ટી.વી. સિરીયલોએ ઘણાને પરણાવી આપ્યા તેમાં રુબૈના દિલેક અને અભિનવ શુકલા પણ છે. ટી.વી. ક્ષેત્રે બંનેનું નામ જાણીતું છે પણ અભિનવ સહજ જ કહે છે કે રુબૈના મારાથી મોટી સ્ટાર છે. રુબૈના એટલે કે ‘છોટી બહુ’- રાધિકા તેના પતિના નિવેદનથી ખુશ છે. ‘બિગ બોસ-14’ની વિનર રહેલીઅ ને ‘શકિત અસ્તિત્વ કે અહેસાસ’ની સૌમ્યા સીંઘ તેના સીમલાથી મુંબઇ આવ્યાને સાર્થક ગણે છે. રુબૈનાના પિતા હિન્દીના જાણીતા લેખક છે પણ રુબૈના અભિનય તરફ વળી. જો કે સીધી નહીં. 2006માં તે ‘મીસ સીમલા’ અને ત્યાર પછી ‘મીસ નોર્થ ઇન્ડિયા પેજન્ટ’ તરીકે પણ પસંદ થઇ. ટી.વી.ને ફિલ્મ જગતમાં સૌંદર્ય વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી બની જાય છે. બાકી સ્કૂલના દિવસોમાં વકતૃત્વમાં રાષ્ટ્રીય સ્તરે ચેમ્પિયન બનેલી રુબૈના આઇ.એ.એસ. થવા માંગતી હતી પણ ઝી ટીવીની ‘છોટી બહુ’ મળી અને પહેલી જ સિરીયલે તે એટલી જાણીતી થઇ ગઇ કે પેલી આઇએએસ થવાની ઇચ્છા બાજુ પર જ રહી ગઇ. ત્યારબાદ ‘સાસ બીના સસુરાલ’ની સિમરનનું પાત્ર પણ તેની લોકપ્રિયતા વધારનારું નીવડયું. બસ પછી તે ચાલી નીકળી તે ચાલી નીકળી. તે સિરીયલો સાથે સાથે ‘બોક્સ ક્રિકેટ લીગ-1’ અને ‘બીગ બોસ-14’ની સ્પર્ધક બની અને વિજેતા પણ બની. અત્યારે તે ‘અર્ધ’ નામની ફિલ્મમાં હિતેન તેજવાની સાથે મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. પલાશ મુછાલ દિગ્દર્શિત આ ફિલ્મ આ વર્ષે રજૂ થવાની છે. તેની ‘વંડરલસ્ટ’ સિરીયલ પણ આવી રહી છે અને તેમાં તેની સાથે અભિનવ શુકલા જ છે. આ સિરીયલ અબુ ધાબીમાં ફિલ્માવામાં આવી છે અને એડવેન્ચરનો અનુભવ આ સિરીયલમાં થઇ રહ્યો છે.
રુબૈના ટી.વી. સિરીયલોના પ્રેક્ષકો માટે હજુ પણ ખાસ છે કારણ કે ‘પુર્નવિવાહ: એક નયી ઉમ્મિદ’માં દિવ્યા રાજજખોટીયા અને ‘જેની ઔર જૂજૂ’માં તે જેની બની હતી. ‘દેવો કે દેવ મહાદેવ’માં તે સીતા તરીકે પણ આવી હતી. સતત ટ.વી. સિરીયલ જોનારા પ્રેક્ષકોના હૃદયમાં તેનું ખાસ સ્થાન છે. હવે તો તે મ્યુઝિક વિડીયોમાં પણ કામ કરી લે છે. થોડા દિવસના શૂટિંગમાં સારા રૂપિયા મળતા હોય તો કોણ ના પાડે? મ્યુઝિક વિડીયો લોકપ્રિય એકટર્સને હંમેશા તક આપતા હોય છે. મ્યુઝિક વિડીયોમાં તે સારા કળાકાર સાથે જામતી હોય છે અને ‘તુમસે પ્યાર હે’ નામના મ્યુઝિક વિડીયોમાં તો તેની સાથે અભિનવ શુકલા જ હતો. પણ હવે તે ફિલ્મ કારકિર્દી બાબતે ઘણે ઉત્સાહી છે. સીમલાથી આવી ત્યારે તેના મનમાં ફિલ્મો જ હતી પણ ટી.વી. સિરીયલો મળવા માંડી તો તેમાં દિલ દઇને કામ કર્યું અને હવે ફિલ્મ મળવા લાગી છે. તેને ઘણી રીતે સુખી છે કારણ કે અભિનવ સાથેનું લગ્નજીવન પણ મસ્ત ચાલી રહ્યું છે. અભિનવ કહે છે કે તે મને પ્રથમવાર મળી ત્યારે મારાથી ઘણી મોટી સ્ટાર હતી અને આજે પણ છે. રુબૈના આ વાતથી ખુશ છે અને કહે છે કે અભિનવે મને જીવનમાં કમ્ફર્ટ બનાવી છે.