ન્યારા બેનરજીએ ફિલ્મોમાં કામ કરવું છે અને તેલુગુ, હિન્દી, કન્નડ ફિલ્મોમાં કરે પણ છે પણ તે સમજી ગઈ છે કે ફિલ્મોમાં હીરોઈન તરીકે ફિલ્મો ન મળે તો લોકોની નજરે ચડી શકાતું નથી. આવા સંજોગોમાં તે ટી.વી. સિરીયલોમાં કામ કરવા તૈયાર રહે છે. ઓગસ્ટ મહિનાના પહેલાં અઠવાડિયામાં તે ‘પિશાચિની’ નામની ટી.વી. સિરીયલમાં રાની અને પિશાચિની’ની મુખ્ય ભૂમિકામાં આવશે. પોતાના ન્યારા બેનરજીના બદલે ન્યારા તરીકે ઓળખાવવા તત્પર ન્યારા તેના સેકસી લુક માટે જાણીતી છે. જોકે ન્યારાનું નામ આમ તો મધુરીમાં હતું પણ પછી ન્યારા થઈ ગઈ છે.
ન્યારાની અટક ભલે બેનરજી હોય પણ તે મુંબઈમાં જ જન્મી છે અને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધા પછી કથક શીખી હતી. એકવાર તે ગીતનું રેકોર્ડિંગ કરાવી રહી હતી ત્યારે જી.વી. ઐયર નામના જાણીતા દિગ્દર્શકે તેમને જોઈ અને ‘કાદંબરી’ નામની ટી.વી. સિરીયલમાં અભિનય માટે તૈયાર કરી. એજ દિગ્દર્શક ‘રામાયણ’ આધારીત ફિલ્મની તૈયારીમાં હતા જેમાં તેને સીતાની ભૂમિકા માટે તૈયાર રહેવા કહ્યું પણ ઐય્યરનું નિધન થતાં ન્યારાનું સીતા થવું રહી ગયું. પછી પ્રિયદર્શને તેને તક આપી અને ત્રણ ભાષાની ફિલ્મોમાં કામ કરતી થઈ ગઈ. તેણે અભિનયની કારકિર્દી ધારી જ નહોતી અને એમાં જ તે ગોઠવાય ગઈ. તેની હિન્દી ફિલ્મોમાં ‘કમાલ ધમાલ માલામાલ’, ‘ઈશ્કને ક્રેઝી કિયા રે’ અને ‘અઝહર’ છે. પણ ટી.વી. સિરીયલોમાં ‘શશશ… ફીર કોઈ હૈ’, ‘જબાન સંભાલ કે’, ‘સ્કાયફાયર’, ‘દિવ્ય દૃષ્ટિ’, ‘એક્સક્યુઝ મી મેડમ’, ‘રક્ષાબંધન : રસલ અપને ભાઈ કી ઢાલ’ છે. ‘એક્સક્યુસ થી મેડમમાં તેણે મીઠુ મેડમની ભૂમિકા ભજવેલી અને ‘રક્ષાબંધન…’ માં નેગેટિવ ભૂમિકા કરેલી. હવે ફરી પિશાચિની તરીકે મુખ્ય ભૂમિકા કરશે.
જેમ ‘નાગીન’ ખૂબ ચાલી હતી તેમ કદાચ ‘પિશાચિની’ પણ ચાલશે કારણકે તેમાં સુપરનેચરલ ડ્રામા છે જેમાં રાની પિશાચિની બની જાય છે. કલર્સ ટી.વી. ચેનલ પર રજૂ થનારી આ સિરીયલમાં જિયા શંકર, હર્ષ રાજપૂતની પણ દમદાર ભૂમિકા છે. એટલે કે ‘નાગિન-6’ સામે ‘પિશાચિની’ ટકરાશે. જો કે ન્યારા બેનરજી કહે છે કે અમારું કામ તો અભિનયનું છે અને ‘નાગીન’માં તો વારંવાર નાગીન બદલાતી રહી છે એટલે અત્યારે કશું કહેવાનો અર્થ નથી. અમે પુરી મહેનત કરી છે. ‘દિવ્ય દૃષ્ટિ’ના કારણે આ પ્રકારની સિરીયલમાં ઓળખ બની છે એટલે પ્રેક્ષકો જોશે. ભૂત, પ્રેત અને પિશાચમાં ભારતીયોને રસ હોય છે. ‘દિવ્ય દૃષ્ટિમાં ન્યારા બેનરજી પિશાચિની (સંગીતા ઘોષ) સામે લડતી હતી હવે તે સ્વયં એજ બની ગઈ છે. આ સિરીયલના 100 એપિસોડ અત્યારે નક્કી થયા છે. જો તે લોકપ્રિય બનશે તો આગળ વધારાશે.