દિકરી માટે NRI મુરતિયો શોધો છો..? તો આટલું જાણી લો.. વિચાર માંડી વાળશો..

આપણે ત્યાં દીકરીને (Daughter) ફોરેનનો મુરતિયો મળે એવી ઈચ્છા 90% માબાપને હોય છે પરંતુ પરદેશના મુરતિયાના“લખ્ખણ” જાણ્યા બાદ તેઓ બોલતા થઈ જાય છે કે ભારતના ભિખારી સાથે દીકરીને પરણાવજો પણ વિદેશી સાથે વળાવશો નહીં. મહિલા આયોગના એક આંકડા અનુસાર NRI યુવક સાથે લગ્ન કર્યા બાદ 20000 યુવતીઓએ હનીમૂન બાદ પતિને જોયો જ નથી. એનઆરઆઈ (NRI) સાથે પરણેલી (Marriage) યુવતી દર આઠ કલાકે મદદ માટે ઘરે ફોન કરે છે. જાન્યુઆરી 2015 થી નવેમ્બર 2017 સુધીમાં 3328 આવી ફરિયાદો મળી છે. આમાં સૌથી વધુ મહિલાઓ પંજાબની, પછી આંધ્ર તેલંગાણાની અને ત્રીજો ક્રમ ગુજરાતની યુવતીઓનો આવે છે. દીકરી વહાલનો દરિયો કહેવાય છે એથી સાસરામાં તે આજીવન સુખી રહે એવું દરેક માબાપ ઈચ્છતાં હોય છે. એ કારણે જૂઠી વાતો કરી પરણી ગયેલો મુરતિયો પછીથી અનેક પ્રોબ્લેમ ઊભા કરે છે ત્યારે માવતર દુ:ખી દુ:ખી થઈ જાય છે. દિનપ્રતિદિન વધતી જતી આ સમસ્યાને કારણે ભારત સરકારના વિદેશ મંત્રાલયે (Ministry of Foreign Affairs) પણ એવી જાહેરાત કરવી પડી છે કે ભારતમાં લગ્ન કરીને કન્યાને પરદેશ લઈ જતા જમાઈરાજાઓ ખોટું કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમનો ફોટો વેબસાઈટ પર મૂકી બધી સાચી વિગતો જાહેર કરવામાં આવશે.

ભારતીયોને ડોલર, પાઉન્ડનું જબરું આકર્ષણ હોય છે. વિદેશમાં પરણેલી દીકરી તેના NRI પતિ સાથે ભારતમાં આવે છે ત્યારે આખો મહોલ્લો તેમની સુખસાહ્યબી જોઈ અંજાઈ જાય છે. ઘણાંની ગણતરી એવી પણ હોય છે કે દીકરી બહાર જાય તો તેની પાછળ કુટુંબના અન્ય સભ્યોને પણ બહાર મોકલી શકાય. એક અનુભવી મેરેજ કન્સલ્ટન્ટ કહે છે: મોટાભાગના લોકો ભારત આવેલા કોઈ મુરતિયાના ગળામાં લટકતી સોનાની ચેન કે સોનાની લકી વગેરે જોઈ અંજાઈ જાય છે અને કોઈ ને કોઈ રીતે તેને પોતાનો જમાઈ બનાવવા પ્રયાસો ચાલુ કરી દે છે.

એક યુવતીના લગ્ન મૂળ અમદાવાદના જુહુપુરાના (અને સ્વીડનમાં રહેતા) એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ સ્વીડન ગયેલી યુવતીને જાણવા મળ્યું કે એક સાવ સાધારણ બેકરીમાં કામ કરતા એના પતિએ ત્યાં બીજી અનેક યુવતીઓ સાથે સંબંધો રાખ્યા હતા. યુવતી મુંઝાઈ ગઈ પણ ત્યાં તેનો બીજો કોઈ સહારો ન હતો. ત્યાર બાદ પતિ તેની માતા બીમાર છે એવું જણાવી ઈન્ડિયા આવ્યો અને પત્નીને પિયરમાં છોડીને સ્વીડન ભાગી ગયો. (એમ્બેસીની મદદ માંગવા છતાં યુવતીને હજી ન્યાય મળ્યો નથી) છ વર્ષ પૂર્વે બોરસદ તાલુકાના ગામની એક કન્યાના લગ્ન લંડનથી આવેલા એક યુવક સાથે થયા હતા. કન્યાને છ મહિનામાં લંડન બોલાવી લેવાની ખાતરી આપી વરરાજા વિદેશ પલાયન થઈ ગયા તે હજી સુધી પાછા આવ્યા નથી.

અમદાવાદના જયમીન પંડ્યા નામના યુવકે વડોદરાની (મૂળ કેનેડાની) છોકરી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તે પત્નીની મદદથી કેનેડા પહોંચ્યો. પત્નીને વિશ્વાસમાં લઈ તેણે USA ના વિઝા મેળવ્યા ત્યાર બાદ કોઈ બહાનું કાઢી જયમીન ત્યાંથી અમેરિકા આવ્યો. તેના વિશે પોલીસ તપાસ કરી રહી છે પણ તેનો હજી કોઈ પત્તો નથી. આટલા મોટા પ્રમાણમાં લોકો ફસાઈ જાય છે તેનું કારણ એ છે કે લોકોને ફોરેનર મુરતિયાનું જબરું આકર્ષણ હોય છે. તેમને એવો ભય હોય છે કે જો આપણે મોડું કરીશું તો બીજા તક ઝડપી લેશે અને આપણા મોનો કોળિયો છીનવાઈ જશે. એથી વાલીઓ મુરતિયા અંગે ઊંડી તપાસ નથી કરતા અને દેખાદેખીથી લગ્ન કરી નાંખે છે. યુવતીને લગ્ન કરીને વિદેશ લઈ જનારા મુરતિયાઓ પાછળથી ત્યાં દહેજ વગેરેના ઘણા પ્રશ્નો પણ ઊભા કરે છે.

ફ્રોડના આવા અનેક કિસ્સાઓ જગજાહેર છે એથી જે કન્યા ફોરેનરને પરણવા ઉત્સુક હોય તેણે પોતાની સલામતી માટે કેટલાંક પ્રિકોશન લેવા જોઈએ. જેમ કે તેની પાસે લગ્ન થયા અંગેના પાકા પુરાવાઓ હોવા જોઈએ અને લગ્ન ધાર્મિક વિધિની સાથોસાથ રજિસ્ટર પણ કરાવવા જોઈએ. એ ઉપરાંત ફોરેન ગયેલી દીકરીનાં માબાપે સતત તેના ટેલિફોનિક કોન્ટેક્ટમાં રહેવું જોઈએ. પરિસ્થિતિ બગડે તો ત્યાં તેણે કેવી રીતે સરકારી રક્ષણ મેળવવું તેની માહિતી પણ દીકરીને હોવી જોઈએ. વિદેશ જતા પૂર્વે તમામ જરૂરી દસ્તાવેજોની ઝેરોક્ષ કોપી તેણે પરિવાર પાસે અચૂકપણે છોડતા જવું જોઈએ. મહિલા ચેરમેન લીલાબેન આંકોલિયા જણાવે છે કે, ‘‘ગુજરાતમાં NRG સેલ ચાલે છે. પરણીને વિદેશ ગયા બાદ પતિ કે સાસરિયા દ્વારા હેરાન થતી સ્ત્રીઓની રોજની ત્રીસેક જેટલી ફરિયાદો અમને મળે છે. અમે સૌ પ્રથમ યુવતીના સગાંવહાલાંને મળીને પૂરી માહિતી મેળવીએ છીએ ત્યાર બાદ યુવકનો સંપર્ક કરવામાં આવે છે. પહેલો પ્રયાસ સમાધાનનો હોય છે પણ તેમાં સફળતા ન મળે તો છૂટાછેડા કે ભરણપોષણ જેવી જરૂરી બાબતોમાં યુવતીને પૂરી મદદ કરીએ છીએ.’’

ધૂપછાંવ
સાસુ, સસરો ને જમાઈ.. ભલે હોઈ NRI.. પણ જો હોઈ કસાઈ.. તો કદી ન કરાઈ દીકરીની સગાઈ!

Most Popular

To Top