Charchapatra

પરમાણુ શસ્ત્રો અને ભયાનકતા

વિશ્વમાં આજે બે વર્ષ ઉપરાંતના સમયથી ચાલતા રશિયા-યુક્રેન યુદ્ધ તથા છ મહિનાથી ચાલતા ઈઝરાયેલ-હમાસ યુધ્ધ તથા તાજેતરમાં નવા ચાલુ થયેલા ઇઝરાયેલ-ઈરાન યુધ્ધના સમયે ચીને માત્ર એક વર્ષમાં 90 પરમાણુ શસ્ત્રો ઉમેર્યાના તથા આપણા ભારત સહિત નવ દેશો વચ્ચે પરમાણુ શસ્ત્રોને અત્યાધુનિક બનાવવાની ચાલી રહેલી હરીફાઈના સમાચાર પૂરા વિશ્વ માટે ચિંતાજનક ગણી શકાય.

સ્ટોક હોમ ઈન્ટરનેશનલ પીસ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટે (સિપરી) જણાવેલ છે કે 2100 જેટલાં પરમાણુ શસ્ત્રો બેલિસ્ટીક મિસાઈલ્સમાં હાઈ ઓપરેશનલ એલર્ટની સ્થિતિમાં છે જેમાંનાં મોટા ભાગના રશિયા કે અમેરિકાનાં છે. જો કે ચીને પહેલી વખત કેટલાંક પરમાણુ શસ્ત્રો હાઈ એલર્ટ પર રાખ્યાં હોવાનું જાણવા મળેલ છે. થિન્ક ટેન્કના જણાવ્યા મુજબ ભારત, પાકિસ્તાન અને ઉત્તર કોરીયા બેલેસ્ટીક મિસાઈલ્સ પર એક કરતાં વધારે પરમાણુ શસ્ત્રો લઈ જવાય તેવી ક્ષમતા વિકસાવી રહ્યા છે. રશિયા, ફ્રાન્સ, યુકે, યુએસ અને તાજેતરમાં ચીન આ પ્રકારની ક્ષમતા હાંસલ કરી ચૂકેલ છે.

જેના પરિણામે પરમાણુ શસ્ત્રો ગોઠવવાની ક્ષમતામાં પણ નોંધપાત્ર વધારો થયેલ છે. આમ પરમાણુ શસ્ત્રસજ્જ દેશો તેનો ઉપયોગ બીજાને ધમકી આપવા માટે પણ કરી શકે છે. વિશ્વના મોટા ભાગના (લગભગ 90 ટકા) પરમાણુ શસ્ત્રોનો વિશાળ જથ્થો માત્ર અમેરિકા અને રશિયા ધરાવે છે. આ પરમાણુ શસ્ત્રોમાં માત્ર એક અણુબોમ્બ પડે તો જાપાનના નાગાશાકી-હિરોશીમાની જે જાન-માલની ચિંતાજનક સ્થિતિ ભૂતકાળમાં પેદા થઈ હતી તેવી સ્થિતિ વિશ્વના કોઈ દેશની આજે ન થાય તે માટે યુનોએ વિના વિલંબે આ ગંભીર બાબતે જરૂરી નિર્ણય લેવાની જરૂર છે.

યુનોએ આ બાબતે જરૂર લાગે તો ‘વસુધૈવ કુટુમ્બકમ્’માં માનતા આપણા ભારતની તેમજ વિશ્વના નેતાઓને જેમની સમજાવટની નોંધપાત્ર આવડત છે તેવા દેશના અણથક, કર્મઠ અને નિર્ણાયક વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મદદ વિશ્વના હિતમાં સત્વરે લેવાની જરૂર છે. વિશ્વમાં હાલ ચાલતાં ઉપરોક્ત ત્રણેય યુદ્ધો પણ સત્વરે અટકાવવાની યુનોએ હવે જરૂર છે.
અમદાવાદ         – પ્રવીણ રાઠોડ     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના

Most Popular

To Top