માણસના રોજબરોજના જીવન માટે ઉપયોગી કે આવશ્યક એવા ઘણા પ્રાકૃતિક સ્ત્રોતોની તંગી એ આજના સમયમાં કોઇ નવી વાત નથી. દુનિયામાં વધારે પડતી થઇ ગયેલી માનવ વસ્તી, સ્ત્રોતોના બિનજરૂરી વેડફાટ, ગેરવહીવટ જેવા કારણોસર વિવિધ સ્ત્રોતોની તંગી માણસજાતને હેરાન કરી રહી છે. પીવાના સ્વચ્છ પાણી જેવી રોજીંદા જીવન માટે આવશ્યક વસ્તુની પણ વિશ્વના ઘણા પ્રદેશોમાં અછત જણાઇ રહી છે ત્યારે હવે સ્ત્રોતોની આ તંગીમાં એક નવું નામ ઉમેરાયું છે અને તે છે રેતી! બાંધકામ પ્રવૃતિ તથા કાચ જેવી સામગ્રીઓ બનાવવા માટે જેની ખૂબ જરૂર રહે છે તે પદાર્થ રેતીની આજકાલ દુનિયામાં તંગી પડી રહી છે અને તેને કારણે બાંધકામ પ્રવૃત્તિઓને તો અસર થશે જ પરંતુ વિશ્વભરમાં રસીકરણની કામગીરીને પણ મુશ્કેલી નડી શકે છે.
રેતીનો ઉપયોગ ટેકનીકલ ક્ષેત્રમાં પણ નોંધપાત્ર થાય છે. દુનિયાભરના બાંધકામ ઉદ્યોગમાં વર્ષે પ૦ અબજ ટન જેટલી રેતી વપરાય છે. ઇંજેકશનો વડે અપાતી દવાઓ જેમાં ભરવામાં આવે છે તેવી નાનકડી શીશીઓ જેને ગ્લાસ વાયલ્સ કહેવામાં આવે છે તે બનાવવમાં રેતીની જરૂર પડે છે અને જ્યારે વિશ્વમાં હાલમાં કોરોનાવાયરસ સામેના રસીકરણનો વ્યાપક કાર્યક્રમ શરૂ થયો છે ત્યારે આ ગ્લાસ વાયલ્સની માગ ખૂબ વધી ગઇ છે અને તે ટાણે જ આ રેતીની તંગી સર્જાઇ છે જેને કારણે ગ્લાસ વાયલ્સની તંગીના કારણે રસીકરણના કાર્યક્રમને પણ અસર થઇ શકે છે. રસી બગડી નહીં જાય તે માટે આ રસીઓના પ્રવાહીને પ્લાસ્ટીકની બોટલોમાં નહીં પરંતુ ગ્લાસ વાયલ્સમાં જ ભરવામાં આવે છે. કાચ બનાવવા સિવાય બીજા પણ અનેક ઉપયોગ રેતીના છે. કોન્ક્રીટ, આસ્ફાલ્ટ બનાવવા ઉપરાંત ઇલેકટ્રોનિક્સ સાધનોમાં વપરાતી સીલીકોન ચિપ્સ બનાવવા માટે પણ રેતીની જરૂર રહે છે.
આમ તો દુનિયાભરમાં ૨૦૧પના વર્ષથી રેતીની તંગી સર્જાવાનું શરૂ થયું હતું પરંતુ હાલ તેની અછત તીવ્ર બની છે. છેલ્લા ૨૦ વર્ષમાં ખાસ કરીને બાંધકામ ઉદ્યોગમાં રેતીનો ઉપયોગ ઘણો વધ્યો છે પરંતુ તેની સામે તેનું ખનન ઓછું પડે છે. રેતીની કેટલીક ખાસ ખાણો હોય છે જેમ કે અમેરિકામાં ૧૦૦૦થી થોડી ઓછી એવી આવી ખાણો છે, જો કે મોટે ભાગે રેતી નદીકિનારાઓ પરથી કાઢવામાં આવે છે અને તેમાં પર્યાવરણીય સમતુલાનો પણ ખયાલ રાખવાનો હોય છે. એક વાર ખોદાયેલી રેતીના જથ્થાને ફરી પુરતા એક નદીને બે વર્ષ જેટલો સમય લાગે છે. જીનીવા સ્થિત એક થિંક ટેન્કે જણાવ્યું હતું કે અયોગ્ય વ્યવસ્થાપનને કારણે આવું થઇ રહ્યું છે. ખરેખર તો રેતીની બાબતમાં બધા પાસા ધ્યાનમાં રાખીને યોગ્ય વ્યવસ્થાની જરૂર છે. આમ તો દુનિયાના રણપ્રદેશોમાં વિપુલ પ્રમાણમાં રેતી છે પણ રણપ્રદેશની રેતી બાંધકામ ઉદ્યોગમાં બહુ ઉપયોગી થઇ શકે તેવી નથી હોતી.
નદી કાંઠાઓથી રેતીના ખનનમાં પર્યાવરણીય સમતુલાનો, કાંઠાના ધોવાણ વગેરેનો ખયાલ રાખવાનો હોય છે અને તેથી રેત ખનન પર નિયંત્રણ માટે સત્તાવાળાઓએ વિવિધ નિયમો નક્કી કરવા પડે છે. રેતીનું ખનન યોગ્ય પ્રમાણમાં યોગ્ય રીતે થાય તે સાથે તેનો કોઇ વિકલ્પ પણ મળી શકે તે દિશામાં પ્રયાસો કરવાની જરૂર હવે જણાય છે, નહીંતર થોડા વર્ષોમાં અન્ય પ્રાકૃતિક સ્ત્રોતોની સાથે રેતીની તંગી પણ માનવજાતને તીવ્ર રીતે પીડવા માંડશે.