આણંદ : આણંદના વતની અને વરસોથી લંડન સ્થાયી થયેલા મહિલાનું બાકરોલ ખાતે 57.56 લાખનું મકાન આવેલું છે. એનઆરઆઈ મહિલાને અન્ય મિલકત ખરીદવા મોરગેજ લોનની જરૂર હોવાથી ઓડના શખસે મદદ કરવાના બહાને પ્રથમ પાવર ઓફ એટર્ની લખાવી લીધી હતી. બાદમાં તેનો ઉપયોગ કરી બાકરોલનું મકાન બારોબાર વેચી દીધું હતું. આ અંગે મહિલાને જાણ થતાં તેઓએ વિદ્યાનગર પોલીસમાં એક વર્ષ પહેલા ત્રણ શખસ સામે છેતરપિંડીની ફરિયાદ આપી હતી. બાદમાં જરૂરી પ્રક્રિયા બાદ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ત્રણેય સામે ફરિયાદ આપતાં પોલીસે વધુ એક ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
બાકરોલની શ્રીજી સ્થાપના ખાતે રહેતા પન્નાબહેન હિતેશભાઈ શર્મા (ઉ.વ.46) તેમના ત્રણ બાળકો સાથે લંડન સ્થાયી થયાં છે. તેમના પતિ હિતેશભાઈ આફ્રિકાના કાંગો શહેરમાં વેપાર કરે છે. આ પરિવાર અવાર નવાર વતન બાકરોલ આવતા રહે છે. દરમિયાનમાં વર્ષ 2011માં મારૂતી શંશ્રય સુર્યવીલા પાછળ મકાન નં.1 અને 2 રૂ.57.56 લાખમાં મહુધાના શખસ પાસેથી ખરીદ્યું હતું. પન્નાબહેન તેમના પતિ સાથે 2019માં બાકરોલ મુકામે આવેલા અને તે વખતે ભવિષ્યના રોકાણ માટે એક મિલકત ખરીદવાની ઈચ્છા હતી.
આથી, રૂ.57.56 લાખનું મકાન મોર્ગેજ કરી તેના પર લોન લઇ બીજી મિલકત ખરીદવાનું આયોજન કર્યું હતું. જોકે, પરિવાર વિદેશમાં રહેતું હોવાથી બેંકો તરફથી યોગ્ય સહકાર મળ્યો નહતો. આ સમય દરમિયાન મૌલીકકુમાર મહેન્દ્રભાઈ દરજી (રહે.બજાર પાસે, ઓડ)એ સંપર્ક કરેલો અને લોન મેળવવા માટે તેમજ મિલકત મોર્ગેજ કરવા માટે મદદ કરવાનું જણાવ્યું હતું. આ સમયે કથીત બેન્ક ઓફ ઇન્ડીયાના મેનેજર કેતન પટેલ નામના માણસ સાથે વાતચીત કરાવી હતી. મૌલીક થોડા દિવસ બાદ પન્નાબહેન પાસે ગયો હતો અને લોન મેળવવા કેટલાક દસ્તાવેજો તૈયાર કરવાના છે, જે અંગેની કાર્યવાહી ખુબ જ લંબાણપૂર્વક છે. તમે વિદેશમાં રહેતા હોવાથી પહોંચી નહીં શકો. આથી, તમારી મિલકત અંગેનો પાવર ઓફ એટર્ની કરી આપો. તેમ કહ્યું હતું. આથી, વિશ્વાસ મુકી પન્નાબહેને તાત્કાલીક લંડન જવાનું હોવાથી 28મી મે, 2019ના રોજ પાવર ઓફ એટર્ની કરી આપ્યો હતો.
આ પાવર ઓફ એટર્નીના ત્રણ મહિના બાદ 19મી ઓગષ્ટ,2019ના રોજ મૌલીકે પન્નાબહેનના એકાઉન્ટમાં રૂ.40 લાખ જમા કરાવ્યાં હતાં. આ રકમ લોન પેટે મંજુર થયા છે, તમે આ રકમ તમારા એકાઉન્ટમાંથી ઉપાડી શકો છો. તેમ કહ્યું હતું. જોકે, શંકા આધારે તપાસ કરતાં આ રકમ બેન્કે જમા કરાવી નહતી. આથી, પન્નાબહેને પુછપરછ કરતાં મૌલીક અકળાઇ ગયો હતો અને પૈસાથી મતલબ રાખો ક્યાંથી પૈસા આવ્યાં ?
તે તમારે જોવાનું જરૂર નથી. તેમ કહેતા પન્નાબહેને નાણા લેવાની ના પાડી હતી. આખરે મૌલીકે 40 લાખ રૂપિયામાંથી 30 લાખ રૂપિયા મયુરકુમાર કા. પટેલના ખાતામાં અને રૂ.10 લાખ બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાં તા.20મી ઓગષ્ટ, 19ના રોજ જમા કરાવી લીધા હતા. જોકે, પન્નાબહેનને વિશ્વાસ ન આવતા તેઓએ લોન અંગેની પ્રક્રિયા અટકાવી દેવા જણાવ્યું હતું અને પાવર ઓફ એટર્ની પરત કરવા તાકીદ કરી હતી. આ વાતચીત બાદ મૌલિક ભુગર્ભમાં ઉતરી ગયો હતો અને મોબાઇલ પર સ્વીચ ઓફ કરી દીધો હતો.
આ ઘટનાના થોડા મહિના બાદ માર્ચ 2020માં પન્નાબહેનના સંબંધીએ ફોન કરી તમારું બાકરોલનું મકાન પાવર ઓફ એટર્ની હોલ્ડરે કોઇ વ્યક્તિને વેચી દીધું છે. આ વાતની જાણ થતાં પન્નાબહેન તુરંત બાકરોલ આવી પહોંચ્યાં હતાં અને મકાનમાં તપાસ કરતાં બીજા કોઇનો સામાન પડ્યો હતો. આથી, રેવન્યુ રેકર્ડમાં તપાસ કરતાં મૌલીકે પાવર ઓફ એટર્ની હોલ્ડર તરીકે આ મિલકત દિવ્યેશ રમણભાઈ પટેલને રૂ.57.56 લાખમાં વેચાણ આપી દીધું હતું. વેચાણ પેટે રોકડા રૂ.14,98,440 અને બાકીની રકમ છ જુદી જુદી રકમના ચેકો પોતાના નામે લઇ લીધાં હતાં.
આમ પાવર ઓફ એટર્ની હોલ્ડર તરીકે મૌલીકે અડધા કરોડનું મકાન બારોબાર તેમિત્રને આપી દીધું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ દસ્તાવેજમાં સલમાન ઉસ્માન વ્હોરા (રહે. બાકરોલ)એ દસ્તાવેજમાં સહી કરી હતી. મૌલીકે લોન અપાવવાના બહાને પાવર ઓફ એટર્ની મેળવી મિલકતનો બારોબાર સોદો કર્યો હતો. એનઆરઆઈની અડધા કરોડનો બંગલો પચાવી પાડ્યો હતો. આ કેસમાં વિદ્યાનગર પોલીસે મૌલીક મહેન્દ્ર દરજી (રહે. ઓડ), દિવ્યેશ રમણ પટેલ (રહે.101, એક્મે એન્કલેવ, મુંબઇ) અને સલમાન ઉસ્માન વ્હોરા (રહે. બાકરોલ) વિરૂદ્ધ લેનત્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.