સુરત: (Surat) મનપા દ્વારા સરકારના આદેશના પગલે માત્ર 14 સેન્ટર પર જ વેક્સિનેશન (Vaccination) કરવામાં આવી રહ્યું છે. જો કે, હવે શનિવારથી 28 સેન્ટર પરથી વેક્સિન આપવાનું આયોજન કરાશે. દરેક સેન્ટર પરથી 100 લોકોને વેક્સિન મુકાતી હોવાથી હવે એક દિવસમાં 2800 લોકોને વેક્સિન મુકાશે. સ્મીમેર તેમજ સિવિલ હોસ્પિટલમાં એક એક સેન્ટર (Center) વધારાયાં છે. તેમજ લિંબાયત ઝોન સિવાય તમામ ઝોનમાં પણ સેન્ટર વધારવા નિર્ણય લેવાયો છે. સુરત મનપા દ્વારા હાલમાં મંગળવાર, ગુરુવાર અને શનિવારે વેક્સિનેશન કરવામાં આવે છે. તેમજ હાલમાં 38 હજાર જેટલા હેલ્થ વર્કરોનું રસીકરણ ચાલુ કરાયું છે. અત્યાર સુધીમાં મનપા દ્વારા બે દિવસમાં 2600થી વધુ લોકોને વેક્સિન મૂકી દેવામાં આવી છે.
શહેરમાં કોરોનાનો કુલ આંક 39,000ને લગોલગ, નવા 78 કેસ
સુરત: શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. દરરોજ 100થી ઓછા પોઝિટિવ દર્દીઓ શહેરમાં નોંધાઈ રહ્યા છે. શહેરમાં નવા 78 પોઝિટિવ દર્દીઓ નોંધાવાની સાથે કુલ આંક 38,965 પર પહોંચ્યો છે. તેમજ શુક્રવારે શહેરમાં એકપણ મોત નોંધાયું ન હતું. વધુ 79 દર્દી સાજા થવાની સાથે અત્યાર સુધીમાં કુલ 37,724 દર્દી સાજા થયા છે. અને રિકવરી રેટ 96.82 ટકા પર પહોંચ્યો છે.
કયા ઝોનમાં કેટલા કેસ?
- ઝોન પોઝિટિવ દર્દી
- અઠવા 18
- રાંદેર 14
- કતારગામ 12
- વરાછા-એ 11
- વરાછા-બી 09
- સેન્ટ્રલ 08
- લિંબાયત 03
- ઉધના 03
શાળા-કોલેજમાં કોરોના ટેસ્ટિંગમાં 2 વિદ્યાર્થી-1 ક્લાર્ક પોઝિટિવ
સુરત: શહેરમાં કોરોનાનું સંક્રમણ ઓછું થતાં જ ધોરણ-10 અને 12ની શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ ઘણી કોલેજો પણ શરૂ થઈ છે. શાળા તેમજ કોલેજોમાં કોરોનાનું સંક્રમણ નહીં વધે એ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા અત્યારથી જ તકેદારી રાખવાની શરૂ દેવામાં આવી છે. જે અંતર્ગત ગુરુવારે મનપા દ્વારા વિવિધ ઝોનમાં કુલ 60 શાળામાં કોરોના ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો અન્ય સ્ટાફ કર્મચારી મળી કુલ 2575 લોકોને આવરી લેવામાં આવ્યાં હતાં. ટેસ્ટિંગ દરમ્યાન 1 ક્લાર્ક તેમજ 2 વિદ્યાર્થીઓ પોઝિટિવ મળી આવ્યા હતા. અગાઉ અનલોકમાં ધીરે ધીરે ધંધા-રોજગાર શરૂ થતાં મનપા દ્વારા વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોમાં કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો સુપર સ્પ્રેડરો ન બને એ માટે સઘન ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. હાલમાં શાળા-કોલેજો શરૂ થતાં મનપા દ્વારા ધન્વંતરી રથ મૂકી કોરોનાના ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે.
કયા ઝોનમાં કેટલી શાળામાં કેટલા ટેસ્ટ કરાયા?
- ઝોન શાળા-કોલેજ ટેસ્ટ પોઝિટિવ
- સેન્ટ્રલ 2 87 0
- વરાછા-એ 6 402 0
- વરાછા-બી 04 35 0
- રાંદેર 14 293 1
- કતારગામ 11 557 0
- ઉધના 8 623 0
- અઠવા 3 165 1
- લિંબાયત 12 413 1
- કુલ 60 2575 3