Dakshin Gujarat

હવે અંકલેશ્વર સુરત વચ્ચે એક્સપ્રેસ-વેનું કામ ‘સ્પીડ’ પકડશે

અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકાના જૂના દિવાથી પુનગામ વચ્ચે એક્સપ્રેસ-વેની કામગીરીનો, ખેડૂતોનાં વિરોધ વચ્ચે શુક્રવારે પોલીસ બંદોબસ્ત સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જો કે, આંદોલનકારી ખેડૂતો વિરોધ કરવા ડોકાયા નહોતા.

  • અંકલેશ્વરના જૂના દિવાથી પુનગામ વચ્ચે અઢી વર્ષથી કામગીરી અટકી ગઈ હતી
  • લોખંડી પોલીસ બંદોબસ્ત, આરોગ્ય અને ફાયરની ટીમ સાથે અડધા કિ.મી.ના બાકી રોડની કામગીરી શરૂ
  • અધૂરી કામગીરી પૂર્ણ થતાં કમસે કમ સુરત સુધીનો એક્સપ્રેસ-વે કાર્યન્વીત થઇ શકશે

અંકલેશ્વર તાલુકાના ગામોમાંથી પસાર થતાં વડોદરા મુંબઈ સુધીના એક્સપ્રેસ-વેની કામગીરી ખેડૂતોનાં વળતરના વિવાદને કારણે અમુક ભાગ પૂરતી અટવાઈ પડી હતી. આજે પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરીનો પ્રારંભ વહીવટી તંત્રએ કરાવ્યો હતો. કામના સ્થળ ઉપર પોલીસ, આરોગ્ય વિભાગની ટીમ, ફાયર વિભાગની ટુકડીઓ હાજર રહી હતી.

જો કે, અપેક્ષિત દિવા ગામના ખેડૂતો કામગીરીનો વિરોધ કરવા અગમ્ય કારણોસર આવ્યા નહોતા, જેને પગલે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો અને અધૂરી કામગીરી નિવિઘ્ને શરૂ કરાઈ હતી. આ અધૂરી કામગીરી પૂર્ણ થતાં કમસે કમ સુરત સુધીનો એક્સપ્રેસ-વે કાર્યન્વીત થઇ શકશે.

વડોદરાથી સુરત તરફ જતા ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી પાર કરીને પુનગામ અને જૂના દીવા ગામ નજીકનો માત્ર અડધા કિમીનો ટુકડો એવો છે, જેની કામગીરી અઢી વર્ષથી અટકી પડી છે. કારણ કે સરકાર અને ખેડૂતો વચ્ચે વળતરના મુદ્ધે પડેલી મડાગાંઠનો ઉકેલ આવતો નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લાના આમોદ, વાગરા, અંકલેશ્વર અને હાંસોટ સહિતના 32 ગામની જમીન આ પ્રોજેક્ટમાં સંપાદન કરાઇ છે. મોટા ભાગના ખેડૂતોએ સરકારે અગાઉ નક્કી કરેલી રૂપિયા 350થી 400 પ્રતિ ચો.મી. વળતરના વાંધા સાથે જમીન હાઇવે નિર્માણ માટે સોંપી દીધી છે, પરંતુ પુનગામ અને જૂના દિવાના ખેડૂતોએ વળતર સ્વીકાર્યું નથી. હાલમાં આખો મામલો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં છે.

ખેડૂતોને વલસાડ-નવસારી જેટલું 800થી 900 રૂપિયા પ્રતિ ચો.મી. વળતર જોઈએ છે
ખેડૂતો વલસાડ, નવસારી અને બારડોલીમાં જમીનનું વળતર પ્રતિ ચો.મી. રૂપિયા 800થી 900 ચૂકવવામાં આવ્યું છે, તેટલું ભરુચ જિલ્લાના ખેડૂતોને મળવું જ જોઇએ એવી માંગણી કરી રહ્યા છે. તેમનો દાવો છે કે રજૂઆત બાદ લવાદ (ઓર્બિટ્રેટર) દ્વારા જૂના દીવા અને પુનગામના ખેડૂતો માટે રૂપિયા 852 પ્રતિ ચો.મી. ભાવ નકકી કરી અપાયો હતો, પરંતુ આ ભાવ સામે નેશનલ હાઇવે ઓથોરિટી કોર્ટમાં પહોંચી છે. આમ, 500 મીટરનો હાઇવે ખેડૂતોના અધિકારોની લડાઈનું પ્રતીક બન્યો છે.

Most Popular

To Top