SURAT

સુરતઃ ઘરમાં લાગેલી આગથી બચવા NRI યુવતી છઠ્ઠાં માળે એસીના કોમ્પ્રેસર પર ઉભી રહી ગઈ

સુરતઃ શહેરમાં છેલ્લાં કેટલાંક દિવસોથી આગ લાગવાની ઘટનાઓ વધી છે, ત્યારે આજે સવારે શહેરના નાનપુરા વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના છઠ્ઠાં માળે આવેલા ફ્લેટમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગી ત્યારે મકાનમાં એક યુવતી હતી. આગથી બચવા યુવતી છઠ્ઠા માળે બહારની તરફ ફીટ કરાયેલા એસીના કોમ્પ્રેસર પર ચઢી ગઈ હતી. આ ઘટનાના વીડિયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. દરમિયાન ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી યુવતીનો જીવ બચાવી લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે તા. 27 જાન્યુઆરીની સવારે નાનપુરામાં રામજી ઓવારા નજીક આવેલા પ્રિયા એપાર્ટમેન્ટના છઠ્ઠા માળના એક ફલેટમાં આગ લાગી હતી. વોશિંગ મશીનમાં શોર્ટ સર્કિટ થવાના લીધે આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક સ્તરે જાણવા મળ્યું છે. મકાનમાં આગ લાગી ત્યારે તેની અંદર 22 વર્ષીય એનઆરઆઈ યુવતી જ હતી.

ફાયરના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર પ્રિયા એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે આગ ની ઘટના બની હતી. નાનપુરા નાવડી ઓવારા ખાતે આવેલ રામજી મંદિર પાસે પ્રિયા એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે આવેલ ફ્લેટ B-6/C-6 માં બનેલી આગની ઘટનામાં એક યુવતી ફસાઈ હતી.

જોતજોતા માં આગ ફેલાતા ધુમાડો સમગ્ર રૂમ માં ફેલાયો હતો જેથી રૂમ માં ફસાયેલી યુવતી પોતાનો જીવ બચાવવા માટે એસીના ક્રોમ્પ્રેસરના આઉટડોર પર ચડી “બચાવો બચાવો”ની બુમાબુમ કરતા સ્થાનિકો દ્વારા આગની ઘટના બાબતે ફાયર વિભાગ ને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ એક હાઇડ્રોલિક મશીન અને એક ટીટીએલ મશીન સહીત ફાયર ની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરના જવાનો એ ઘટના સ્થળે પહોંચી સહી સલામત યુવતીને દાદર દ્વારા રેસ્ક્યુ કરી અને મહિલા ની સારવાર માટે 108 ને જાણ કરતા 108 ઘટના સ્થળે પહોંચી હતી.

મહિલાને વધુ સારવાર માટે 108 દ્વારા ખાનગી હોસ્પિટલ ખસેડવામા આવી હતી.આગ જોતજોતા માં ફેલાતા ફાયર વિભાગે પોણો કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

યુવતી લંડનથી થોડા દિવસ પહેલાં જ આવી હતી
નાનપુરા વિસ્તારમાં આવેલ પ્રિયા એપાર્ટમેન્ટ ના ફ્લેટ નંબર B-6/C-6માં રહેતા મુર્તુઝા વોરા ના ત્યાં થોડા દિવસ અગાઉ લંડન થી આવેલ 22 વર્ષીય યુવતી અહમતુલ્લા ફ્લેટમાં હતી ત્યારે કપડાં ધોવાના વોશિંગ મશીનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જેમાં વોશિંગ મશીન સહીત અન્ય સામાન બળી ગયો હતો. આગમાં ફ્લેટની અંદર ફસાયેલી યુવતીનો આબાદ બચાવ થતા ફાયર વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.

Most Popular

To Top