National

‘ગરીબી હટાવો’નું સૂત્ર આખરે હકીકત બન્યું, ભારતમાં ગરીબોની સંખ્યા ઘટી: દાવો

નવી દિલ્હી: વસતીના મામલામાં ચીનને પછાડી ભારત સૌથી વધુ વસતી ધરાવતો દેશ બની ગયો છે. હવે વધુ એક ડેટા બહાર આવ્યા છે, જે ભારતીયોને પસંદ પડે એવા છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં ગરીબોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેનો અર્થ એવો કે ભારતીયોની આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે. વર્ષો પહેલાં એક સરકારે ગરીબી હટાવોનું સ્લોગન ચૂંટણી પ્રચાર માટે ફરતું કર્યું હતું જે હવે દાયકાઓ બાદ સાકાર થયું હોય તેમ લાગે છે.

ભારતમાં (India) ગરીબી (Poor) ઓછી થઈ હોવાનો દાવો કોઈ ભારતીય સરકારી એજન્સીએ નહીં પરંતુ યુએન દ્વારા કરવામાં આવ્યો છે. યુએનના (UN) લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, 142.86 કરોડ લોકોની વસ્તી સાથે ચીનને પાછળ છોડીને ભારત એપ્રિલમાં વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો હતો. આ સાથે જ રિપોર્ટમાં એવો દાવો કરાયો હતો કે ભારતમાં વસ્તી ભલે વધી હોય પરંતુ ગરીબોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ભારતમાં 15 વર્ષમાં (2005-06 થી 2019-21)ના સમયગાળામાં 41.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.

સંયુક્ત રાષ્ટ્રએ મંગળવારે કહ્યું કે ભારતમાં 2005-2006થી 2019-2021 સુધીના 15 વર્ષમાં કુલ 41.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. ગ્લોબલ મલ્ટીડાયમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સ (MPI)ના લેટેસ્ટ અપડેટમાં આ દાવો કરાયો છે. તે યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) અને ઓક્સફર્ડ યુનિવર્સિટીના Oxford Poverty and Human Development Initiative (OPHI) દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. 

રિપોર્ટ અનુસાર ભારત સહિત 25 દેશોએ 15 વર્ષમાં તેમના વૈશ્વિક MPI મૂલ્યો (ગરીબી)ને સફળતાપૂર્વક અડધી કરી દીધી છે, જે આ દેશોમાં ઝડપી પ્રગતિ દર્શાવે છે. આ દેશોમાં કંબોડિયા, ચીન, કોંગો, હોન્ડુરાસ, ભારત, ઈન્ડોનેશિયા, મોરોક્કો, સર્બિયા અને વિયેતનામનો સમાવેશ થાય છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત સિવાય અન્ય ઘણા દેશોએ પણ ગરીબોની સંખ્યામાં ઘટાડો કર્યો છે. ગરીબી ઘટાડવામાં સફળતા હાંસલ કરનારા દેશોની યાદીમાં એવા 17 દેશો છે જ્યાં આ સમયગાળાની શરૂઆતમાં 25 ટકાથી ઓછા લોકો ગરીબ હતા.  ભારત અને કોંગોમાં આ સમયગાળાની શરૂઆતમાં 50 ટકાથી વધુ લોકો ગરીબ હતા. રિપોર્ટ અનુસાર ભારત એવા 19 દેશોની યાદીમાં સામેલ છે કે જેઓ 2005-2006 થી 2015-2016ના સમયગાળા દરમિયાન તેમના વૈશ્વિક બહુપરીમાણીય ગરીબી સૂચકાંક (MPI) મૂલ્યને અડધું કરવામાં સફળ રહ્યા છે.

2005-2006 માં ભારતમાં લગભગ 645 મિલિયન લોકો ગરીબીની યાદીમાં સામેલ હતા. આ સંખ્યા 2015-2016માં લગભગ 370 મિલિયન અને 2019-2021 માં ઘટીને 230 મિલિયન થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર ભારતમાં તમામ કેટેગરીમાં ગરીબીમાં ઘટાડો થયો છે. રિપોર્ટ મુજબ, ભારતમાં પોષણ સૂચકાંકો હેઠળ બહુપરીમાણીય રીતે ગરીબ અને વંચિત લોકોની સંખ્યા 2005-2006માં 44.3 ટકાથી ઘટીને 2019-2021માં 11.8 ટકા થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન બાળ મૃત્યુદર 4.5 ટકાથી ઘટીને 1.5 ટકા થયો હતો.

ભારતમાં રાંધણ ગેસથી વંચિત ગરીબોની સંખ્યા 52.9 ટકાથી ઘટીને 13.9 ટકા થઈ ગઈ છે. બીજી તરફ, જ્યાં 2005-2006માં 50.4 ટકા લોકો સ્વચ્છતાથી વંચિત હતા, ત્યાં 2019-2021માં તેમની સંખ્યા ઘટીને 11.3 ટકા થઈ ગઈ છે. પીવાના પાણીના સ્કેલ વિશે વાત કરીએ તો, આ સમયગાળા દરમિયાન ગરીબ અને વંચિત લોકોની ટકાવારી 16.4 થી ઘટીને 2.7 થઈ ગઈ છે. વીજળી વિના જીવતા લોકોની સંખ્યા 29 ટકાથી ઘટીને 2.1 ટકા અને આવાસ વિનાના ગરીબોની સંખ્યા 44.9 ટકાથી ઘટીને 13.6 ટકા થઈ છે.

Most Popular

To Top