Charchapatra

અણુ વિદ્યુત મથકો માણસ જાત માટે વાઘની સવારી જેવા પુરવાર થઇ રહ્યાં છે

વીજળી આજકાલ માણસની એક આવશ્યક જરૂરિયાત બની ગઇ છે. આ વિશ્વમાં એવા ઘણા ઓછા સ્થળો આજે હશે જ્યાં વિદ્યુતનું નેટવર્ક પહોંચ્યું નહીં હોય. આપણા રોજબરોજના જીવનમાં વિજળીથી ચાલતા સાધનોનો વપરાશ એટલો બધો વધી ગયો છે કે વિજળી વિનાના જીવનની કલ્પના કરવાનું પણ હવે મુશ્કેલ જણાય છે ત્યારે આ વિજળીનું મોટા પાયે ઉત્પાદન કરવું પણ આજે એક પડકારરૂપ કાર્ય બની રહ્યું છે.

Aerial Power Sunset times

કોલસા વડે ટર્બાઇનો ચલાવીને પરંપરાગત રીતે વિજળી ઉત્પન્ન કરવાનું મોંઘુ બનવાની સાથે તેનાથી પ્રદૂષણ પણ વધતું જણાયું અને પછી જળ વિદ્યુત મથકોનું ચલણ પણ વધતું ગયું, જળ વિદ્યુત મથકો પ્રદૂષણ તો સર્જતા નથી પરંતુ મોટા બંધો અનેક રીતે જોખમ કારક જણાઇ રહ્યા છે.

જળ વિદ્યુતની સાથો સાથ કેટલાયે વર્ષોથી અણુ વિદ્યુત મથકોનું ચલણ પણ વધ્યું પરંતુ આ અણુ વિજળી મથકોના જોખમો અંગે નિષ્ણાતો પહેલાથી જ ચેતવણીઓ ઉચ્ચારતા આવ્યા છે અને આ ચેતવણીઓ વખતો વખત સાચી પણ પુરવાર થતી જણાઇ છે. રશિયાની ચેર્નોબિલ દુર્ઘટનાએ કેવા ભયંકર સંજોગો સર્જ્યા હતા તે યાદ કરતા આજે પણ ધ્રુજી જવાય છે.

આના પછી જાપાનના ફુકુશીમા અણુ વિજળી મથકમાં ૨૦૧૧ના ભયાનક ધરતીકંપ વખતે જે નુકસાન થયું તે નુકસાનની અસરો હજી પણ ચાલુ છે ત્યારે આ જ મહિનામાં થયેલા ભૂકંપે આ અણુ મથકને ફરીથી નુકસાન કર્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે અને તે અણુ વિજળી મથકોના જોખમની ચર્ચાઓને ફરી વેગ આપે છે.

હાલમાં જાપાનના ફુકુશીમા તથા અન્ય વિસ્તારોમાં થયેલા શક્તિશાળી ભૂકંપથી ફુકુશીમા અણુ પ્લાન્ટને નુકસાન થયું હોવાના સ્પષ્ટ સંકેતો મળ્યા છે કારણ કે તેના બે રિએકટરોમાં પાણીનું સ્તર ઘટી ગયું છે અને આ પાણી લીક થઇ રહ્યું હોવાનું જણાય છે.

૧૩મી ફેબ્રુઆરીએ થયેલા ૭.૩ના ધરતીકંપથી આ અણુ મથકને નુકસાન થયું હોવાની ચિંતાઓ સેવાતી જ હતી અને તે ચિંતાઓ સાચી પડતી જણાય છે. ટોકિયો ઇલેકટ્રીક પાવર કોર્પોરેશનના એક પ્રવકતાએ જણાવ્યું હતું કે યુનિટ ૧ અને ૩ના રિએકટરોમાં પાણીના સ્તરમાં થયેલા ઘટાડો એ સંકેત આપે છે કે આ પ્લાન્ટની પ્રાઇમરી કન્ટેઇમેન્ટ ચેમ્બરોના નુકસાનમાં વધારો થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૧ના ભયંકર ૯.૧ના ધરતીકંપ વખતે આ પ્લાન્ટને મોટું નુકસાન થયું હતું અને તેમાંનું ઘણુ નુકસાન હજી સમારી શકાયું નથી અને કૂલીંગ માટેનું પાણી ત્યાંથી હજી ગળી રહ્યું છે અને આ પાણીની ઘટ પુરવા અને રિએકટરોમાંની કૂલીંગ સિસ્ટમ ચાલુ રાખવા વધુ પાણીનું પમ્પીંગ કરવું પડે છે જેમાં હવે બે રિએકટરોમાં જળ સ્તર ઘટી જતાં લાગે છે કે નવેસરથી નુકસાન થયું છે અને આ નુકસાનથી આ પ્લાન્ટનું વિસર્જન કરવાની ગુંચવાડાભરી પ્રક્રિયા વધુ મુશ્કેલ બનશે, જે પ્રક્રિયા પુરી થતાં દાયકાઓ લાગવાની શક્યતા છે.

સ્પષ્ટ રીતે જાપાન હવે આ અણુ મથકનું વિસર્જન કરી નાખવા માગે છે તે તેના જોખમોને કારણે જ, પરંતુ તેના વિસર્જનની પ્રક્રિયા પણ સરળ નહીં હોય અને આ અણુમથકનું વિસર્જન થતા દાયકાઓ લાગશે એમ કહેવાય છે તેના પરથી સમજાઇ શકાય છે કે અણુ વિજળી મથક બાંધવું એ વાઘ પર સવારી કરવા જેવું છે. સમય જતાં વાઘ પરથી ઉતરવાનું ખૂબ મુશ્કેલ બને છે.

અણુ વિજળી મથક દ્વારા ઉત્પન્ન થતી વિજળી શરૂઆતમાં સસ્તી અને બિનપ્રદૂષણકારી લાગે છે પરંતુ લાંબા ગાળા માટે તે ખૂબ મોંઘી પુરવાર થઇ શકે છે. ભારતમાં પણ કેટલાક અણુ વિજળી મથકો બંધાયા છે, એક તો આપણી ખૂબ નજીક કાકરાપારમાં જ છે, ત્યારે આપણે પણ આ વિજળી મથકો અંગે વિચાર કરવો જોઇએ.

વિજળી હવે આપણી રોજીંદી જરૂરિયાતની વસ્તુ બની ગઇ છે અને આપણે ઉપર જોયા તેવા તેના ઉત્પાદનના પ્રકારોમાં નુકસાનો કે જોખમો છે ત્યારે વિજળી ઉત્પન્ન કરવાના વૈકલ્પિક ઉપાયો અંગે વ્યાપક વિચારણા થવી જોઇએ.

પવન ચક્કીઓથી વિજળી હવાનું પ્રદૂષણ તો કરતી નથી પરંતુ તેનાથી ધ્વની પ્રદુષણ તો થાય જ છે કારણ કે પવન ચક્કીઓ ઘણો અવાજ કરે છે, વળી મોટા પાયે વિજળી ઉત્પાદન માટે આ ઉપાય વ્યવહારુ પણ જણાતો નથી કારણ કે વિન્ડ ફાર્મોને ઘણી જગ્યા જોઇએ છે.

સૌર વિજળી એક સસ્તો અને બિનપ્રદૂષણકારી ઉપાય છે, જો કે તેમાં પણ કેટલીક વ્યવહારુ મુશ્કેલીઓ છે જ, પરંતુ મબલખ સૂર્ય પ્રકાશ મેળવતા આપણા ભારત જેવા દેશોમાં તો રૂફ ટોપ પર સૌર પેનલો મૂકીને વધુ પ્રમાણમાં સોલાર પાવર ઉત્પન્ન કરી શકાય છે.

આ વિજળીને વધુ પ્રોત્સાહન આપવા સરકારે પ્રયાસો કરવા જ જોઇએ. મોટા જળ બંધોને બદલે અનેક સ્થળે નાના જળ બંધો બાંધીને મર્યાદિત પ્રમાણમાં સ્થાનિક સ્તરે જળ વિદ્યુત ઉત્પન્ન કરવાની દિશામાં પણ વિચારી શકાય. વિજળીના ઉત્પાદનના વૈકલ્પિક અને સલામત માર્ગો વધુ પ્રમાણમાં શોધવાનો સમય હવે આવી ગયો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top