National

નૂહ શોભાયાત્રાઃ કડક સુરક્ષા વચ્ચે હિંદુ સંગઠનો સાથે જોડાયેલા 51 લોકોએ કર્યો જળાભિષેક

નૂહ: (Nuh) વિશ્વ હિંદુ પરિષદ (VHP) અને બજરંગ દળ તેમજ અન્ય હિંદુ સંગઠનો દ્વારા હરિયાણાના નૂંહમાં આજે ફરીથી કાવડ (બ્રજમંડળ) યાત્રાનું આયોજન કરાયું છે. દરમ્યાન કડક પોલીસ (Police) બંદોબસ્ત વચ્ચે હિંદુ સંગઠનો સાથે વીએચપીએ 51 લોકોને સાથે રાખી જળાભિષેક કર્યો હતો. બીજી તરફ હરિયાણા સરકાર અને નૂંહ જિલ્લા પ્રશાસને શોભાયાત્રા માટે ફક્ત 11 લોકોને મંજુરી આપી છે. પોલીસ સત્તાવાળાઓ પાસે મંદિરમાં (Temple) જનાર તમામ સાધુ- સંતોની સંપૂર્ણ યાદી પોતાની પાસે રાખી છે જેઓની ઉપર નજર રાખવામાં આવી રહી છે. સાથેજ મંદિરનો દોઢ કિલોમીટરનો વિસ્તાર સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યો છે. 4 વાગ્યા સુધી બહારના લોકો સિવાય મીડિયાને પણ આગળ જવાની મંજુરી આપવામાં આવી નથી.

  • કડક સુરક્ષા વચ્ચે હિંદુ સંગઠનો સાથે જોડાયેલા 51 લોકોએ કર્યો જળાભિષેક
  • પટૌડી આશ્રમના મહામંડલેશ્વર સ્વામી ધર્મદેવ અને વિશ્વ હિન્દુ પરિષદના આલોક કુમાર રાયના નેતૃત્વમાં મંદિરમાં જળાભિષેક કરાયો
  • શોભાયાત્રા માટે ફક્ત 11 લોકોને મંજુરી અપાઈ

જો કે સોમવારે સવારે વહીવટીતંત્રે સંતો અને વિશ્વ હિન્દુ પરિષદના લોકોને નલહરેશ્વર મંદિરમાં જળાભિષેકની મંજુરી આપી હતી. જે બાદ પોલીસે મંદિર સુધી કડક બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસ ત્રણ વાહનોમાં લગભગ 51 લોકોને નલહરેશ્વર મંદિરે લઈ ગઈ હતી. પટૌડી આશ્રમના મહામંડલેશ્વર સ્વામી ધર્મદેવ અને વિશ્વ હિન્દુ પરિષદના આલોક કુમાર રાયના નેતૃત્વમાં મંદિરમાં જળાભિષેક કરાયો હતો.

પોલીસે બજરંગ દળના કાર્યકરોની અટકાયત કરી હતી
આ પહેલા બહાદુરગઢ પોલીસે નૂહમાં યોજાનારી બ્રજ મંડળ યાત્રામાં ભાગ લેવા જઈ રહેલા બજરંગ દળના કાર્યકરોની અટકાયત કરી હતી. સેક્ટર 6માં દેવી મંદિરમાં ભેગા થયા બાદ કાર્યકર્તાઓ નૂહ જઈ રહ્યા હતા. પોલીસે બે ડઝન જેટલા કાર્યકરોની અટકાયત કરી છે. જ્યારે નજફગઢ રોડ પર બાલાજી મંદિરમાં બજરંગ દળના કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી હતી. ઝજ્જર જિલ્લામાં વાતાવરણ ન બગડે તે માટે સમગ્ર જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

જલાભિષેક યાત્રા પહેલા હિન્દુ નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા. ગુરુગ્રામમાં હિન્દુ નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા. ગુરુગ્રામમાં કુલભૂષણ ભારદ્વાજના ઘરે પોલીસ તૈનાત કરાઈ હતી. સાવચેતીના પગલાં લેતા નૂહ જિલ્લા વહીવટીતંત્રે શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ અને બેંકોને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. હરિયાણા પોલીસના લગભગ 1,900 જવાનો અને અર્ધલશ્કરી દળોની 24 કંપનીઓ પણ જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે.

Most Popular

To Top