Vadodara

કરમસદ ભાઇકાકા યુનિવર્સિટીના NSS કેમ્પનો આસી ગામમાં પ્રારંભ

આણંદ તા.7
કરમસદની ભાઇકાકા યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત પેટલાદના આશી ગામમાં 5મીથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ભાઇકાકા યુનિવર્સિટી સંચાલિત કે.એમ. પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફિઝિયોથેરાપી, ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ સાયન્સીસ, એલપી પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ લેબ ટેકનોલોજી અને કેમ ઇન્સ્ટિટ્યુટ ઓફ એલાઇડ હેલ્થ સાયન્સિસ એન્ડ ટેકનોલોજીના એનએસએસના સો સ્વયંસેવકો આ શિબિરમાં ભાગ લઇ રહ્યાં છે.
કરમસદ ભાઇકાકા યુનિવર્સિટીની રાષ્ટ્રીય સેવા યોજનાના આશી ગામના કેમ્પના પ્રારંભ પ્રસંગે પ્રોવોસ્ટ ડો. ઉત્પલા ખારોડે જણાવ્યું હતું કે, આશી ગામમાં બે વર્ષ અગાઉ આ પ્રકારની શિબિર યોજાઇ હતી. જેમાં ગામના લોકોના તથા આગેવાનોનો ખૂબ સહકાર સાંપડ્યો હતો. જેના લીધે આ બીજો એનએસએસ કેમ્પ અહીં યોજાઇ રહ્યો છે. જે દરમિયાન ગામના લોકોને વિવિધ રીતે મદદરૂપ થઇ શકે તેના માટે આ શિબિરનું સમગ્ર સંચાલન ડો. સોનલબહેન ચિત્રોડા, એનએસએસ કો-ઓર્ડિનેટરના માર્ગદર્શન હેઠળ તથા યુનિવર્સિટી સંચાલિત સંસ્થાઓના એનએસએસ પ્રોગ્રામ ઓફિસરના સહયોગથી તઇ રહ્યું છે. જેમાં વિશેષ કરીને ઓર્ગન ડોનેશન, બ્લડ ડોનેશન, સજીવ ખેતી, માનસિક સ્વાસ્થ્ય વગેરે પર જાગૃતતા કેળવવામાં આવશે. આ ઉપરાંત સામાજિક પ્રશ્નો જેવા કે સાયબર ક્રાઇમ, ટ્રાફિક સમસ્યા વગેરે વિશે પણ જાણકારી આપવામાં આવશે.
આ શિબિરના પ્રારંભ પ્રસંગે આશી ગામના અગ્રણી મુકેશભાઈ પટેલ, સરપંચ અલ્પેશભાઈ ઠાકોર, અતિથિ વિશેષ તરીકે ડેપ્યુટી સરપંચ જયંતીભાઈ ભુવાજી, દૂધ મંડળીના ચેરમેન ચરણભાઈ રબારી, સેક્રેટરી મનહરભાઇ ઠાકોર વિગેરે હાજર રહ્યાં હતાં અને શિબિરને સફળ બનાવવા ગામ તરફથી સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી.

Most Popular

To Top