World

પરમાણુ મિસાઇલ, સી ડ્રોન અને ફાઇટર જેટઃ પાવર પરેડમાં દુનિયા સમક્ષ ચીનનું શક્તિ પ્રદર્શન

બીજા વિશ્વયુદ્ધ સમાપ્તિને 80 વર્ષ પુરાં થતાં ચીને બુધવારે પોતાની લશ્કરી શક્તિનું ભવ્ય પ્રદર્શન કર્યું હતું. રાજધાની બેઇજિંગમાં યોજાયેલી આ પરેડનું નેતૃત્વ રાષ્ટ્રપતિ શી જિનપિંગે કર્યું હતું. આ પ્રસંગે અનેક વિદેશી નેતાઓ હાજર રહ્યા હતા. પરેડમાં પહેલી વાર અનેક નવા શસ્ત્રો, મિસાઇલો, ફાઇટર જેટ અને ડ્રોન રજૂ કરવામાં આવ્યા. જેને કારણે આખી દુનિયાનું ધ્યાન ચીન તરફ ખેંચાયું હતું.

પરમાણુ અને બેલિસ્ટિક મિસાઇલોનું પ્રદર્શન
આ પરેડમાં JL-1 પરમાણુ મિસાઇલ અને DF-5C ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલો મુખ્ય આકર્ષણ બની. DF-5Cની રેન્જ 13,000 કિમીથી વધુ છે અને તે એક સાથે 10 અલગ-અલગ લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. આ ઉપરાંત CJ-1000 હાઇપરસોનિક ક્રુઝ મિસાઇલ અને HQ-29 એન્ટિ-બેલિસ્ટિક મિસાઇલ પણ પ્રદર્શિત થઈ. HQ-29 અવકાશમાં બેલિસ્ટિક મિસાઇલ અને ઉપગ્રહોને નિશાન બનાવી શકે છે. જે ચીનની મિસાઇલ રક્ષણ પ્રણાલી માટે મહત્વપૂર્ણ છે.

નૌકાદળ અને વાયુસેનાની તાકાત
ચીનના નૌકાદળ અને વાયુસેનાના નવા આધુનિક શસ્ત્રો પણ પરેડમાં દેખાયા હતા. J-35 અને J-15T જેવા કેરિયર આધારિત સ્ટીલ્થ ફાઇટર જેટ પહેલીવાર જોવા મળ્યા. J-35ને ચીનનું સૌથી આધુનિક ફાઇટર ગણાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત H-6J લાંબા અંતરનું બોમ્બર પણ રજૂ થયું. જે એન્ટી-શિપ મિસાઇલોથી સજ્જ છે.

ટ્રાન્સપોર્ટ માટે Y-20A અને Y-20B એરક્રાફ્ટનો પણ પ્રદર્શન થયો. જેમાં Y-20B ચીનના પોતાના એન્જિન સાથે આવ્યું છે. સાથે જ KJ-600 નામનું કેરિયર આધારિત AWACS એરક્રાફ્ટ પણ પહેલીવાર રજૂ થયું. જે 1,200 કિમી સુધીનું નિરીક્ષણ કરી શકે છે.

એઆઈ આધારિત ડ્રોન અને માનવરહિત સિસ્ટમો
આ પરેડનું વિશેષ આકર્ષણ એઆઈથી સજ્જ ડ્રોન અને માનવરહિત વાહનો રહ્યા છે. આ ડ્રોન સ્ટીલ્થ હુમલાઓ કરી શકે છે. તેમજ વિશાળ વિસ્તારોનું નિરીક્ષણ પણ કરી શકે છે અને ટોળામાં સ્વચાલિત રીતે કામ કરી શકે છે. જહાજજન્ય હેલિકોપ્ટર, રિકોનિસન્સ ડ્રોન અને આર્મી માટે માનવરહિત વાહનો પણ જોવા મળ્યા હતા. જે ખાણો સાફ કરવાથી લઈને દારૂગોળો પહોંચાડવા જેવા કામ કરી શકે છે.

ટેન્ક અને રોકેટ લોન્ચર્સ
ચીને નવું ટાઈપ 99B ટેન્ક પણ પ્રદર્શિત કર્યું. જે 125mm તોપ અને લેસર ડિફેન્સ સિસ્ટમથી સજ્જ છે. આ ટેન્ક તિબેટ જેવા ઊંચાઈવાળા વિસ્તારોમાં ઉપયોગી છે. PHL-16 રોકેટ લોન્ચર પણ રજૂ થયું. જેને અમેરિકાની HIMARS સિસ્ટમ જેવી ગણવામાં આવે છે.

ચીનની આ પાવર પરેડે એ સાબિત કર્યું કે તે જમીન, સમુદ્ર અને હવામાં લશ્કરી તાકાતના નવા સ્તર પર પહોંચી ચૂક્યું છે.

Most Popular

To Top