સુરત: (Surat) સુરત શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં જે ઘોડાપૂર હતું તેમાં અચાનક ઘટાડો (Reduction) થયો છે. જેના કારણે હોસ્પિટલ તંત્રને ઘણી રાહત થઇ છે. છેલ્લા સપ્તાહથી મોતની સંખ્યા પણ ઘટી રહી છે. ત્યારે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઘટી (number of patients decreased) રહી છે. સ્મીમેર હોસ્પિટલમાં 950 બેડી પૈકીના 350 બેડ પર દર્દીઓ હાલ સારવાર લઇ રહ્યા છે. જયારે સિવિલ હોસ્પિટલમાં હાલ 1518 બેડની સામે 598 પોઝિટિવ-નેગેટિવ દર્દી તરીકે સારવાર લઇ રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, સુરત શહેરમાં કોરોનાના કહેર યથાવત રહ્યો છે. લોકોએ તેનાથી સાવચેત રહેવાની જરૂર છે. પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસમાં કોરોનાના કેસ ઓછા આવી રહ્યાં છે. જેના કારણે હોસ્પિટલ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. મનપા સંચાલિક સ્મીમેર હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓ ઓછા થઇ રહ્યાં છે. સ્મીમેર હોસ્પિટલમાં કુલ 950 બેડની વ્યવસ્થા છે. જેની સામે હાલ 350 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેના કારણે સ્મીમેર પ્લસ હોસ્પિટલના બે માળ બંધ કરી દઇ દર્દીઓને પહેલા તથા ગ્રાઉન્ડ ફલોર પર શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. નવા દર્દીઓ પણ ઓછા આવી રહ્યાં છે. પરંતુ હાલ ગંભીર દર્દીઓની સંખ્યા વધુ છે.
ગત તારીખ 5 એપ્રિલના રોજ સ્મીમેર હોસ્પિટલમાં 281 પોઝિટિવ દર્દી દાખલ હતા. જયારે નેગેટિવ દર્દી 150થી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. જેની સામે હાલ કુલ 350 દર્દીઓ પોઝિટિવ અને નેગેટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જયારે સિવિલ હોસ્પિટલમાં ગત તારીખ 5 એપ્રિલના રોજ સિવિલ હોસ્પિટલમાં પોઝિટિવ તરીકે 633 દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. જેની સામે આજે 548 દર્દીઓ પોઝિટિવ તરીકે સારવાર લઇ રહ્યા છે.
રિકવરી રેટ પણ વધીને 84.29 ટકા થઈ ગયો
શહેરમાં કોરોનાની બીજી લહેર ધીરે ધીરે શાંત થઈ રહી છે. શહેરમાં હવે પ્રતિદિન નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. શહેરમાં જે 2000 જેટલા કેસો આવતા હતા તે ઘટીને હવે 1000 ની આસપાસ થયા છે. જેથી તંત્રએ પણ હવે રાહતનો શ્વાસ લીધો છે. બુધવારે શહેરમાં કોરોનાના વધુ 1168 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જ્યારે સાજા થનારા દર્દીઓની સંખ્યા લગભગ બમણી થઈ છે. 1168 નવા દર્દીઓ સામે 2019 દર્દીઓ સાજા થયા હતા. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 97,425 પર પહોંચી છે. તેમજ વધુ 8 મોત સાથે કુલ મૃત્યુઆંક 1470 પર પહોંચ્યો છે. તેમજ શહેરમાં 2019 દર્દીઓ સાજા થવાની સાથે અત્યાર સુધીમાં કુલ 82,129 દર્દીઓ સાજા થયા છે અને રિકવરી રેટ વધીને 84.29 ટકા પર પહોંચ્યો છે.
- કયા ઝોનમાં કેટલા કેસ
- ઝોન કેસ
- સેન્ટ્રલ 82
- વરાછા-એ 95
- વરાછા-બી 99
- રાંદેર 298
- કતારગામ 132
- લિંબાયત 88
- ઉધના 89
- અઠવા 285