SURAT

રસ્તા પર થીંગડા: શું આ રીતે બનશે સુરત નંબર 1? મનપાની લીપાપોતી સમાન કામગીરીથી દુ:ખી શહેરીજનો પૂછે છે સવાલ…

વરસાદમાં ધોવાઈ ગયેલા શહેરના 62 કિલોમીટર રસ્તાનું રીપેરીંગ કામ સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા શરૂ કરાયું છે. પરંતુ અહીં પણ લીપાપોતી જ કરવામાં આવી રહી છે. જ્યાં રસ્તા કરતાં વધુ ખાડા (Pits on Surat Road’s) હોય ત્યાં ડામરનું કારપેટીંગ કરવાના બદલે થીંગડા મારવામાં આવી રહ્યાં છે. ત્યારે શહેરીજનોના મનમાં એવો સવાલ ઉભો થાય છે કે શું આ રીતે બનશે સુરત નંબર 1?

સપ્ટેમ્બરના છેલ્લાં 10 દિવસમાં સુરત શહેરમાં અતિભારે વરસાદ વરસ્યો હતો. જેના લીધે શહેરના 62 કિલોમીટરના રસ્તા ગાયબ થઈ ગયા હતા. અહીં મોટા મોટા ખાડા પડી ગયા હતા. કેટલાંક ઠેકાણે તો એટલા મોટા ખાડા પડી ગયા હતા કે તેમાં વરસાદી પાણીના ખોબોચિયાં ભરાઈ ગયા હતા. લોકોએ રસ્તે ચાલવા કે વાહનો લઈ જવા માટે ખાડા વચ્ચે રસ્તો શોધવો પડે તેવી હાલત થઈ હતી. ખાસ કરીને જૂના શહેર કોટ વિસ્તાર તથા વરાછાના રસ્તાઓની હાલત કથળી ગઈ હતી. સેન્ટ્રલ ઝોનમાં 35 કિલોમીટર રસ્તા પર ખાડા પડી ગયા હતા.

આવી જ હાલત 2016માં ખૂલ્લા મુકાયેલા અણુવ્રતદ્વાર ખાતેના ફ્લાય ઓવર બ્રિજની થઈ હતી. 64 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજ પર મોટા મોટા ગાબડાં પડી ગયા હતા. સળીયા બહાર દેખાવા લાગ્યા હતા. રસ્તાઓની બદતર હાલતના પગલે શહેરીજનોએ સોશિયલ મીડિયા પર સુરત મનપાના કાન આમળ્યા હતા, જેના લીધે તંત્ર દોડતું થયું અને છેલ્લાં 3 દિવસથી રસ્તાનું રિપેરીંગ શરૂ કર્યું છે, પરંતુ અહીં પણ તંત્ર ઢાંકપિછોડો જ કરી રહી છે.

રોજ 12 કિલોમીટર રસ્તાનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં મનપા દ્વારા 1000 મેટ્રીક ટન ડામર વાપરી નાંખવામાં આવ્યો છે. મનપાની રીપેરીંગની કામગીરી પણ જોવા જેવી છે. ખાડાઓ પર ડામર પાથરી થીંગડા મારવામાં આવી રહ્યાં છે, જેના લીધે રસ્તાની સપાટી ઊંચીનીચી થાય છે. તેથી લોકોની હેરાનગતિ યથાવત જ રહેવા પામે એમ લાગી રહ્યું છે.

ખરેખર તો મનપાએ વધારે ખાડા હોય તેવા રસ્તાઓ પર થીંગડા મારવાના બદલે ડામરનું રીકાર્પેટીંગ જ કરી દેવું જોઈએ તેવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે. લોકો પૂછે છે શું આ રીતે સુરત નંબર 1 બનશે? કદાચ આ સવાલનો જવાબ સુરત મનપાના અધિકારીઓ જ આપી શકશે.

Most Popular

To Top