી લાયકાતો ધરાવનાર વ્યક્તિઓ માટેના વિઝા ઉપલબ્ધ છે પણ એની જાણકારી ન હોવાના કારણે લાયકાત હોવા છતાં અનેક ભારતીયો યોગ્ય વિઝા માટે અરજી નથી કરતા અને વિઝા માટે ફાંફાં મારે છે અને અઢળક ખર્ચો કરે છે. જેમણે અમેરિકા જવું હોય, ટૂંક સમય માટે કોઈ ખાસ કામ માટે કે પછી ત્યાં કાયમ રહેવા માટે એમણે અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાના અનુભવી એડવોકેટ પાસે તેઓ કયા વિઝા મેળવવા માટે લાયક છે એ જાણી લેવું જોઈએ. એ માટે તેઓ ઈમિગ્રેશનના કાયદાના જાણકાર એડવોકેટને જે ફી આપશે એ લેખે લાગશે. અન્યથા આમતેમ ફાંફાં મારી સમય અને ધનનો વ્યય કરી નિરાશા પામશે. અમેરિકા જવા ઈચ્છુકોએ આજે જ અમેરિકાના દરેક પ્રકારના ઈમિગ્રન્ટ તેમ જ નોન-ઈમિગ્રન્ટ વિઝા વિષે જાણકારી મેળવી લેવી જોઈએ. તેઓની લાયકાત મુજબ વિઝાની અરજી કરવી જોઈએ. આવું સમજદારીપૂર્વક કરતાં એમને વિઝા મેળવવામાં સફળતા મળશે અને એમના અમેરિકન સ્વપ્નાં સાકાર થશે.