સુરત: સુરત શહેરમાં છેલ્લાં કેટલાંક સમયથી વિકાસ કાર્યોની સાથોસાથ ડ્રેનેજની લાઈનોની કામગીરી પણ ચાલી રહી છે, તેથી અવારનવાર રસ્તાઓ બ્લોક કરી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે. વરાછા અને શહેરના કોટ વિસ્તારમાં મેટ્રો અને ડ્રેનેજની કામગીરીને લીધે છેલ્લાં બે વર્ષથી અવારનવાર રસ્તા બંધ કરવામાં આવી રહ્યો છે. હવે ફરી એકવાર વરાછામાં ડ્રેનેજની કામગીરી શરૂ થવાના લીધે એક રસ્તો 15 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં નવાગામ પમ્પિંગ સ્ટેશનથી વસંત ભીખાની વાડી સુધીના વિસ્તારમાં રાઈઝીંગ મેઈન નાંખવાની કામગીરીને પગલે તા. 25 એપ્રિલથી 10 મે સુધી આ રસ્તો વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવશે તેમ જણાવાયું છે. ડ્રેનેજની કામગીરી 15 દિવસ સુધી ચાલશે, જેથી આ રસ્તો બંધ રાખવામાં આવશે.
આ રસ્તો બંધ રહેતા લોકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા જણાવાયું છે. જેમાં આ વિસ્તારમાંથી પસાર થતાં વાહન ચાલકોને એલઆઈસી સર્કલથી લંબે હનુમાન તરફ જતાં રસ્તાને બદલે પ્રાઈમ સ્ટોરથી નંદેશ્વરી સોસાયટી થઈ વરાછા ઝોન ઓફિસ રોડનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે. આ સિવાય સુરત – કામરેજ રોડથી સેન્ટ્રલ વેર હાઉસ થઈ નવાગામ પમ્પિંગ સ્ટેશન તરફ જતાં વાહન ચાલકોને સાધના સોસાયટી – લક્ષ્મી નારાયણ સર્કલ (માતાવાડી) થઈને રંગ અવધૂત ચોકના રસ્તાનો ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યું છે.
શહેરમાં ચાલતાં તમામ કામો 1 માસમાં સેફ સ્ટેજ પર લઈ જવા સૂચના
સુરત: ચોમાસું શરૂ થાય એ પહેલાં શહેરમાં દર વર્ષે પ્રિ-મોન્સૂન કામગીરી મનપા દ્વારા કરવામાં આવે છે. જે અંગે મનપા કમિશનરે પ્રિ-મોન્સૂન માટે મિટિંગ્સ શરૂ કરી દીધી છે. હાલ શહેરમાં ઘણાં કામો ચાલી રહ્યાં છે. વિવિધ ખાનગી, સરકારી કામોને લઈ મનપા કમિશનરે તમામ ઝોનમાં અને ખાનગી સંસ્થાઓને સૂચના આપી દીધી છે કે, આ તમામ કામો 1 માસ સુધીમાં સેફ સ્ટેજ પર લઈ જવામાં આવે. જેથી ચોમાસું શરૂ થાય ત્યારે શહેરીજનોને કોઈ અગવડતા ના પડે.
જે અંગે વધુ વિગત આપતાં મનપા કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત શહેરની તમામ ખાડીઓની સફાઈનો પ્રથમ રાઉન્ડ 10 મે સુધીમાં પૂર્ણ કરી દેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તેમજ જે પણ મશીનરીઓની જરૂરિયાત છે તેની પૂર્તતા ચકાસવા જણાવી દેવાયું છે. સાથે સાથે તમામ ફ્લડ ગેટ ચાલુ છે કે કેમ તે પણ 10 દિવસમાં ચકાસી લેવા જણાવાયું છે. અને ચોમાસા દરમિયાન જરૂરી એવા ડિવોટરિંગ પંપ, ડી.જી. સેટ, ફાયર બોટ વગેરેને પણ 10 દિવસમાં ચકાસી લેવા જણાવાયું છે. ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેની ટ્રેનિંગ પણ શરૂ દેવાશે તેમ મનપા કમિશનરે જણાવ્યું હતું.
મનપા કમિશનર મેટ્રોના અધિકારીઓ સાથે બેઠક કરશે
ચોમાસાને ધ્યાને લઈ મનપા કમિશનર શાલિની અગ્રવાલ આવતીકાલે મેટ્રોના જીએમઆરસીના અધિકારીઓ સાથે મિટિંગ કરશે અને મેટ્રોની કામગીરીને પણ 1 માસ સુધીમાં સેફ સ્ટેજ સુધીમાં લઈ જવા સૂચના આપવામાં આવશે. તેમજ મેટ્રોની કામગીરી જે રૂટ પર ચાલી રહી છે તે રૂટ પરના જે રસ્તા બંધ કરાયા છે તે પૈકીના કયા રસ્તા આગામી દિવસોમાં જલદીથી ખુલ્લા કરી શકાશે એ અંગે મિટિંગમાં ચર્ચા કરાશે અને મેટ્રોની કામગીરીમાં મનપાને લગતા જે પ્રશ્નો હશે તે અંગે પણ આવતીકાલની મિટિંગમાં ચર્ચા કરાશે.