Charchapatra

અન્યના શોષણથી થોડાનું પોષણ

વિશ્વસ્તરે સમય, અંતર અને વાસ્તવિક પરિસ્થિતિને આંબી જવાની દોડમાં આશ્ચર્યજનક રીતે બુધ્ધિ બહેર મારી જાય એ હદે વિક્રમ સર્જી જાય તેવી વ્યકિત અજોડ, અપૂર્વ બની જાય. તેની ઝડપ તથા સાધન વિશે ચર્ચા થયા વિના રહે નહીં. એવી રોકેટગતિ ભાગ્યેજ કોઇએ દર્શાવી હોય. માસ આઠ વર્ષના સમયગાળામાં અબજો નહીં, પણ રૂપિયાની સંપત્તિ પોતાના નામે એકત્રિત કરી શકનાર કોઇ ઉદ્યોગપતિ રાજા મહારાજાને પણ લજ્જિત કરી શકે. વિશ્વના ધનિકોની યાદીમાં ત્યારે ભલે છસો નવમા ક્રમે નોંધાયો હોય પણ રોકેટગતિએ દ્વિતીય ક્રમે પણ પહોંચી જાય છે.

ભલેને આગળ જતાં નીચે પછડાય, અલબત્ત તેના મિત્ર વર્તુળમાં, સહ ભાગી મિત્ર વર્તુળમાં ગંદુ રાજકારણ, સ્વાર્થી સ્વકેન્દ્રી મનોવૃત્તિ જામેલી હોય, કરોડો લોકોને રડાવી મૂકે, સમાજ અને દેશને ઝાંખવ લગાડી દે તેવાં કુકર્મોનું ફળ કે કુદરતી ન્યાય તેવાઓના પતનથી જળવાય. સોનાની લંકા ધરાવનાર લંકેશનું યે અંતે તો પતન થયાની જ કથા છે. આવી કથા અને વ્યથા ચાલતી જ રહે છે. અન્યોના શોષણથી પોષણ મેળવવાની ગંદી રમત ચાલતી રહે છે. એવી રમતમાં અસત્ય અને છેતરપિંડી અગ્ર સ્થાને રહે છે. આવી વ્યક્તિઓને રાજ સત્તા કે કાયદા કાનૂનની પરવા હોતી નથી. તેઓ તો માનતા રહે છે કે પૈસાથી બધું જ ખરીદી શકાય, બસ એમની રોકેટગતિ જળવાય.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

ખત્રી જ્ઞાતિની અટકો
અટક એટલે નામ જ્યાં અટકે તે સ્થાન..!આપણામાં નામની સાથે અટકનું ઘણું મહત્વ છે. નામ અલગ હોઈ શકે પણ અટક થી વ્યકિતને અલગ ઓળખ પ્રાપ્ત થતી હોય છે. સુરતની મુખ્ય  ખત્રી જ્ઞાતિની અટકોમાં વૈવિધ્ય છે. અટકનો ઉદ્દભવ વ્યક્તિના પૂર્વજોના ગામ, શહેર વતન, ધંધા રોજગાર, ખાનપાન અને ધાર્મિકતા સાથે જોડાયેલા છે. ખત્રી જ્ઞાતિની અટકોમાં ગામ શહેર અને દેશ વિદેશના નામ સાથે જોડાયેલી અટકોમાં ભરૂચા, બારડોલીયા, રાંદેરીયા, મઢીવાલા, માંડવીવાલા, બરોડાવાલા, ડાકોરીયા, ખંભાતી, ચાંપાનેરીયા, મહુવાગરા, દમણવાલા, મુંબઈવાલા, દિલ્લીવાલા, જયપુરવાલા, ઇંદોરવાલા, ચેવલી,મદ્રાસી,સીંગાપુરી, રંગુનવાલા, બર્માવાલા, પિનાંગવાલા, મનીલાવાલા, મસ્ક્તવાલા વિ. ભૌગોલીક અટકો આવેલી છે.

વ્યવસાય લક્ષી અટકોમાં જરીવાલા, કાપડીયા, તાણાવાલા, વાણાવાલા, લેશવાલા, બોર્ડરવાલા, લુંગીવાલા, દોરીવાલા, સુતરીયા, રંગરેજ, ડોબીવાલા, ગિલીટવાલા, રીબીનવાલા, ગોટાવાલા, લેખડીયા, પાલવવાલા, કિનારીવાલા, રાખડીવાલા, બાટલીવાલા, બાટલાવાલા, માટલીવાલા, કડીવાલા, હીરાવાલા, રૂપાવાલા, મોતીવાલા, ઝવેરી, રેશમવાલા, લોખંડવાલા, ખીલાવાલા, લાકડાવાલા, રૂમાલવાલા, દવાવાલા, વૈદ્ય, ડોકટર, પેઈન્ટર, ગજ્જર વિ. અટકો પ્રચલિત છે.

ખાનપાન પરથી અટકો દુધપાકવાલા, ઘારીવાલા, મઠાવાલા, માવાપુરી, ઘુઘરીવાલા, શીરાવાલા, ઘીવાલા, ગોળવાલા, શેરડીવાલા, રોટલીવાલા, દાળભાતવાલા, ચોરાવાલા, ગરમમસાલાવાલા,લવંગવાલા, ભાજીખાંઉ વિ. સ્વાદપ્રિય અટકો છે. ધાર્મિક નામોની અટકો મહાદેવવાલા, શિવશક્તિવાલા, કિશનવાલા, રામલક્ષ્મણવાલા, કાનુડાવાલા, જય અંબેવાલા, ભવાનીદાસવાલા, લંકાપતિ, ભાણાભગવાનવાલા, મહાત્મા, ભગતવાલા, મુરલીભગત, પંડિત વિ. ધર્મપ્રિય અટકો નામજોગ છે. અન્ય અટકોમાં બચકાણીવાલા, ખરવર, વખારીયા, ધમણવાલા, ગોનાવાલા, મશરૂવાલા અને મેઘાવાલા જેવી અનેક અટકો ખત્રી જ્ઞાતિમાં છે.
સુરત     – કિરીટ મેઘાવાલા             – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top