બારડોલી(Bardoli): બારડોલીના શાસ્ત્રી રોડ પર આવેલી વ્રજભૂમિ સોસાયટીમાં (Vrajbhumi Society) રહેતા જમીન દલાલના બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જમીન દલાલનો પરિવાર દીકરીની રૂપિયો નારિયેળની વિધિ માટે ધોળકા ગયો હતો. ત્યારે તસ્કરો હાથ સાફ કરી અંદરથી સોના ચાંદીના દાગીના, રોકડ સહિત કુલ 2.95 લાખની મત્તાની ચોરી કરી ગયા હતા. બારડોલી ટાઉન પોલીસે (Police) આ મામલે તાત્કાલિક ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરતાં ચોરીની ઘટનાનો ભોગ બનેલા સામાન્ય પરિવારોમાં પોલીસની નીતિ સામે નારાજગી જોવા મળી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ જામનગરના રહેવાસી અને વર્ષોથી બારડોલીના શાસ્ત્રી રોડ પર આવેલી વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા મનસુખ હરિરામ કાપડી જમીન દલાલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત તા.5 ફેબ્રુઆરીના રોજ તેઓ પરિવાર સાથે પોતાની મોટી દીકરી જ્યોત્સીની રૂપિયા નારિયેળની વિધિ માટે ધોળકા ગયા હતા. જ્યાં વિધિ પૂર્ણ કરી માટેલ ધામ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું અને રવિવારે બપોરે બારડોલી આવવા માટે નીકળ્યા હતા. તેઓ રાત્રિના 1 વાગ્યાની આસપાસ ઘરે પરત ફરતાં તેમના મુખ્ય દરવાજાએ લગાવેલું જાળિયું ખુલ્લું હતું અને તાળું તૂટેલું જોતાં ઘરમાં ચોરી થઈ હોવાનો અંદાજ આવી ગયો હતો. જો કે, મુખ્ય દરવાજાને સેન્ટ્રલ લોક હોય દરવાજો તસ્કરો દરવાજો ખોલી શક્યા ન હતા.
મનસુખભાઇ અને તેમનો પરિવાર દરવાજો ખોલી અંદર પ્રવેશ્યા તો ઘરમાં તમામ સામાન વેરવિખેર પડેલો હતો. ઘરના ઉપરના માળે આવેલા બેડરૂમનો કબાટ પણ ખુલ્લો હતો અને તેમાં મૂકેલા લગ્ન સમયના 27 વર્ષ જૂના દાગીના જેમાં સોનાની બંગડી નંગ 2, સોનાનું બેંગલ 1, સોનાનો હાર 2, સોનાની વીંટી 8, સોનાનું લુઝ 3, સોનાની ચેન 3, સોનાની બુટ્ટી 4 જોડી, સોનાનું ડોકિયું 1, સોનાના ટુકડા આશરે 400 ગ્રામ તેમજ હીરાની બુટ્ટી 1 જોડી, ચાંદીનું કડલું 1, ચાંદીના સિક્કા અને ટુકડા મળી 2.10 લાખ, પોલીસ કરેલા હીરા રૂ. 35 હજાર અને રોકડા રૂપિયા 50 હજાર મળી કુલ 2.95 લાખ રૂપિયાની મત્તા ચોરી થઈ ગઈ હતી. ઘટના અંગે બારડોલી ટાઉન પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને ડોગ સ્ક્વોડ તેમજ એફ.એસ.એલ.ની મદદથી તપાસ શરૂ કરી હતી. ઘરમાં ચોરી કરવા આવેલા ચોર ઘરની બહાર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે.
મુખ્ય દરવાજો નહીં ખૂલતાં બેડરૂમની ગેલેરીનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો
ચોરી થયેલા ઘરનો મુખ્ય દરવાજાને સેન્ટ્રલ લોક હોવાથી તસ્કરો તાળું તોડ્યા બાદ દરવાજો ખોલવામાં અસમર્થ રહ્યા હતા. આથી ચોર ઉપરના બેડરૂમની ગેલેરીમાં ફિટ કરેલી સ્ટીલની ગ્રીલમાં મૂકેલા નાના દરવાજાને મારેલું તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. તેઓ ઘરના પાછળના ભાગે બનાવેલા શેડ પર ચઢી બેડરૂમની ગેલેરી સુધી પહોંચ્યા હતા અને તાળું તોડી ચોરીની ઘટનાને જન્મ આપ્યો હતો. તસ્કરોએ નજીકમાં NRIના એક બંધ મકાનને પણ નિશાન બનાવ્યું હતું. જો કે, તેમાંથી ચોરને કંઈ હાથ લાગ્યું ન હતું.