નવસારી : એન.આર.આઈ. પતિએ તેની પત્નીને વિદેશ લઈ જવા માટે 25 લાખ રૂપિયા દહેજ માંગી શારીરિક-માનસિક ત્રાસ આપતા પત્નીએ પતિ અને તેના મિત્ર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાના દાંડી રોડ પર સામાપોર ગામે સીમાયા ફળીયામાં રહેતી દર્શનાબેનના લગ્ન ચીખલી મીણકચ્છ પાટીદાર સ્ટ્રીટમાં રહેતા ચેતન દલીચંદ પટેલ સાથે બલ્લાશ્વેર મહાદેવ મંદિરે થયા હતા. લગ્ન બાદ દર્શનાબેન તેમના સાસરે ચીખલી ખાતે રહેવા માટે ગયા હતા. લગ્નના 2 દિવસ બાદ પતિ ચેતનભાઈએ દર્શનાબેન ઉપર શક-વહેમ રાખી માર મારવાનું ચાલુ કર્યું હતું. અને પરિવારજનોને અપશબ્દો બોલી અપમાનિત કરતા હતા.
ત્યારબાદ ચેતનભાઈએ દર્શનાબેનને કહ્યું હતું કે, તારે વિદેશ (યુ.કે. માન્ચેસ્ટર) આવવું હોય તો 25 લાખ રૂપિયા આપવા પડશે. જોકે દર્શનાબેનના પરિવારજનોએ ચેતનભાઈને સમજાવતા ચેતનભાઈએ તમે ચિંતા ન કરો હું દર્શનાને વિદેશ (યુ.કે. માન્ચેસ્ટર) ખાતે બોલાવી લઇશ તેમ ભરોસો આપ્યો હતો.
લગ્નના 15 દિવસ બાદ ચેતનભાઈ વિદેશ જતા રહ્યા હતા. એક વર્ષ વીતી ગયું છતાં ચેતનભાઈએ દર્શનાબેનને વિદેશ લઈ જવા માટેની કોઈ કાર્યવાહી કરી ન હતી. એક વર્ષ બાદ ચેતનભાઈએ દર્શનાબેનને 25 લાખ રૂપિયા આપીશ તો જ તને વિદેશ ખાતે લઈ જઈશ તેમ જણાવી જો રૂપિયા આપવાની વ્યવસ્થા ન થતી હોય તો છૂટાછેડા આપી દે તેમ કહી દર્શનાબેનને ધમકી આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
ગત 7મી માર્ચે ચેતનભાઈ વિદેશથી પરત ઘરે આવ્યા હતા. ત્યારબાદ ચેતનભાઈ તેમનો મિત્ર હિરેન દલુભાઇ પટેલ અને દર્શનાબેનના પરિવારજનો સાથે મીટીંગ કરી હતી. જે મીટીંગમાં પતિ ચેતનભાઈએ દર્શનાબેનના પરિવારજનોને 25 લાખ રૂપિયા દહેજ પેટે આપવા પડશે, નહી તો છૂટાછેડા આપી દો તેમ જણાવ્યું હતું.
જોકે દર્શનાબેનની માતા જ્યોતિબેને ચેતનભાઈને સમજાવ્યા હતા. પરંતુ ચેતનભાઈ અને તેના મિત્ર હિરેનભાઈએ જો તું છૂટાછેડા નહી આપે તો તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. જેથી દર્શનાબેન અને તેમની માતા ગભરાઈ ગયા હતા. આ બાબતે દર્શનાબેને પતિ ચેતનભાઈ અને તેના મિત્ર હિરેનભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. કે.એલ. પટણીએ હાથ ધરી છે.
