આણંદ : કરમસદ સ્થિત ભાઈકાકા યુનિવર્સિટી દ્વારા પ્રવાસન અને તબીબી શિક્ષણ પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે એનઆરઆઈ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સરદાર પટેલ યુનિવર્સિટી અને ગુજરાત ટુરિઝમના સહયોગથી કરવામાં આવી હતી. આ બેઠકમાં 50 જેટલા એનઆરઆઇએ ભાગ લીધો હતો. આ પ્રસંગે સંસ્થા જરૂરિયાતમંદ દર્દીઓને રાહત દરે અને નિઃશુલ્ક સારવાર પુરી પાડે છે, તેની પાછળ મંડળ વર્ષે 35 કરોડની ખાદ્ય ભોગવી રહી હોવાનું જણાવ્યું હતું.
કરમસદના ભાઇકાકા યુનિવર્સિટીના એનઆરઆઈ બેઠકમાં ડો. નિરંજનભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગુજરાતમાં મેડિકલ ટુરિઝમને વિકસિત કરવા માંગે છે, જેના માટે સરકાર 75 લાખની ગ્રાન્ટ પુરી પાડી છે. આંકડા મુજબ 7થી 8 લાખ વિદેશીઓ બાંગ્લાદેશ, પાકિસ્તાન, આફ્રિકા, અફઘાનિસ્તાન, કેન્યા વગેરે દેશોમાં મેડિકલ ટુરિઝમ એટલે કે સારવાર અર્થે આવેછે. તદુપરાંત વિકસીત દેશોના એનઆરઆઈ જે તે દેશમાં સારવાર માટેનો વેઇટીંગ પિરિયડ લાંબો હોવાથી ભારતમાં સારવાર લેવાનું પસંદ કરી રહ્યા છે. કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલ ગુણવત્તાવાળી સારવાર વ્યાજબી ધોરણે આપવા માટે જાણીતી છે.
ભાઇકાકા યુનિવર્સિટીને પ્રાઇવેટ યુનિવર્સિટીની સ્વાયત્તતા મળી છે તે અગાઉ તે સરદાર પટેલ યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવતી હતી. સ્વાયત્તતા બાદ પણ ભાઇ કાકા યુનિવર્સિટી 40 ટકા વિદ્યાર્થીઓ અન્ય યુનિવર્સિટીમાંથી લઇ શકે છે. તેવી જોગવાઇ છે, જેથી સરદાર પટેલ યુનિવર્સિટીના આઈટી સેક્ટરના વિદ્યાર્થીઓ માટે આઈટી હેલ્થકેર, મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે હેલ્થકેર મેનેજમેન્ટનો કોર્સ બન્ને યુનિવર્સિટીના સહયોગથી શરૂ કરી શકાય તેમ છે. આ પ્રસંગે વધુમાં સુરેન્દ્રભાઈએ ઉમેર્યું હતું કે, શ્રીકૃષ્ણ હોસ્પિટલના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે હોસ્પિટલની સુવિધાઓ અને સંસ્થાની પારદર્શકતા માટે વિદેશમાં વસતા એનઆરઆઈને માહિતી આપવી જોઈએ.
આ એનઆરઆઈ બેઠકમાં ભાઈકાકા યુનિવર્સિટીના પ્રેસિડન્ટ તથા ચારુતર આરોગ્ય મંડળના ચેરમેન અતુલભાઈ પટેલ, ગર્વનિંગ બોડી ભાઇકાકા યુનિવર્સિટીના મેમ્બર તથા યુનિવર્સિટીના માનદ્દમંત્રી જાગૃત ભટ્ટ, પ્રોવોસ્ટ ડો. ઉત્પલા ખારોડ, સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. નિરંજનભાઈ પટેલ, એનઆરઆઈ સમુદાયના આગેવાન સુરેન્દ્રભાઈ વિગેરે હાજર રહ્યાં હતાં.