ડેડિયાપાડાના કુનબાર ગામની સીમમાં આવેલી વન વિભાગની નર્સરી પર વન વિભાગના કર્મીઓ ઉપર કુનબાર ગામના 30 જણાના ટોળાએ હુમલો કરી સરકારી મિલકતને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. રાઉન્ડ ફોરેસ્ટરની ફરિયાદને આધારે પોલીસે ટોળાં વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ડેડિયાપાડાના કુનબાર ગામના અમરસિંગ નવા વસાવા, હરિસિંગ નવા વસાવા, જગદીશ જયંતી વસાવા, સંજય સોમા વસાવા, પારસિંગ નવીયા વસાવા, ઘનશ્યામ વેસ્તા વસાવા, દિનેશ અમરસિંગ વસાવા, અર્જુન રમણ વસાવા, મંગુ બામણીયા વસાવા, ગણપત પારસિંગ વસાવા, વીરસિંગ નવીયા વસાવા, રાજેન્દ્ર અમરાસિંગ વસાવા, ખાનસિંગ દામજી વસાવા સહિત આશરે 30 જેટલા લોકોનું ટોળુ મારક હથિયારો સાથે સોરાપાડા રેંજની કુનબાર સેન્ટ્રલ નર્સરીમાં પ્રવેશ કરી વન ખાતાની આરક્ષિત જંગલ જમીન ખેડાણ કરવા આપો એવી માંગણી કરી હતી.
દરમિયાન ત્યાં હાજર વન કર્મીઓ સાથે ઝપાજપી કરી વનકર્મીઓને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
દરમિયાન ટોળાએ કુનબાર નર્સરીમાં ફૂલછોડ તથા વૃક્ષો પણ કાપી નાંખ્યાં હતાં અને નજીકમાં જ ઈકો ટુરિઝમ સરકારી ટેન્ટના અને સિક્યુરિટી કેબિન દરવાજા અને કાચ તથા સરકારી બાકડા તોડી 60,000 રૂપિયાની સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું. જો કે, આ ઘટના સંદર્ભે પોલીસને જાણ થતાં ડેડિયાપાડા પોલીસ તુરંત ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. આ ઘટના મામલે રાઉન્ડ ફોરેસ્ટર મગનભાઈ કેસૂરભાઈ વસાવાની ફરિયાદને આધારે ડેડિયાપાડા પોલીસે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.