ઘેજ : ચીખલી તાલુકાના સારવણીમાં દોઢેક માસ પૂર્વે દીપડાએ બકરીને ફાડી ખાવાના બનાવમાં બકરીનો પગ જ મળ્યો હોવાથી પશુ ચિકિત્સક દ્વારા મૃત્યુનું ચોક્કસ કારણ ન જણાવાતા પશુપાલકને વળતર ન મળતા નારાજગી ફેલાવા પામી છે. પશુચિકિત્સકના મતે મૃત્યુના ચોક્કસ કારણ માટે પી એમ કરવું પડે અને તે માટે પશુનું આખું શરીર જોઈએ પરંતુ દીપડાને કહેવા કોણ જાય કે તે પશુનું આખું શરીર હજમ ન કરે.
પ્રાપ્ત વિગત મુજબ તાલુકાના અંતરિયાળ વિસ્તારના સારવણી ગામે ૮-જાન્યુઆરી-૨૫ ના રોજ રાત્રે નવાનગર વિસ્તારમાં શાંતિલાલ પટેલના ઘરના કોઢારામાથી દીપડો બકરીને ખેંચી જઇ ફાડી ખાધી હતી. બીજા દિવસે થોડે દુર એક નાળામાંથી બકરીનો માત્ર એક પગ મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતાં વન વિભાગ દ્વારા પાંજરું પણ ગોઠવવામાં આવ્યું હતું.
ઉપરોક્ત બનાવ બાદ પશુપાલકને વન વિભાગ દ્વારા વળતર ચૂકવાયું નથી. જેમાં પશુચિકિત્સક દ્વારા મોતનું ચોક્કસ કારણ ન દર્શાવાતા વન વિભાગને વળતર ચુકવવામાં મુશ્કેલી ઉભી થવા પામી છે. બીજી તરફ પશુપાલકને પણ વળતર ન ચૂકવવા માટેનું કારણ જણાવી દેવાયુ છે. બકરીના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પી એમ જરૂરી હોય અને પીએમ માટે પશુનું આખું શરીર જોઇતું હોવાનું પશુચિકિત્સક જણાવી રહ્યા છે. પરંતુ પશુના શરીરનો ચોક્કસ ભાગ જ ખાવો અને બાકીનું શરીર રાખવું તે દીપડાને કેવા કોણ જાય અને એ વાત શક્ય જ નથી. તેવામાં પંચકયાસ કે બીજી કાર્યવાહીના આધારે મોતનું કારણ દર્શાવી પશુપાલકને વળતર ચુકવવામાં આવે તે જરૂરી છે. ક્યાં પછી વન વિભાગ દ્વારા લોકો અને લોકોના જાનમાલની સલામતી નિશ્ચિત કરવી જોઈએ.
પીએમ માટે પશુનું આખું શરીર જરૂરી છે
પશુચિકિત્સક ડો.કે.ડી.પટેલના જણાવ્યાનુસાર સારવણીમાં બકરીનો માત્ર પગ જ મળ્યો હતો. અને તેના પરથી મોતનું ચોક્કસ કારણ જાણી ન શકાય. આ માટે પીએમ કરવું પડે અને તેમાં પશુનું આખું શરીર જરૂરી છે. જે ન હતું. એટલે અમારાથી ચોક્કસ કારણ જણાવી શકાયુ નથી.
મને વળતર ચૂકવાયું નથી
સારવણીના પશુપાલક શાંતિલાલભાઈના જણાવ્યાનુસાર મારી પાસે ચાર દિવસ પછી બકરીનો પગ મંગાવતા વન વિભાગ અને પશુ દવાખાનામાં લઇ ગયો હતો. પરંતુ મોતનું ચોક્કસ કારણ ન દર્શાવાતા મને વળતર વન વિભાગ દ્વારા ચૂકવાયું નથી. મારી પાસે જમીન પણ નથી. બકરા પાળીને પરિવારનું ગુજરાન ચલાવું છે. દીપડાએ મારી બકરીને ફાડી ખાધી માત્ર પગ જ રાખ્યો તેમાં હું શું કરી શકું.
