Madhya Gujarat

માતરના સોખડા ગામે આવેલો NRI યુવક કોરોના પોઝીટીવ

નડિયાદ,: ખેડા જિલ્લામાં કોરોનાના પ્રથમ કેસની એન્ટ્રી થઈ છે. સંભવિત કોરોનાની ચોથી લહેરથી બચવા સરકારે એક તરફ તૈયારીઓ આરંભી દીધી છે, તેવામાં યુગાન્ડાથી આવતા યુવકને કોરોના પોઝીટીવ નોંધાતા લોકો વધુ ભયમાં મુકાયા છે. યુવકને કોરોનાના સામાન્ય લક્ષણ હોવાથી હાલ હોમઆઈસોલેશનમાં સારવાર હેઠળ રખાયો છે. કોરોનાની સંભવિત ચોથી લહેરના એંધાણ વચ્ચે ફરી એકવાર કોરોના કેસોની શરૂઆત થઈ છે. ખેડા જિલ્લામાં આજે પહેલો કેસ વિદેશથી આવેલા 21 વર્ષિય યુવકનો નોંધાયો છે. યુગાન્ડાથી આવેલો માતરના સોખડા ગામનો યુવક અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા, ત્યાં તેનું કોરોના પરીક્ષણ કરાયુ હતુ. આ પરીક્ષણમાં તે પોઝીટીવ હોવાનું સામે આવ્યુ હતુ.

જો કે, કોરોનાના કોઈ નવા વેરીયન્ટ યુવકના RTPCR ટેસ્ટ અને ઝીનોમ ટેસ્ટમાં મળ્યા નથી. જેથી કોરોનાના સામાન્ય લક્ષણો હોવાથી યુવકને સોખડા ગામમાં તેના આવાસ પર હોમ આઈસોલેશનમાં મૂકવામાં આવ્યો છે. ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, તેવા સમયે ભારતમાં પણ કોરોનાનો નવો વેરીયન્ટ આવે અને ચોથી લહેરનો અજગરી ભરડો શરૂ થાય તેવી વકી છે. ત્યારે આ વચ્ચે સરકાર દ્વારા તાત્કાલિક અગમચેતીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્રને સૂચનો કરી મોકડ્રીલનું આયોજન કરી કોરોના સામેની તૈયારીઓ ચકાસવા આદેશ કરાયા છે. જેના ભાગરૂપે ખેડા જિલ્લા પ્રશાસને પણ મોટા પાયે મોકડ્રીલનું આયોજન કરી તે દિશામાં કામગીરી આરંભી છે.

ખેડા જિલ્લામાં 81 દિવસ બાદ કોરોના કેસ
ખેડા જિલ્લામાં છેલ્લા 5 ઓક્ટોબરના રોજ કોરોનાનું દર્દી મળ્યુ હતુ, ત્યારબાદ આજે જિલ્લામાં નવો કેસ નોંધાતા 81 દિવસ બાદ કોરોના કેસ સામે આવ્યો છે. આ સંદર્ભે હવે લોકોને સાવચેત રહી સરકારી ગાઈડલાઈનનું પાલન કરવા આદેશ કરાયો છે.
2 દિવસ લેવાયા 859 સેમ્પલ સામે 0 કેસ
ખેડા જિલ્લામાં 26 અને 27 ડિસેમ્બરે કુલ મળી 859 સેમ્પલો લીધા છે. જો કે, જિલ્લાના આ સેમ્પલો પૈકી એક પણ સેમ્પલ પોઝીટીવ આવ્યુ નથી. આજે વધુ 482 કોરોના પરીક્ષણ કરાયા છે. તો ગયા મહિને સરેરાશ 200થી 250 જેટલા કોરોના પરીક્ષણ થતા હતા, તેમાં બમણો વધારો કરી દેવાયો છે.

Most Popular

To Top