જમ્મુ અને કાશ્મીરના બૈસરન ખીણમાં આતંકવાદી હુમલાના થોડા દિવસો પછી પહેલગામ મુખ્ય બજાર આંશિક રીતે ફરી ખુલ્યું છે. 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલા પછી પહેલગામ મુખ્ય બજાર બંધ હતું અને હવે ફરી એકવાર અહીં દુકાનો ખુલી રહી છે.
સોમવાર (28 એપ્રિલ) ના રોજ પહેલગામ મુખ્ય બજાર આંશિક રીતે ખુલ્યા પછી અહીં ગ્રાહકોની વધુ ભીડ નથી પરંતુ ચોક્કસ થોડી અવરજવર દેખાઈ રહી છે. ઘણી દુકાનો પર ગ્રાહકો ખરીદી કરતા જોવા મળી રહ્યાં છે. તૈયાર કપડાં, શાલની દુકાનો, ગિફ્ટની દુકાનો ખુલ્લી છે. જોકે ઘણી દુકાનો હજુ પણ તાળાબંધ છે.
22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ આતંકવાદી હુમલા પછી ભારતીય સેના આતંકવાદીઓ સામે કાર્યવાહી કરી રહી છે. પીએમ મોદીએ આતંકવાદ સામે કડક વલણ અપનાવ્યા બાદ ભારતીય સેના પહેલગામમાં આતંકવાદીઓને મદદ કરનારાઓ સામે કાર્યવાહી કરી રહી છે. ઘણા ઘરો તોડી પાડવામાં આવ્યા છે.
બીજી તરફ પહેલગામ આતંકવાદી હુમલા બાદ સોમવારે (28 એપ્રિલ) જમ્મુ અને કાશ્મીર વિધાનસભાનું એક દિવસનું ખાસ સત્ર બોલાવવામાં આવ્યું હતું. સોમવારે વિધાનસભાની કાર્યવાહી શરૂ થયા બાદ પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી સુરિન્દર કુમાર ચૌધરીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું, “પહલગામમાં બનેલી ઘટના ખૂબ જ નિંદનીય છે અને અમે આ ઘટનાની નિંદા કરીએ છીએ. પાકિસ્તાને સમજવું પડશે કે 30-35 વર્ષમાં તેમને જમ્મુ અને કાશ્મીરમાંથી કંઈ મળ્યું નથી અને ભવિષ્યમાં પણ કંઈ મળશે નહીં.”
હુમલા બાદ આખો દેશ એક થયો છે
પહલગામ આતંકવાદી હુમલા અંગે કોંગ્રેસના ધારાસભ્ય ગુલામ અહેમદ મીરે કહ્યું, “આ હુમલા બાદ આખો દેશ એક થઈને આ હુમલાની નિંદા કરી રહ્યો છે. આતંકવાદીઓ દ્વારા બનાવેલા એજન્ડાને હરાવવો પડશે અને તેનું પહેલું પગલું અહીં ભાઈચારો સ્થાપિત કરવાનું છે.”