Dakshin Gujarat

સુરતથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા NRI યુવકનું રાજપીપળા નજીક અકસ્માતમાં મોત, સુરતના બે ડોક્ટર ઘવાયા

રાજપીપળા, સુરત : સુરતથી (Surat) સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity) આવી રહેલી મુસાફરોની એક મીનીબસનો (Mini Bus) રાજપીપળા (Rajpipla) નજીક ટ્રક સાથે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવાનનું મોત નિપજ્યું હતું જ્યારે 14 મુસાફરો ઘાયલ થયા તમામને સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતને પગલે ઘટનાસ્થળ પર પોલીસની ટીમ દોડી આવી હતી. વધુ મળતી માહિતી અનુસાર આ બનાવમાં ચિત્રાંગ દેસાઇ નામના યુવાનનું મોત થયું છે તે હજી ગઇકાલે જ અમેરિકાથી આવ્યો હતો. આ ઉપરાંત અકસ્માતમાં એનેસ્થેસ્ટિસ્ટ સમીર દેસાઇ અને મીરા દેસાઇ નામની યુવતીને પણ ઇજા પહોંચી છે.

સુરતથી જીજે 27 એકસ 8800 નંબરની મીનીબસ મુસાફરોને લઈને કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવવા નીકળી હતી.દરમિયાન નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાનાં કરજણ બ્રિજનાં સામેના છેડે ઉભેલી ટ્રક નંબર એમએચ 18 બીજી 4267 માં પૂરપાટ ઝડપે આવી રહેલી મીનીબસ પાછળથી ઘૂસી ગઈ હતી.

આ ગમખ્વાર અકસ્માતમાં મીની બસની ડ્રાઈવર સાઈડનાં ભુક્કા બોલી ગયા હતા.જ્યારે ધડાકાભેર અથડાયેલી આ બસમાં બેઠેલા લોકો પૈકી 14 લોકોને ગંભીર ઈજાઓ થતા તેમને તાત્કાલિક 108 મારફતે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.જ્યાં બસનાં ચાલકને વધુ ગંભીર ઇજા હોવાનું જાણવા મળ્યું છે.

જોકે જાણવા મળ્યા મુજબ આ બસમાં આવતા લોકો સુરતથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.ઘટનાની જાણ થતા જ રાજપીપળા ટાઉન પીઆઈ ચૌધરી સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા બાદ ટ્રાફિક હળવો કરવા ક્રેઇન બોલાવી ટ્રક અને બસને ત્યાંથી હટાવવા કાર્યવાહી કરી હતી.

રાજપીપળા સિવિલમાં સારવાર હેઠળ રખાયેલા 14 દર્દીઓ પૈકી એક ચિત્રાંગ દેસાઈ નામના યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. તમામ ઇજાગ્રસ્તોને મોડી રાત્રે સુરતની મહાવીર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

Most Popular

To Top